દેશમાં આસામ સહિત અમુક રાજ્યોમાં ભારે વરસાદના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ પ્રવર્તી છે. ત્યારે ચાલુ ચોમાસાની સિઝનમાં 1 જૂનથી 27 જુલાઈના વરસાદી આંકડાઓ પ્રમાણે ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમી બંગાળમાં વરસાદનું સ્તર સામાન્ય કરતાં પણ 42થી 53 ટકા ઓછું નોંધાયું છે. તેની સીધી અસર ડાંગરના વાવેતર અને ખરીફ સિઝનના ચોખાના ઉત્પાદન પર પડવાનું નિશ્ચિત છે. સરકારે ગત સપ્તાહે ડાંગરના વાવેતરના આંકડા જાહેર નહોતા કર્યા. આવતીકાલે 29મી જુલાઈના રોજ જે આંકડા જાહેર કરવામાં આવશે તેના દ્વારા કદાચ તસવીર સ્પષ્ટ થાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, સરકાર દર શુક્રવારે ખરીફ સિઝનના પાકના એરિયા કવરેજના આંકડાઓ બહાર પાડે છે.

ગત વર્ષની સરખામણીએ વાવેતર ઘટ્યું
15 જુલાઈના રોજ બહાર પાડવામાં આવેલા આંકડાઓ પ્રમાણે દેશમાં ગત વર્ષની સરખામણીએ ડાંગરનું વાવેતર 17.38 ટકા જેટલું ઓછું નોંધાયું છે. સરકારી આંકડાઓ પ્રમાણે ગત વર્ષે 15મી જુલાઈ સુધીમાં 155.53 લાખ હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું હતું જ્યારે ચાલુ ખરીફ સિઝનમાં 15મી જુલાઈ સુધીમાં ડાંગરનું વાવેતર મામત્ર 128.501 લાખ હેક્ટર પર જ પહોંચ્યું છે.
ચોખાની કિંમતો પર અસર પડી શકે
ખરીફ સિઝનમાં ડાંગરના વાવેતરના ક્ષેત્રફળમાં જે ઘટાડો નોંધાયો છે તેની અસર ચોખાની કિંમતો પર પડી શકે છે. જોકે જ્યાં સુધી કેન્દ્રીય પૂલમાં ખાદ્યાન્ન ભંડારની વાત છે તો સ્થિતિ હજું પણ સારી જ છે. ખાસ કરીને ચોખાના સંગ્રહ મામલે સ્થિતિ ખૂબ જ સંતોષજનક છે. તે પહેલી જુલાઈના બફર સ્ટોકના માપદંડ કરતા 3.5 ગણો વધારે છે.
કેન્દ્રીય પૂલમાં ગત તા. 1 જુલાઈના રોજ ચોખાનો સ્ટોક 472.18 લાખ ટનનો હતો જે ગત વર્ષના 491.10 લાખ ટનની સરખામણીએ સામાન્ય કહી શકાય તેટલો ઓછો છે.

ખેડૂતો માટે કન્ટીન્જેન્સી પ્લાન તૈયાર થવો જોઈએ
વરસાદના આ ટ્રેન્ડને જોતા સરકારે ખેડૂતો માટે કન્ટીન્જેન્સી પ્લાન બહાર પાડવો જોઈએ જેથી વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને પાકની યોગ્ય જાતની પસંદગી કરી શકાય. તેવામાં જો વરસાદ સુધરે તો ખેડૂતોને 125 દિવસ કરતાં પણ ઓછા સમયની ચોખાની જાતની વાવણી કરવા અંગેની જાણકારી આપવી જોઈએ.
કુલ વરસાદ સામાન્ય કરતાં 10 ટકા જેટલો વધારે
નવાઈની વાત એ છે કે, દેશમં વરસી રહેલો કુલ વરસાદ સામાન્ય કરતાં આશરે 10 ટકા વધારે છે. દેશભરમાં 27મી જુલાઈ સુધીમાં સામાન્ય રીતે 408.9 મિલીમીટર વરસાદ વરસવો જોઈએ પરંતુ હકીકતમાં 451.5 મિમી વરસાદ વરસ્યો છે. વરસાદનું આ ક્ષેત્રીય અસંતુલન ચાલુ ખરીફ સિઝનમાં ખેડૂતો માટે મુશ્કેલી સર્જી રહ્યું છે.
Read Also
- આમિર ખાને લાલ સિંહ ચઢ્ઢાની અસફળતાના કારણે લીધો આ મોટો નિર્ણય, ફિલ્મે 5 દિવસમાં માત્ર 48 કરોડની કરી કમાણી
- મેગા ઓપરેશન/ ગુજરાત એટીએસને મળી મોટી સફળતા, રાજ્યમાંથી ઝડપાયું રૂ.2151 કરોડનું ડ્રગ્સ
- Video: પોલીસે YouTuber બોબી કટારિયા વિરુદ્ધ નોંધી FIR, ફ્લાઈટમાં સિગારેટ પીતો વીડિયો થયો વાયરલ
- તહેવાર ટાણે મેઘ વર્ષા/ સૌરાષ્ટ્રમાં શ્રાવણે શ્રીકાર : બે દિવસમાં 1થી 5 ઈંચ વરસાદ ખાબક્યો, અનેક ડેમ છલકાયા
- ડર્ટી પિક્ચરના બીજા ભાગ માટે આ એક્ટ્રેસને લીડ રોલ માટે કરાઈ ઓફર, જાણો કોના જીવન આધારિત હશે આ ફિલ્મ