રશિયાના આક્રમણનો મક્કમતાથી સામનો કરી રહેલું યુક્રેન ઝુકવા માટે જરા પણ તૈયાર નથી. બંને દેશો વચ્ચે ૪૩ દિવસથી યુદ્ધ ચાલુ છે અને તે હાલ પૂરું થવાના કોઈ સંકેત દેખાતા નથી. આવા સમયે સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પરિષદમાંથી રશિયાની હકાલપટ્ટી માટેનો પ્રસ્તાવ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પસાર થઈ ગયો છે. અમેરિકાએ રજૂ કરેલી આ દરખાસ્ત પર યુએનજીએમાં ગુરુવારે મતદાન થયું હતું, જેમાં ૯૩ સભ્યોએ સમર્થનમાં જ્યારે ૨૪ સભ્યોએ પ્રસ્તાવની વિરોધમાં મતદાન કર્યું. ભારત સહિત ૫૮ દેશોએ મતદાનમાં ગેરહાજર રહ્યા હતા. સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાંથી રશિયાની હકાલપટ્ટી માટે બે તૃતિયાંશ મતોની જરૂર હતી.
યુક્રેનની રાજધાની કીવના શહેર બૂચામાંથી રશિયન સૈન્યની પીછેહઠ પછી નાગરિકોના શબોની ભયાનક તસવીરો અને વીડિયો સામે આવતાં સમગ્ર વિશ્વમાં રશિયા વિરુદ્ધ આક્રોશ ફેલાયો છે. આ તસવીરોને પગલે અમેરિકાની રાજદૂત લિંડા થોમસ-ગ્રીનફિલ્ડે સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પરિષદમાંથી રશિયાને કાઢી મૂકવા માટે યુએનજીએમાં ઈમર્જન્સી બેઠક બોલાવી હતી.

યુક્રેન પર રશિયાના હુમલા દરમિયાન અમેરિકા, બ્રિટન અને યુરોપીયન દેશો દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ, મહાસભા અને માનવાધિકાર પરિષદમાં અલગ અલગ પ્રસંગે રશિયા વિરુદ્ધ અત્યાર સુધીમાં ૧૦ પ્રસ્તાવ રજૂ કરાયા છે. આ બધા જ પ્રસ્તાવોમાં મતદાન સમયે ભારતે ગેરહાજર રહેવાનું વલણ જાળવી રાખ્યું છે. ભારતે યુક્રેન અને રશિયાના યુદ્ધમાં તટસ્થ વલણ અપનાવ્યું છે. જોકે, ભારતે બુચા શહેરમાંથી સામે આવેલી નરસંહારની તસવીરો અંગે સ્વતંત્ર તપાસની માગણી કરી હતી.
બુચા શહેરમાં નરસંહારની તસવીરો મુદ્દે સમગ્ર વિશ્વમાં ચારેબાજુથી ઘેરાયેલા રશિયાએ યુએનજીએમાં તેના વિરુદ્ધ મતદાન થાય તે પહેલાં કહ્યું હતું કે, બુચા નરસંહાર માટે યુક્રેન જવાબદાર છે. આ મુદ્દે રશિયા પર મૂકાયેલા આરોપો ખોટા છે. રશિયાએ આ મુદ્દે સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસની માગણી કરી હતી. ભારતમાં રશિયન દૂતાવાસે કહ્યું કે, બુચામાં જધન્ય હુમલો બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન નાઝી ગૂનાઓના ખરાબ સ્વપ્ન સમાન છે. રશિયા આ ગૂનાઓમાં સામેલ લોકોને ન્યાયના કઠેડામાં લાવવા માટે કટિબદ્ધ છે.

યુક્રેન સામેના યુદ્ધમાં રશિયાને સમર્થન આપનારા ચીને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ગુરુવારે જણાવ્યું કે, માનવાધિકાર પરિષદમાંથી સભ્યપદ તરીકે રશિયાને આ રીતે દૂર કરવું તે એક નવું જોખમી ઉદાહરણ રજૂ કરશે અને તેના ગંભીર પરિણામો આવી શકે છે. સંયુક્ત રાષ્ટ્રની મહાસભામાં રશિયા વિરુદ્ધ મતદાન શરૂ થાય તે પહેલાં યુક્રેને જણાવ્યું હતું કે યુએનએચઆરસીમાંથી સભ્ય તરીકે રશિયાની હકાલપટ્ટી કોઈ વિકલ્પ નથી, પરંતુ એક કર્તવ્ય છે. અમે અત્યંત વિકટ પરિસ્થિતિમાં મુકાઈ ગયા છીએ. યુક્રેન એક સંપ્રભુ રાષ્ટ્રના ક્ષેત્ર પર યુએનએચઆરસીના એક સભ્યે માનવાધિકારોનો ભંગ કર્યો છે. તેનું કાર્ય યુદ્ધ ગૂનાઓ સમાન છે અને માનવતા વિરુદ્ધ છે.
દરમિયાન યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીએ ભારત-રશિયાના સંબંધો અંગે જણાવ્યું હતું કે, ભારતનો સંબંધ સોવિયેત સંઘ સાથે હતો, રશિયા સાથે નહીં. વધુમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યુક્રેન માટે સુરક્ષા ગેરેન્ટર બનવાની માગણી પણ કરી છે.
દરમિયાન યુક્રેનના મારિયુપોલમાં રશિયાએ ભારે વિનાશ વેર્યો છે. મારિયુપોલના મેયરે કહ્યું કે શહેરમાં અત્યાર સુધીમાં ૨૧૦ બાળકો સહિત ૫,૦૦૦થી વધુ નાગરિકોનાં મોત થઈ ગયા છે. દનિપ્રોના મેયર બોરિસ ફિલાતોવે શહેરમાં રહેતા બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને શહેર છોડી દેવા વિનંતી કરી છે. બીજીબાજુ કીવ પર કબજો જમાવવામાં નિષ્ફળ ગયેલા રશિયાએ હવે પૂર્વીય યુક્રેન તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
Read Also
- Adani Powerની સૌથી મોટી ડીલ! ગૌતમ અદાણીએ આ કંપનીને 7017 કરોડ રૂપિયામાં ખરીદી, કારોબારમાં થયો વિસ્તાર
- સાવધાન/ ભૂલથી પણ Download ન કરતા આ ખતરનાક એપ્સ, થઇ જશો કંગાળ; હમણાં જ કરી દો ડીલીટ
- વિશેષ બેઠક / સમાન વીજ દર મામલે ખેડૂતો લડી લેવાના મૂડમાં, સરકાર મચક નહીં આપે તો ઉગામશે આ હથિયાર
- બરાબરીની ટક્કર: બૉલીવુડમાં આવતા જ નેપોટિઝ્મ પર બોલ્યા નાગા ચૈતન્ય, કરી આવી વાત
- મોટા સમાચાર/ આ દેશમાં 26/11 જેવો હુમલો : 13 કલાકથી આતંકીઓના કબજામાં હોટલ, મોટા બિઝનેસમેન સહિત 15ના મોત