દેશમાં ગુરૂવારે એટલેકે 26મી જાન્યુઆરીએ 74માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવશે જેમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતની ઝાંખી સ્વચ્છ ઉર્જા પર આધારિત હશે. ગુજરાતની ઝાંખી નવી દિલ્હી સ્થિત કર્તવ્ય પથ પરથી પસાર થશે ત્યારે તે રાજ્યમાં વિકસી રહેલી સ્વચ્છ ઊર્જાની શક્તિ વિશે દેશની જનતાને સંદેશ આપશે. ગુજરાતના ટેબ્લોમાં સુપ્રસિદ્ધ મોઢેરા ગામનું સૂર્ય મંદિરનું મોડેલ જોવા મળશે. મોઢેરા દેશનું પ્રથમ સોલાર વિલેજ છે જે સંપૂર્ણપણે સૌર ઉર્જા પર કાર્યરત છે. ગયા વર્ષના અંતમાં ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સૌપ્રથમ સોલાર વિલેજની ભેટ આપી હતી. આ પછી આ અનોખા ગામને મળવા યુએનના મહાસચિવ ડો એન્ટોનિયો ગુટેરેસ પણ પહોંચ્યા હતા. ગુટેરેસે મોઢેરાની મુલાકાત લઈને ગુજરાતના આ કાર્યની ખૂબ પ્રશંસા કરી હતી જે સૌર ઉર્જાથી આત્મનિર્ભર બની ગયું છે. પ્રજાસત્તાક દિવસ 2023 માટે ગુજરાતના ટેબ્લોની થીમ ‘સ્વચ્છ-ગ્રીન એનર્જી પાવર્ડ ગુજરાત’ રાખવામાં આવી છે.

સૌર ઉર્જા પર ચાલે છે આ ગામ
ગુજરાતની ઝાંખીનો આગળનો ભાગ વિશ્વનો સૌથી મોટો હાઇબ્રિડ (સૌર અને પવન) રિન્યુએબલ એનર્જી પાર્ક ગુજરાતના કચ્છ જિલ્લામાં ખાવડા ખાતે આકાર લેતો દર્શાવે છે. રંગબેરંગી કચ્છી પોશાકમાં સજ્જ એક ખુશ છોકરીને તેના હાથમાં સૂર્ય અને પવન, જે પુનઃપ્રાપ્ય ઉર્જાનો અખૂટ સ્ત્રોત છે, તેને પ્રતીકાત્મક રીતે દર્શાવવામાં આવી છે. ગુજરાતના પાટણ જિલ્લાના ચારણકા ગામમાં 2011થી રાજ્યનો પ્રથમ સોલાર પાર્ક કાર્યરત છે. ઝાંખીના પાછળના ભાગમાં મોઢેરા ગામ બતાવવામાં આવ્યું છે, જ્યાં ગુજરાતનું વિશ્વ પ્રસિદ્ધ સૂર્ય મંદિર આવેલું છે. મોઢેરા બીઇએસએસ (બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ) દ્વારા દેશનું પ્રથમ 24X7 સૌર ઉર્જાથી ચાલતું ગામ બન્યું છે.
ક્લીન એનર્જીને પ્રોત્સાહન
ગુજરાતની ઝાંખીનો ઉદ્દેશ્ય રાજ્યની સાથે દેશમાં સ્વચ્છ ઊર્જાના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે. ગુજરાતની ઝાંખી દેશ અને વિશ્વને નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરીને ગ્રીન અને ક્લીન એનર્જી બનાવીને આત્મનિર્ભર બનવાનો સંદેશ આપશે. આ ટેબ્લો દ્વારા સંદેશ જશે કે રિન્યુએબલ એનર્જી સ્ત્રોતોમાંથી ઉજ્જવળ અને આર્થિક રીતે અગ્રેસર ગુજરાત ‘નેટ ઝીરો એમિશન’ અને પોસાય તેવી અને સ્વચ્છ ઉર્જાનો ઉપયોગ કરીને વિશ્વમાં અગ્રેસર બની રહ્યું છે. ગુજરાત સરકારના માહિતી વિભાગ દ્વારા પ્રસ્તુત આ ટેબ્લો માહિતી અને પ્રસારણ સચિવ અવંતિકા સિંહ ઓલખ, માહિતી નિયામક આર.કે.મહેતા, અધિક નિયામક અરવિંદ પટેલ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે આજે સમગ્ર વિશ્વ પરંપરાગત ઉર્જા સ્ત્રોતોના સંકટનો સામનો કરી રહ્યું છે. ઉર્જાનાં આ સ્ત્રોતો સમયની સાથે ખલાસ થવા તરફ આગળ વધી રહ્યા છે તો બીજી તરફ આ ઉર્જા સ્ત્રોતોને કારણે પ્રદુષણ વધવાને કારણે સમગ્ર પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે. આવી સ્થિતિમાં ગુજરાતના ટેબ્લોની ઝાંખી ખૂબ જ સમકાલીન છે. તે તેની વૈશ્વિક પ્રતિબદ્ધતાઓ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતા અને ગુજરાતે ભારતમાં સ્વચ્છ ઉર્જા તરફ કેવી રીતે મોટી શરૂઆત કરી છે તે પણ દર્શાવશે. આ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ઉર્જાના મિશન વિશે જણાવવાનું કામ પણ કરશે.
ટેબ્લોમાં શું છે?
ટેબ્લોમાં, પીએમ કુસુમ (પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા ઈવમ ઉત્થાન મહાભિયાન) યોજના દ્વારા, સોલાર રૂફટોપથી ખેતીમાં સિંચાઈ, નહેરની છતમાંથી ઉર્જાનું ઉત્પાદન અને અન્ય સંપત્તિઓ પર પવન અને સૂર્ય ઉર્જામાંથી સ્વચ્છ અને ગ્રીન એનર્જી, આત્મનિર્ભર અને આર્થિક આ વિસ્તારમાં કમાણીના કારણે રાજ્યમાં જે સુખદ ઉર્જા ક્રાંતિ થઈ છે તે દર્શાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, કચ્છનું સફેદ રણ એટલે કે વિન્ડફાર્મ અને સોલાર પેનલ્સ સાથેનું રણ, પરંપરાગત ઘર ‘ભૂંગા’ અને રણનું વાહન, ઊંટ વહન કરતી કચ્છી પરિસરમાં સજ્જ ગ્રામીણ કચ્છી મહિલા સહિતના અનેક આકર્ષણો આ ટેબ્લોમાં રજૂ કરવામાં આવ્યા છે.
READ ALSO
- હિટલર પર વિજયની 80મી જયંતિની ઉજવણી વચ્ચે પુતિન ન્યુક્લિયર સૂટકેસ સાથે દેખાતા અનેક અટકળો
- Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા
- Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ
- જાણો આજનુ પંચાંગ તા.4-2-2023, શનિવાર
- જાણો તમારું આજનું 04 ફેબ્રુઆરી, 2023નું રાશિ ભવિષ્ય