GSTV
Home » News » રિલાયન્સની ડિજિટલ છલાંગ : પાંચ સપ્ટેમ્બરથી ‘જીઓ ફાઇબર’

રિલાયન્સની ડિજિટલ છલાંગ : પાંચ સપ્ટેમ્બરથી ‘જીઓ ફાઇબર’

દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે આજે એક સાથે અનેક ક્રાંતિકારી મેગા જાહેરાતો કરીને દેશ, કોર્પોરેટ વિશ્વને સ્તબ્ધ્ધકરી દીધા છે. ઉપરાંત કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કંપનીના શેરધારકોને પણ ખુશખુશાલ કરી દીધા છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર મુકેશ અંબાણીએ આજે કંપનીની 42મી એજીએમમાં શેર ધારકોને સંબોધતાં ઓઈલ-પેટ્રોકેમિકલ્સથી લઈને દેશમાં ડિજિટલ ક્રાંતિમાં વધુ મોટી છલાંગ લગાવવાની યોજનાઓની જાહેરાત કરી હતી. 

રિલાયન્સ જીઓ દ્વારા ભારતમાં ડિજિટલ ક્રાંતિની શરૂઆત કર્યા બાદ આજે આ ક્રાંતિમાં વધુ મોટી છલાંગ લગાવવામાં આવી છે. મુકેશ અંબાણીએ આજે ડિજિટલ ક્રાંતિમાં અનેક જાહેરાતો કરીને દેશ-દુનિયામાં ડીટીએચ-ટીવી-એન્ટરટેઈન્મેન્ટ, ટેલીકોમ સહિતના ક્ષેત્રે ધરમૂળ પરિવર્તનના એંધાણ આપી દીધા છે.

બીજીબાજુ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં કંપનીના ઓઈલ અને પેટ્રોકેમિકલ્સ બિઝનેસમાં સાઉદી અરેબિયાની અરામકો દ્વારા 15 અબજ ડોલરનું રોકાણ કરીને 20 ટકા હોલ્ડિંગ ખરીદવાનો નિર્ણય લેવાયા સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું ઓઈલ થી કેમિકલ્સ ડિવિઝનનું એન્ટરપ્રાઈઝ મૂલ્ય 75 અબજ ડોલરનું થયું છે.

મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે કંપની પર હાલમાં રૂ. 1,54,476 કરોડનું દેવું છે, જે આગામી 18 મહિનામાં ચૂકવી દેવામાં આવશે. ત્યાર બાદ શેર ધારકોને વધુ ડિવિન્ડો અને શેરોના બોનસ ઈસ્યુઓ થકી વળતરની ખાતરી આપી હતી.

રિલાયન્સ જીઓ હેઠળ કંપનીની મેગા યોજનાઓ પૈકી આજે મુકેશ અંબાણીએ જાહેર કર્યું હતું કે,  જીઓ ફાઈબર સર્વિસિઝ કમર્શિયલ ધોરણે 5,સપ્ટેમ્બર 2019થી જીઓ શરૂ કર્યાની ત્રીજી વર્ષગાંઠથી શરૂ થઈ જશે. જેમાં માસિક રૂ.700 થી 10,000  સુધીના પ્લાન રહેશે.જીઓ ગીગાફાઈબર બિછાવવાની 

કામગીરી આગામી 12 મહિનામાં પૂરી થઈ જશે.નવા જીઓ સેટ ટોપ બોક્સ હજારો લોકલ કેબલ ઓપરેટરો જેઓ હેથવે, ડેન અને જીટીપીએલ સાથે કામ કરે છે, એમના બ્રોડકાસ્ટ કેબલ ટીવી સિગ્નલો સ્વિકારશે. રિલાયન્સ જીઓના સેટ-ટોપ બોક્સ અલ્ટ્રા હાઈ-ડેફિનેશન એન્ટરટેઈન્મેન્ટ, વર્ચ્યુઅલ રિયાલ્ટી કન્ટેન્ટ, મલ્ટિ પાર્ટી વિડીયો કોન્ફરન્શિંગ, વોઈસ-એનેબલ્સ વર્ચ્યુઅલ આઝિઝટન્ટ, ઈન્ટરેકટીવ ગેમિંગ, હોમ સિક્યુરિટી અને અન્ય સ્માર્ટ હોમ સોલ્યુશન્સથી સુસજ્જ હશે. રિલાયન્સ જીઓને અત્યાર સુધીમાં તેના જીઓ ફાઈબર બ્રોડબેન્ડ સર્વિસ માટે ભારતભરમાંથી 1600 ગામો-શહેરોમાંથી 150 લાખથી વધુ રજીસ્ટ્રેશન મળ્યા છે.

જીઓની આઈઓટી સર્વિસ 1,જાન્યુઆરી 2020થી માર્કેટમાં રજૂ કરાશે.જીઓનું  ઈન્ટરનેટ ઓફ થિંગ્સ(આઈઓટી) સાહસ, દેશવ્યાપી ફોરજી નેટવર્ક જે નેરોબેન્ડ ઈન્ટરનેટ ઓફ થિંગ્સ અથવા એનબીઆઈઓટી તરીકે ઓળખાશે એના થકી કંપનીને રૂ.20,000 કરોડ જેટલી આવક મળવાનો અંદાજ છે.  

મુકેશ અંબાણીએ આજે જણાવ્યું હતું કે,આગામી પાંચ વર્ષમાં કંપનીના બન્નેરિલાયન્સ જીઓ અને રિલાયન્સ રીટેલ કન્ઝયુમર બિઝનેસોનું લિસ્ટિંગ કરાવવાની યોજના છે. તેમણે વધુ જણાવ્યું હતું કે, રિલાયન્સ જીઓ દ્વારા અત્યાધુનિક ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રકચર સૌથી મોટા ઓપ્ટિકલ ફાઈબર સાથે ભારતભરમાં નિર્માણ માટે રૂ.3.5 લાખ કરોડનું રોકાણ કરાયું છે.  જીઓ અનલિમિટેડ અમેરિકા અને કેનેડા આઈએસડી કોલિંગ સર્વિસ જીઓ લેન્ડલાઈન પરથી ફિક્સ્ડ માસિક ભાડાં રૂ.500માં ઓફર કરશે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તેની સબસિડીયરી રિલાયન્સ જીઓ ઈન્ફોકોમ દ્વારા ટેકનોલોજી ક્ષેત્રે ક્લાઉડ સોલ્યુશન્સના નિર્માણ સહિતમાં માઈક્રોસોફટ સાથે પાર્ટનરશિપ કરાઈ છે. ન્યુ કોમર્સ 700 અબજ ડોલરની બિઝનેસ તકો સર્જશે. ન્યુ કોમર્સનો ઉદ્દેશ અસંગઠિત રીટેલને સંગઠિત રીટેલમાં પરિવર્તિત કરવાનો છે.

રિલાયન્સ રીટેલ એકમ ટૂંક સમયમાં રિલાયન્સ ન્યુ કોમર્સ રજૂ કરશે, જે દેશભરના કિરાણા સ્ટોરોને ડિજિટલી જોડશે. રિલાયન્સના નવા કોમર્સ પ્લેટફોર્મથી મોટા અને નાના એન્ટરપ્રાઈસીઝ બન્ને ડિજિટલ બનવાની સાથે નાનામાં નાના એન્ટરપ્રાઈસનું માત્ર અસ્તિત્વ જ નહીં, તે નવા ભારત સાથે કદમ મિલાવી શકવા જોઈએ.

કંપનીનું મર્ચન્ટ પોઈન્ટ ઓફ સેલ(પીઓએસ) સોલ્યુશન-જીઓ પ્રાઈમ પાર્ટનર પીઓએસ નાના વેપારીઓ-મર્ચન્ટો માટે યુઝર ફ્રેન્ડલી પ્લેટફોર્મ બની રહી નાનામાં નાની કરિયાણાની દુકાનને અત્યાધુનિક બનાવશે અને એ ડિજિટાઈઝ્ડ સ્ટોર બનશે.

ઈ-કોમર્સ જંગી બિઝનેશ તક છે. રિલાયન્સ આ માટે ખાસ દેશના 300 લાખ જેટલા વેપારીઓ અને કરિયાણા દુકાનદારોને એન્ડ ટુ એન્ડ ડિજીટલ અને ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન સાથે સશક્ત, સમૃધ્ધ બનાવવાની દિશામાં કામ કરી  રહી છે.

ડિજિટલ ક્રાંતિમાં અસાધારણ મોટી છલાંગ લગાવતાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેને આજે વધુ કહ્યું હતું કે, રિલાયન્સ જીઓ ભારતીય ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સને કનેકટીવિટી અને જીઓ અઝુરે ક્લાઉડ સર્વિસ તદ્દન ફ્રી પૂરી પાડશે.

જીઓ માઈક્રોસોફટના અઝુરે ક્લાઉડ પ્લેટફોર્મ દ્વારા ભારતભરતમાં વિશ્વકક્ષાનું મોટું ડાટાસેન્ટરોનું નેટવર્ક સ્થાપશે. જીઓ-માઈક્રોસોફ્ટ લાંબાગાળાના સહયોગ કરાર કર્યા છે. જીઓ દેશવ્યાપી એજ કોમ્યુટીંગ અને કન્ટેન્ટ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક લાખો નોડ્સ સાથે સ્થાપી રહી છે.

આગામી 12 મહિનામાં રિલાયન્સ જીઓ ભારતમાં વિશ્વની સૌથી મોટા પૈકી એક બ્લોકચેઈન્સનું લાખો નોડ્સ સાથે નિર્માણ કરશે. વેલ્કમ ઓફર હેઠળ જીઓ ફાઈબરના ગ્રાહકોને વાર્ષિક પ્લાન લેનારને જીઓ ફોરએવર પ્લાન મળશે જેમાં ફુલ એચડી ટીવી અથવા હોમ પીસી અને ફોરકે સેટ-ટોપ બોક્સ સંપૂર્ણ ફ્રીમાં આપવામાં આવશે.

આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે  ગત વર્ષે તેની ટેલીકોમ ઈન્ફ્રાસ્ટ્રકચર એસેટ્સ મોટા વૈશ્વિક ઈન્સ્ટીટયુશનલ ઈન્વેસ્ટરો પાસેથી નાણાં ઊભા કરવાના ઉદ્દેશથી તેના બે અલગ ઈન્ફ્રાસ્ટ્રકચર ટ્રસ્ટોને ટ્રાન્સફર કરી છે. પ્રતિષ્ઠિત વૈશ્વિક ઈન્વેસ્ટરોએ આ માટે મજબૂત ઈચ્છા બતાવી છે અને આ સંબંધિત ટ્રાન્ઝેકશન ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં પૂર્ણ થઈ જવાનો તેમને વિશ્વાસ છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરધારકોને તેમણે ઊંચા ડિવિડન્ડો અને બોનસ ઈસ્યુઓની ખાતરી આપતાં કહ્યું હતું કે, કંપની ઝીરો નેટ-દેવાનો લક્ષ્યાંક હાંસલ કરશે, ત્યારે હું ખાતરી આપું છું કે, તેમના શેરધારકોને ઊંચા ડિવિડન્ડો અને સમયાંતરે બોનસ શેર ઈસ્યુઓ અન્ય રીતે વળતર મળશે અને એ પણ અમારા-રિલાયન્સના ઈતિહાસમાં અત્યાર સુધી નહીં મળેલી ઝડપે આપવામાં આવશે. એમ મુકેશ અંબાણીએ શેરધારકોને જણાવ્યું હતું.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા તેના પાંચ વર્ષના સૌથી મોટા રોકાણનો પ્રોગ્રામ પૂરો થયો હોવાનું જાહેર કરી કંપનીએ આ પાંચ વર્ષમાં રૂ.5.4 લાખ કરોડનું રોકાણ કર્યું હોવાનું તેમણે કહ્યું હતું.

રિલાયન્સનો સાઉદીની ‘અરામકો’ સાથે 15 અબજ ડોલરનો દેશનો સૌથી મોટો સોદો 

દેશમાં અત્યાર સુધીના સૌથી મોટા સીધા વિદેશી રોકાણની ડિલ  સાઉદી અરેબિયાની અરામકો સાથે થયાનું અને અરામકો દ્વારા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ઓઈલ અને પેટ્રોકેમિકલ્સ બિઝનેસમાં 20 ટકા હોલ્ડિંગ ખરીદીને 15  અબજ ડોલરનું રોકાણ કરવાનું જાહેર કરતાં  કંપનીનું ઓઈલ થી કેમિકલ્સ ડિવિઝનનું એન્ટરપ્રાઈઝ મૂલ્ય પણ 75 અબજ ડોલરથી વધુ થયું છે.

આ ડિલ સાથે સાઉદીની અરામકો રિલાયન્સ રીફાઈનરીઓને દૈનિક પાંચ લાખ બેરલ ક્રૂડ સપ્લાય કરશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું કુલ ચોખ્ખું દેવું 30,જૂન 2019ના અંતે રૂ.1,54,478 કરોડનું છે.

18 મહિનામાં રિલાયન્સ ગુ્રપને દેવા મુક્ત કરવાની યોજના મુજબ 31,માર્ચ 2021 સુધીમાં દેવા મુક્ત કરાશે. એમ અંબાણીએ કહ્યું હતું.સાઉદી અરેબિયાની અરામકો સાથે ડિલ અને બીપી-યુ.કે. સાથે ડિલ થકી આ બન્ને  પાર્ટનરો સાથે નોંધનીય વ્યુહાત્મક મૂલ્યનું નિર્માણ થવાનું તેમણે જણાવ્યું હતું.

આ ટ્રાન્ઝેકશનો ચાલુ નાણાકીય વર્ષમાં એગ્રીમેન્ટ્સ અને ડયુ ડિલિજન્સ, નિયામક અને અન્ય મંજૂરીઓને આધીન પૂર્ણ થવાની તેમને અપેક્ષા છે.  આ બન્ને ટ્રાન્ઝેકશનો-ડિલ્સ થકી 22 અબજ ડોલરનું દેવું એટલે કે રૂ.1.54 લાખ કરોડનું દેવું ચૂકતે કરવામાં મદદ મળશે.

જીઓ ગીગા ફાઈબરમાં આ મહત્ત્વની સુવિધાઓ મળશે

 જીઓ ગીગાફાઈબર 200 લાખ રહેણાંકો  સુધી પહોંચશે. જીઓ ફાઈબર યુઝર્સને લેન્ડલાઈન ફોન કનેકશન ફ્રી આપવામાં આવશે.જીઓ ફાઈબરનો સૌથી બેઝિક પ્લાન 100 એમબીપીએસથી શરૂ થશે અને એક જીબીપીએસ સુધીનો રહેશે.વેલ્કમ ઓફર હેઠળ જીઓ ફાઈબરના ગ્રાહકોને વાર્ષિક પ્લાન લેનારને જીઓ ફોરએવર પ્લાન મળશે જેમાં ફુલ એચડી ટીવી અથવા હોમ પીસી અને ફોરકે સેટ-ટોપ બોક્સ સંપૂર્ણ ફ્રીમાં આપવામાં આવશે. જીઓ ફાઈબર પ્રીમિયમ સર્વિસ શરૂ કરશે, જેમાં ગ્રાહકો થીયેટરમાં જે દિવસે ફિલ્મ રીલિઝ થાય તે જ દિવસે તેમના ઘરમાં ફિલ્મ જોઈ શકશે. જોકે, આ સર્વિસ વર્ષ 2020ના મધ્યમાં શરૂ કરાશે. જીઓ ફાઈબર યુઝર્સને લેન્ડલાઈન ફોન કનેકશન ફ્રી આપવામાં આવશે.જીઓ ફાઈબર પ્લાન્સ સૌથી અગ્રણી પ્રીમિયમ ઓટીટી એપ્લિકેશન્સ સબક્રિપ્શન્સ સાથે ઓફર કરવામાં આવશે.

Related posts

વધુ પડતો મોબાઈલ ફોનનો ઉપયોગ નોતરી શકે છે આ ખતરનાક બીમારીઓને, રિસર્ચમાં થયો છે ખુલાસો

Ankita Trada

ડોનાલ્ડ ટ્રમ્પની ભારત યાત્રાને લઈને 10 બિલિયન ડોલરની ડીલની ચર્ચાએ પકડ્યુ જોર

Nilesh Jethva

આવતીકાલે ઓફિસે જતા પહેલા આ જાહેરનામું વાચી લેજો, શહેરના કુલ 18 રસ્તા કરાયા છે બંધ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!