GSTV
Home » News » તું અનુભવી છે એટલે મને શીખવાડજે, રોજ રાતે પતિ પૂછતો કે સેક્સમાં હું સારો કે તારો જૂનો પતિ સારો

તું અનુભવી છે એટલે મને શીખવાડજે, રોજ રાતે પતિ પૂછતો કે સેક્સમાં હું સારો કે તારો જૂનો પતિ સારો

લગ્નના દોઢ વરસમાં જ તેનો સ્વર્ગ જેવો સંસાર નષ્ટ થઇ જશે એનો વિસ્મયાને સપને પણ ખ્યાલ નહોતો. આ દોઢ વરસ પલક ઝબકતા જ પસાર થઇ ગયા. કેટલા અરમાનો સાથે તે શ્વસુર ગૃહે આવી હતી. ઘરની લક્ષ્મીને તેની સાસુમાએ આંગળીના ટાચકા ફોડી પોંખી હતી.

”મંદાર, હું મારી જાતને વિશ્વની સૌથી ભાગ્યશાળી નારી માનું છું. લોકોને અદેખાઇ આવે એવો આપણો સંસાર છે. સપનામાં જોયો હતો એવો જ જીવનસાથી મળ્યો છે. મમ્મી-પપ્પાની ખોટ સાલવા ન દે એવા સાસુ-સસરા મળ્યા છે. પૈસા ટકાની કોઇ કમી નથી. બંગલો, મોટર, દાગીના બધુ જ ન માગતા મળી ગયું છે. પાણી માંગું ત્યા દૂધ હાજર થાય છે. કોઇ વાતની મને કમી નથી, જરૂર મેં ગોરાંદેને દસ આંગળીએ પૂજ્યા હશે.”

”તો શું હું તારા કરતા ઓછો ભાગ્યશાળી છું કે તારા જેવી સુંદર પત્ની મળી જે મારા માતા-પિતાને પુત્રીની ગરજ સાલવા દેતી નથી. તારા આગમન પછી તો અમારા ઘરમાં ખુશીનું વાતાવરણ છવાઇ ગયું છે. સાચ્ચે જ વિસ્મયા તારા જેવી પત્ની મળી એ માટે હું ઇશ્વરનો જેટલો આભાર માનું એટલો ઓછો છે.” બંનેના હાસ્યથી તેમના બેડરૂમનું વાતાવરણ ઓર રંગીન બની ગયું. વિસ્મયા અને મંદાર પણ આ વાતાવરણમાં રંગીન બની ગયા.

લગ્નનું એક વર્ષ ક્યા પસાર થઇ ગયું એ વાતની વિસ્મયાને જાણ જ થઇ નહીં. લગ્નના દોઢ વરસ પછી તેઓ બદ્રીનાથ ગયા હતા. બસ, એક  ખોળાને ખૂંદનારની કમી હતી. ભગવાન એ કમી પણ દૂર કરે એવી પ્રાર્થના કરવા તેઓ ઇશ્વર પાસે ગયા હતા. પ્રાર્થના કરીને તેઓ નીચે ઊતરતા હતા ત્યારે વિસ્મયા આગળ ચાલતી હતી અને મંદાર તેની પાછળ પાછળ ચાલતો હતો. ”મંદાર, ઇશ્વરે આપણી બધી આશા પૂરી કરી છે હવે આપણાં આંગણામાં એક પા-પા પગલી પાડનાર આવે એટલે બસ. મમ્મી-પપ્પા પણ ચક્રવૃધ્ધી વ્યાજને રમાડવા ઉતાવળા બન્યા છે. ભગવાન તેમની આ આશા પૂરી કરે.”

આમ વિસ્મયા બબડતી જતી હતી. પરંતુ મંદાર તરફથી કોઇ હોંકાર ન મળતા તેણે પાછળ જોયું તો ત્યાં મંદાર હતો જ નહીં. બેબાકળી બની વિસ્મયા ચારે-કોર મંદારને શોધવા લાગી. પરંતુ મંદારનો કોઇ અત્તો-પત્તો મળ્યો નહીં. સવારથી સાંજ સુધી વિસ્મયા મંદારને શોધતી રહી. તેની આંખો આંસુઓથી ભરેલી હતી. 

તેના આંસુ લૂંછવા કોઇ હાજર નહોતું. વિસ્મયાની આ દશા જોઇ હોટેલનો મેનેજર તેને પોલીસ થાણે લઇ ગયો. મંદાર ગુમ થવાની તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી. વિસ્મયા પાસે ટેલિફોન નંબર લઇ અમદાવાદમાં મંદારના માતા-પિતાને આ વાતની જાણ કરી. પહેલું પ્લેન મળતા જ મંદારના માતા-પિતા પણ બદ્રીનાથ આવી પહોંચ્યા.

એક સપ્તાહ સુધી મંદારની શોધ કરવામાં આવી. પરંતુ પોલીસને કોઇ પગેરું હાથ લાગ્યું નહીં.

”સાહેબ, અહીં સાધુઓની ટોળકી ફરે છે. તક મળતા જ તેઓ લોકોને ઉઠાવી જાય છે અને તેમની જમાતમાં ભેળવી દે છે. એકવાર આ ટોળકીના હાથમાં આવી જાય એ વ્યક્તિની ભાળ મળવી મુશ્કેલ છે. આ બાબતે અમારું પોલીસ ખાતું પણ કંઇ કરી શક્યું નથી. એ કબૂલતા મને ઘણું દુ:ખ થાય છે.” પોલીસ ઇન્સ્પેક્ટરે મંદારના પિતા મનોહર ભાઇને જણાવ્યું.

અનેક પ્રયાસ કરવા છતાં  પણ મંદારનો પત્તો ન લાગતા મનોહર ભાઇએ છેવટે અમદાવાદ પાછા ફરવાનું નક્કી કર્યું. મંદારની ભાળ મળે તો તેમને જણાવવાની ઇન્સ્પેક્ટરને વિનંતી કરી તેઓ વિસ્મયા અને તેમની પત્ની રીટા બહેન સાથે અમદાવાદ પાછા ફર્યાં.

”વિસ્મયા હું તારી સાથે છું. તું જરા પણ ગભરાતી નહીં. હું તારાથી ભલે દૂર છું. પરંતુ મારું દિલ તારી સાથે જ છે. હું નજીક હોઉં કે ન હોઉં તુ સદા હસતી જ રહેજે. તારી આંખમાં આંસુનું એક ટીપું પણ આવશે તો મારું શેર લોહી બળી જશે.” રોજ રાત્રે સપનામાં આવી મંદાર વિસ્મયાને કહેતો. આ પછી વિસ્મયા આખી રાત આંખનું એક મટકું પણ મારી શકતી નહીં. તેની આંખોમાંથી વહેતો શ્રાવણ-ભાદરવો તેનું ઓશીકું ભીંજવતો.

મોટો બંગલો, સુખ-સુવિધાઓ વિસ્મયાનું દુ:ખ ભૂલાવી શકતા નહોતા. મંદારની યાદ તે એક ક્ષણ પણ ભૂલાવી શકતી નહોતું. મંદાર વિનાનું જીવન તેને નરક સમાન લાગતું હતું.

એક દિવસ મનોહરભાઇએ તેને કહ્યું, ”બેટા, આ જિંદગી ઘણી લાંબી છે. આ સફર કોઇ સાથી વિના કાપવી મુશ્કેલ છે. હજુ તારી ઉંમર પણ નાની છે. તું કહેતી હોય તો કોઇ સારો છોકરો શોધી….”

”ના, પપ્પા, મંદાર જ મારો પતિ છે. એના સ્થાન પર હું બીજા કોઇને કલ્પી જ શકતી નથી. એક દિવસ મારો મંદાર જરૂર પાછો આવશે. એવી મારી આશા છે.” સસરાનું વાક્ય અધવચ્ચે કાપતા વિસ્મયા બોલી. બીજા લગ્ન કરવા કરતા વિસ્મયા મંદારની યાદોને સહારે તેનું આખું જીવન કાપવા તૈયાર હતી.

આ પછી તેના સાસુ-સસરા તેને બીજા લગ્ન કરી લેવા માટે રોજ જ સમજાવતા. પરંતુ વિસ્મયા તેમની વાત પર ધ્યાન આપતી નહોતી. બીજા લગ્ન કરવાનો તેનો કોઇ ઇરાદો નહોતો. મંદારના ગયા પછી તેની સાસુનું વર્તન પણ બદલાઇ ગયું હતું. રીટા બહેન રોજ તેને ટોણા મારતા, ”કોણ જાણે કઇ ઘડીએ તને મંદાર માટે પસંદ કરી. પહેલેથી ખબર હોત કે તુ છપ્પર પગી છે.

અમારા પુત્રને ભરખી જવાની છે તો કદી તને આ ઘરમાં લાવત જ નહીં. લગ્નના દોઢ વરસમાં જ મારા છોકરાને ભરખી ગઇ. એક છોકરું હોત તો અમારો સમય પણ જાત. પરંતુ અમારા નસીબ જ તૂટેલા કે તારા જેવી વહુ મળી.” આ પ્રકારના મ્હોણા-ટોણાની વિસ્મયા આદી થઇ ગઇ હતી. એવામાં એક દિવસ સાસુ-સસરાની વાત સાંભળી તેના પગ તળેથી ધરતી જ સરકી ગઇ…..

”રીટા, વકીલ સાથે મેં વાત કરી છે. મંદાર પછી કાયદેસર વિસ્મયા તેની મિલ્કત અને કારોબારની વારસ છે. તેને સંતાન  ન હોવાથી કાનુની રીતે તેને વારસામાંથી દૂર કરવાનો એક જ માર્ગ છે અને એ માર્ગ છે તેના બીજા લગ્ન કરવાનો. હવે વિસ્મયાના બીજા લગ્ન કરીએ તો જ ટાઢે પાણીએ ખસ જશે. અને સમાજમાં આપણું નામ પણ વધશે.”

આ સાંભળી વિસ્મયા ગભરાઇ ગઇ. બીજે દિવસે તેણે પોતાને પિયર જતા રહેવાનો સૂઝાવ મનોહર ભાઇ સમક્ષ મૂક્યો. પરંતુ તેઓ આ માટે તૈયાર થયા નહીં. અને આમ પણ પિયરમાં વિસ્મયાને કોઇ સંઘરે તેમ નહોતું. તેની બીમાર માતા તેના ભાઇ-ભાભીને સહારે હતી અને ઘરમાં ભાભીનું રાજ હતું. અને ભાઇને ટચલી આંગળી પર નચાવતી ભાભીને તેની એકની એક નણંદ આંખમાં કણાની જેમ ખૂંચતી હતી. આમ વિસ્મયા જીદ કરીને પણ પિયર જઇ શકે તેમ નહોતી. આથી તેની પાસે સાસુ-સસરાને આશરે પડી રહેવા સિવાય છૂટકો જ નહોતો.

આ પછી વિસ્મયા પર લગ્નનું દબાણ વધતું ગયું. વિસ્મયાની ના સાંભળીને તેના સાસુ-સસરા તેને વધુ ત્રાસ આપવા માંડયા. છેવટે કોઇ ઉપાય ન રહેતા વિસ્મયાએ બીજા લગ્નની હા પાડી. અને એક સાદા સમારંભમાં મીતુલ સાથે તેના લગ્ન થઇ ગયા.

લગ્નની પ્રથમ રાતથી જ મીતુલ પોતાની તુલના મંદાર સાથે કરતો. રાતના શરાબના નશામાં તે હેવાનની જેમ વિસ્મયા પર તૂટી પડતો. ”બોલ, વિસ્મયા આ બાબતે મંદાર વધુ સારો કે હું? જો કે હજુ હું આ બાબતે બિન અનુભવી છું. તું અનુભવી છે એટલે મને શીખવાડજે.” એમ કહી તે વિસ્મયાની મજાક ઉડાવતો. આ સમયે વિસ્મયા પાસે તેના વાક્બાણો ઝીલવા સિવાય બીજો કોઇ ઉપાય જ નહોતો.

મીતુલ સાથે તેની મમ્મી પણ તેને ટોણા મારવામાંથી ઊંચી આવતી નહોતી. ”પેલા ઘરમાં ભલે તું મહારાણી બનીને રહેતી હતી. પરંતુ અહીંયા તો ભારે કામ કરવું પડશે. અહીં તારી જો હુકમી ચાલશે નહીં.” એમ કહી તેની સાસુએ પ્રથમ દિવસથી જ વિસ્મયાને કામે વળગાવી દીધી હતી. એક શબ્દ બોલ્યા વિના વિસ્મયા મા-બેટાનો જુલમ સહન કરતી હતી.

લગ્નનો એક મહિનો તો જેમ તેમ પસાર થયો. લોકોની અજીબ-અજીબ નજરોનો સામનો કરીને વિસ્મયા પરેશાન રહેતી. તે સામાન્ય રીતે જીવવાનો પ્રયાસ કરતી પરંતુ રોજને રોજ કોઇને કોઇ એવી ઘટના બનતી જે તેના અહમને ઠેસ પહોંચાડતી. વાત વાતમાં મીતુલ તેને તેનો ભૂતકાળ યાદ દેવડાવતો અને તેનું અપમાન કરતો હતો. લોકો પણ તેને વિશે જાત જાતની વાતો કરતા હતા. 

પુનર્વિવાહ કરી તેણે કોઇ ગુનો કર્યો હોય એવું લકોનું વર્તન તેને અકળાવી મૂકતું. પુનર્લગ્ન પછી નારીની હાલત વિશે કોઇ કેમ વિચારતું નથી? ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના ચક્રવ્યુહમાં એકવાર ફસાઇ ગયેલી નારી એમાંથી કેમ બહાર નીકળી શકતી નથી? એક નારી બીજી નારીની વ્યથા સમજવાને બદલે તેની દુશ્મન કેમ બની જાય છે? આ પ્રશ્નોના ઉત્તર તેને મળવા લાગ્યા હતા. આ બધાથી બચવા તેણે ઘર છોડવાનો નિર્ણય કર્યો.

બીજે દિવસે મીતુલ સવારે ઉઠયો ત્યારે તેને ઓરડામાં વિસ્મયા દેખાઇ નહીં. પરંતુ પલંગ પાસેના ટેબલ પર તેને એક પત્ર મળ્યો.

‘મીતુલ,

મને લાગે છે કે પુનર્લગ્ન નારી માટે એક દુ:ખદ પાસું સાબિત થઇ શકે છે. આ પાછળનો વિચાર ભલે નેક હશે પરંતુ આ પછી સહારો એક ઉપકાર બની જાય ત્યારે નારીનું જીવન નરક સમાન બની જાય છે. ઘરમાં અને ઘર બહાર તેને અપમાન સહન કરવું પડે છે. આવું જીવન જીવવા કરતા અલગ થઇ જવું યોગ્ય છે. હું  તારી જિંદગીમાંથી ખસી જાઉં છું. આ સાથે છૂટાછેડાના કાગળ મૂક્યા છે. તેમા મારી સહી છે. મને શોધવાનો પ્રયાસ કરતો નહીં. હું મારે પિયર જતી નથી.

વિસ્મયા

પત્ર વાંચીને મીતુલ એક પળ તો વિચારી જ ન શક્યો કે આ શું થઇ ગયું. ધીરે ધીરે તેને વિસ્મયાની પીડાનું ભાન થયું. પોતાની ભૂલ સમજાઇ. આજ સુધી પોતે વિસ્મયાનું દુ:ખ સમજી શક્યો નહીં એનો તેને પસ્તાવો થયો. પરંતુ હવે પસ્તાવો કરવાનો કોઇ અર્થ નહોતો. વિસ્મયા તેના જીવનમાંથી જતી રહી હતી.

Read Also

Related posts

ગુજરાતીઓ આનંદો : મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડશે હવે દેશની સૌથી ફાસ્ટ ટ્રેન, 2 જ સ્ટેશને રોકાશે

Mansi Patel

ઘક્કામુક્કી કરતા સિદ્ધાર્થ-અસીમ પર શા માટે નરમ પડ્યા બિગ બોસ? ચુપ્પી પર સવાલ

Kaushik Bavishi

રાહ જોયા વગર આજે બનાવો તમારા રસોડે ચટપટી કચ્છી ખીચડી

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!