GSTV
India News ટોપ સ્ટોરી

ચાર રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોનું અચ્યુતમ્ -કેશવમ્ : કેજરીવાલ અને કોંગ્રેસ હવે એકસરખા, 2-2 રાજ્યોમાં સત્તા

રાજ્યો

ઉત્તર પ્રદેશ સહિત ચાર રાજ્યોમાં ભાજપનો ભગવો લહેરાયો તેનાં કારણો શું તેની ચોવટ પૂરજોશમાં ચાલી રહી છે. ભાજપને હિંદુત્વ ફળ્યું કે નરેન્દ્ર મોદીનો કરિશ્મા કામ આવ્યો તેનાં વિશ્લેષણ થઈ રહ્યાં છે. આ વિશ્લેષણમાં એક વાત તરફ લોકોનું ધ્યાન ગયું નથી. આ વાત પ્રાદેશિક પક્ષોનો ભાજપ સામે દેખાવ છે. પંજાબમાં ભાજપ ચિત્રમાં નથી તેથી તેની વાત કરવાનો અર્થ નથી. બાકી રહેલાં ચાર રાજ્યોમાંથી ઉત્તરાખંડ અને ગોઆમાં ભાજપની સીધી ટક્કર કોંગ્રેસ સામે હતી જ્યારે મણિપુર અને ઉત્તર પ્રદેશમાં ભાજપની ટક્કર પ્રાદેશિક પક્ષો સામે હતી.

આ મુખ્ય પ્રાદેશિક પક્ષો ઉપરાંત ભાજપને પછાડવા માટે બીજાં રાજ્યોમાં પ્રભુત્વ ધરાવતા પ્રાદેશિક પક્ષો પણ મેદાનમાં ઉતરેલા. આમ આદમી પાર્ટી અને શિવસેના મણિપુર સિવાય ચારેય રાજ્યોમાં મેદાનમાં હતી તો તૃણમૂલ કોંગ્રેસ ગોઆમાં ઉતરી હતી. અસદુદ્દીન ઓવૈસીની ઓઆઈએમઆઈએમ પણ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબમાં મેદાનમાં હતી. આ પ્રાદેશિક પક્ષો ચૂંટણીમાં નિર્ણાયક બનશે એવી વાતો બહુ ચાલેલી પણ પરિણામોએ સાબિત કર્યું છ કે, ભાજપ સામે આ પક્ષોનું કંઈ ઉપજતું નથી.

પંજાબમાં ‘આપ’ના ઝાડૂનો જાદુ ચાલ્યો. બે તૃતિયાંશ બહુમતી સાથે સત્તા કબજે કરીને ‘આપ’એ ધમાકેદાર એન્ટ્રી કરી છે પણ બીજાં રાજ્યોમાં ‘આપ’નો સાવ ધબડકો જ થયો છે. યુપીમાં ‘આપ’એ બહુ તાકાત લગાવી હતી. રાજ્યસભાના સાંસદ સંજસિંહે મહિનાઓ પહેલાંથી યુપીમાં ધામા નાંખેલા પણ મતદારોને ‘આપ’ આકર્ષી શક્યો નથી. ‘આપ’ માટે આઘાતજનક વાત એ છે કે, ઉત્તર પ્રદેશમાં તેને ‘નોટા’ કરતાં પણ ઓછા મત મળ્યા છે. ચૂંટણી પંચે સત્તાવાર રીતે જાહેર કરેલા આંકડા પ્રમાણે ૪૦૩ બેઠકો પર ચૂંટણી લડેલી ‘આપ’ને કુલ મતદાનમાં ૦.૩૮ ટકા મત મળ્યા છ જ્યારે ‘નોટા’ને ૦.૬૯ ટકા મત મળ્યા છે.

‘આપ’ના ઉત્તર પ્રદેશના પ્રભારી સંજય સિંહે ડહાપણ ડહોળ્યું છે કે, આ ચૂંટણીમાં અમે ‘આપ’ના વિચારને લોકો સુધી પહોંચાડવા માંગતા હતા, અરવિંદ કેજરીવાલની નીતિઓને દરેક ગામ સુધી લઈ જવા માંગતા હતા ને તેમાં અમે સફળ થયા છીએ. મન મનાવવા માટે આ વાત બરાબર છે પણ વાસ્તવિકતા એ છે કે, યુપીમાં ‘આપ’નો કોઈએ ભાવ નથી પૂછયો. ગોઆમાં ટકા મત અને ઉત્તરાખંડમાં ટકા મત સાથે ‘આપ’એ ઠીક ઠીક દેખાવ કર્યો છે પણ દેશના સૌથી મોટા રાજ્યમાં ‘આપ’ને કારમી પછડાટ મળી છે એ જોતાં હિન્દી પટ્ટામાં એ કેટલું કાઠું કાઢી શકશે તેમાં શંકા છે.

‘આપ’ની જેમ શિવસેનાએ પણ ભારે કૂદાકૂદ કરેલી પણ શિવસેનાના કિસ્સામાં પણ ગાજ્યા મેઘ વરસ્યા નહીં જેવું જ થયું છે. ગોઆ, ઉત્તર પ્રદેશ, મણિપુરમાં શિવસેનાને પણ ‘નોટા’ કરતાં ઓછા મત મળ્યા હતા. શિવસેનાએ સૌથી વધારે જોર ગોઆમાં લગાવેલું પણ ગોઆમાં તેનું સાવ પપલું થઈ ગયું છે. ગોઆમાં મરાઠીભાષીઓની વસતી હોવાથી શિવસેનાને સફળતાની આશા હતી પણ કશું વળ્યું નથી. ગોઆમાં શિવસેનાએ ૧૦ ઉમેદવારો ઉભા રાખેલા ને તેમાંથી ચાર ઉમેદવારોને તો ૧૦૦થી પણ ઓછા મત મળ્યા છે. ગોવામાં ‘નોટા’ને કુલ મતદાનના ૧.૧૨ ટકા મત મળ્યા જ્યારે શિવસેનાને માત્ર ૦.૧૮ ટકા મત મળ્યા છે.

મણિપુરમાં શિવસેનાએ છ ઉમેદવારો ઉભા રાખેલા. મણિપુરમાં ‘નોટા’ને ૦.૫૪ ટકા જ્યારે શિવસેનાને ૦.૩૪ ટકા મત મળ્યા છે. શિવસેના પોતાને અસલી હિંદુવાદી પાર્ટી ગણાવે છે પણ શિવસેનાનો સૌથી શરમજનક દેખાવ યુપીમાં છે. ભાજપના હિંદુત્વને વધાવનારા ઉત્તર પ્રદેશમાં શિવસેનાને માત્ર ૦.૦૩ ટકા વોટ મળ્યા છે જ્યારે ‘નોટા’ ને ૦.૬૯ ટકા મત મળ્યા છે. શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે હળવા ટોનમાં કહ્યું કે તેમની પાર્ટીને ‘નોટા’ કરતાં ઓછા મત મળ્યા કારણ કે પક્ષ પાસે ‘નોટો’ની અછત હતી. ભાજપે પૈસા વેરીને ચૂંટણી જીતી છે એવું બતાવવા રાઉતે આ કોમેન્ટ ભલે કરી પણ તેના કારણે શિવસેના પછડાઈ છે એ હકીકત બદલાતી નથી.

મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસે પણ ગોઆમાં ભારે જોર કરેલું. ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફલેરીયો અને ટેનિસ સ્ટાર લીયેન્ડર પેસ જેવા દિગ્ગજોના જોરે મમતા ગોઆમાં સરકાર રચવાનાં સપનાં જોતાં હતાં પણ મમતાની પાર્ટી ખાતું પણ નથી ખોલાવી શકી. તૃણમૂલને ૫.૨૧ ટકા મત મળ્યા પણ એક પણ બેઠક નથી મળી એ જોતાં ગમે તેટલા મત મળ્યા હોય તેની કોઈ કિંમત નથી.

આપ, શિવસેના અને તૃણમૂલ કોંગ્રેસનો આ દેખાવ એ વાતનો પુરાવો છે કે, પ્રાદેશિક પક્ષો પોતપોતાના રાજ્યોમાં ભલે જોરદાર દેખાવ કરતા હોય પણ પોતાના ગઢ બહાર ભાજપને હરાવવાની વાત તો છોડો પણ ભાજપના ગઢના એકાદ-બે કાંગરા ખેરવવાની પણ તેમની તાકાત નથી. જે મમતાએ પશ્ચિમ બંગાળમાં ભાજપને ભૂ પીતો કરી દીધો એ મમતા ગોઆમાં કોઈ છાપ છોડી નથી શક્યાં. કેજરીવાલે દિલ્હીમાં ભાજપને કારમી પછડાટ ભલે આપી પણ દિલ્હી બહાર ભાજપ સામે તેમના ચણાય ના આવે એ યુપી, ઉત્તરાખંડ, ગોઆમાં સાબિત થઈ ગયું.

ભાજપ

તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ ભાજપને હરાવવા માટે કોંગ્રેસ સિવાયના પ્રાદેશિક પક્ષોનો મોરચો બનાવવા મથ્યા કરે છે ત્યારે આ મુદ્દો મહત્વનો છે. આપ, તૃણમૂલ અને શિવસેનાનો દેખાવ જોયા પછી લાગે કે, પ્રાદેશિક પક્ષો ભાજપને પછડાવાની વાત તો છોડો પણ ટક્કર આપી શકે તેમ પણ નથી. ઉત્તર પ્રદેશમાં ભાજપે બસપાને તો સાવ નામશેષ કરી દીધી પણ પૂરી તાકાત સાથે ઉતરેલી સમાજવાદી પાર્ટી પણ ભૂંડી રીતે પછડાઈ છે. કોંગ્રેસ તો પહેલાંથી ભાજપ સામે પતી ગયેલી જ છે પણ પ્રાદેશિક પક્ષો પણ ભાજપ સામે વામણા છે એ આ પરિણામોનો બોધપાઠ છે.

કદાચ આ જ કારણે ચંદ્રશેખર રાવ અને મમતા બેનરજીના ભાજપ વિરોધી મોરચાને પ્રાદેશિક પક્ષો તરફથી ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળતો નથી. ઓડિશાના નવિન પટનાઈક, આંધ્ર પ્રદેશમાં જગન મોહન રેડ્ડી કે તમિલનાડુના એમ.કે. સ્ટાલિન જેવા નેતા સમજદાર છે. આ નેતા સમજે છે કે, ગમે તેટલા ધમપછાડા કરો પણ પોતાના રાજ્યની બહાર કોઈ ભાવ પૂછવાનું નથી તેથી સોનાની જાળ પાણીમાં નાંખીને બેઆબરૃ થવામાં મજા નથી. તેના કરતાં પોતાનો ગરાસ સાચવીને બેસી રહો. બિહારના નીતિશ કુમાર જેવા નેતા ભાજપને પકડીને જ બેસી ગયા છે કે જેથી સત્તા સલામત રહે. લાલુ પ્રસાદ યાદવ ભાજપ સાથે બેસી શકે તેમ નથી તેથી લડયા કરે છે પણ એ પણ ભાજપ માટે બિહાર બહાર પડકાર બની શકે તેમ નથી.

દેશના રાજકારણમાં અત્યારે ભાજપ સર્વોપરિ છે અને બીજા રાજકીય પક્ષોની જે હાલત છે એ જોતાં ભાજપ લાંબો સમય સુધી સર્વોપરિ રહેશે એવું લાગે છે. રાષ્ટ્રીય સ્તરે ભાજપને પડકારી શકે એવો વિકલ્પ ઉભો નહીં થાય ત્યાં સુધી ભાજપ માટે અચ્છે દિન રહેશે.

રાજ્યો

કેજરીવાલ અને કોંગ્રેસ હવે સરખાં

કોંગ્રેસ દેશના રાજકારણમાં નામશેષ થઈ જશે એવો ભય લાંબા સમયથી વ્યક્ત કરાય છે. પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોમાં આ ભય સાચો પડતો લાગી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનો દેખાવ પ્રાદેશિક પક્ષો કરતાં પણ ખરાબ છે. પ્રિયંકા ગાંધી મહિનાઓથી યુપીમાં ધામા નાંખીને પડયાં હતાં છતાં કોંગ્રેસ બે આંકડે પણ ના પહોંચી શકી તેનાથી વધારે શરમજનક બીજું શું કહેવાય ? કોંગ્રેસને મળેલા મતોની ટકાવારી ૩ ટકાથી પણ ઓછી છે. રાષ્ટ્રીય લોકદળ જેવો પ્રાદેશિક પક્ષ કોંગ્રેસ કરતાં વધારે બેઠકો અને મત લઈ ગયો છે એ જોયા પછી કોંગ્રેસે હવે યુપીમાં લડવાનું જ છોડી દેવું જોઈએ.

કોંગ્રેસે પંજાબમાં બહુ ખરાબ રીતે સત્તા ગુમાવી તેની વાત મુખ્ય લેખમા કરી છે. બાકીનાં ત્રણ રાજ્યો ઉત્તરાખંડ, ગોઆ અને મણિપુરમાં કોંગ્રેસ સત્તા પર આવી શકે તેમ હતી પણ કોંગ્રેસ એક પણ રાજ્ય કબજે કરી શકી નથી. કોંગ્રેસે ગોઆ અને મણિપુરમાં જોરદાર ટક્કર આપી પણ સત્તા ના મળે એવી કોઈ પણ લડતનો અર્થ નથી. ઉત્તરાખંડમાં ભાજપની હાલત એટલી ખરાબ હતી કે પાંચ વર્ષમાં ત્રણ મુખ્યમંત્રી આવી ગયા. કોંગ્રેસ તેનો પણ લાભ ના લઈ શકી. કોંગ્રેસ પાસે હવે રાજસ્થાન અને છત્તીસગઢ એ બે જ રાજ્યો બચ્યાં છે. આમ આદમી પાર્ટીની પણ હવે બે રાજ્યોમાં સરકાર છે એ જોતાં કેજરીવાલ કોંગ્રેસની બરોબરી પર આવી ગયા છે. એક રીતે કોંગ્રેસ રાષ્ટ્રીય પક્ષના બદલે પ્રાદેશિક પક્ષની કક્ષાએ આવી ગઈ છે.

Read Also

Related posts

મોટા સમાચાર/ આ દેશમાં 26/11 જેવો હુમલો : 13 કલાકથી આતંકીઓના કબજામાં હોટલ, મોટા બિઝનેસમેન સહિત 15ના મોત

Bansari Gohel

મોટા સમાચાર/ સિસોદિયાના ઘરે CBIના દરોડા બાદ એક્શનમાં દિલ્હી સરકાર, 12 IAS ઓફિસરની તાબડતોબ બદલી

Bansari Gohel

ગોઝારો શનિવાર/ રાજસ્થાનમાં ગંભીર અકસ્માત : ટ્રેક્ટર અને ટ્રોલી વચ્ચે ધડાકાભેર ટક્કર, 6 શ્રદ્ધાળુઓના મોત

Bansari Gohel
GSTV