GSTV

આ વખતના ઉનાળામાં ફ્રીજ, AC, ઠંડા પીણાંના વેચાણમાં થયો અધધધ… વધારો

આ વખતે ઉનાળામાં આકરી ગરમી પડી છે. જમાવટ કરી છે તેથી એસી, ફ્રીજ અને ઠંડાં પીણાં બનાવતી કંપનીઓ ધમધમી રહી છે. તેમના માટે આ વખતનો ઉનાળો છેલ્લાં ત્રણ વર્ષમાં શ્રેષ્ઠ સાબિત થયો છે. સમગ્ર દેશમાં સખત ગરમી પડી રહી છે અને ચોમાસુ વિલંબિત હોવાથી કૂલિંગ એપ્લાયન્સ અને બેવરેજિસની માંગ વધી છે.  ઉદ્યોગજગતના અંદાજ પ્રમાણે, ગયા વર્ષના માર્ચ અને મે મહિનાની સરખામણીએ ચાલુ વર્ષના બંને મહિનામાં એસી અને ફ્રીજનું વેચાણ 15-18 ટકા વધ્યું છે જ્યારે કોલા બનાવતી કંપનીઓના વેચાણમાં 10-15 ટકા વધારો થયો હોવાથી પિક સીઝનમાં ઉત્પાદન વધારવાની ફરજ પડી છે.

આઇસક્રીમ અને કોલ્ડ બેવરેજિસનું વેચાણ પણ 20-22 ટકા વધ્યું હોવાનું આ કંપનીઓના એક્ઝિક્યુટિવ્સે જણાવ્યું હતું.  “આ વખતના ઉનાળામાં ભાવ સ્થિર રહ્યા છે કારણ કે, કોમોડિટી અને કાચા માલના ભાવમાં સ્થિરતાને કારણે વપરાશમાં વધારો થયો છે.” એમ અમૂલ બ્રાન્ડની માલિકી ધરાવતા ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના MD આર એસ સોઢીએ કહ્યું હતું.

ઉનાળામાં અમૂલનું વેચાણ 25 ટકા વધ્યું છે પરંતુ દૂધ અને સ્કીમ્ડ મિલ્ક પાઉડરના ભાવમાં વધારો થયો હોવાથી આઇસક્રીમ તથા બેવરેજિસ જેવી ડેરી પ્રોડક્ટ્સના ભાવમાં હવે વધારો થશે, એટલે કદાચ માંગ પર અસર પડી શકે છે એવી ચેતવણી સોઢીએ ઉચ્ચારી હતી. “છેલ્લા બે ઉનાળામાં તો ભાવવધારો સીઝન દરમિયાન થયો હતો પરંતુ આ વખતે હવે ભાવ વધશે.” એમ તેમણે ઉમેર્યું હતું.  વ્હાઇટ-ગૂડ્ઝ કંપનીઓની વાત કરીએ તો, નોટબંધી, GST, રૂપિયાના ઘસારાથી ભાવમાં વધારાની અસર અને પ્રમાણમાં ઓછી ગરમી જેવાં કારણોસર છેલ્લાં ત્રણ વર્ષમાં એસી અને ફ્રીજનું વેચાણ ખાસ ઉત્સાહજનક નહોતું રહ્યું પરંતુ આ વખતે એસી તથા ફ્રીજના વેચાણમાં જોરદાર ઉછાળો આવ્યો છે. 

માર્ચથી મે મહિના દરમિયાન એસીનું સેલ્સ વોલ્યુમ 15-18 ટકા વધ્યું હતું અને તેમાં ખાસ કરીને એપ્રિલ અને મેમાં વેચાણમાં 18-20 ટકા ઉછાળો થયો હતો. ફ્રીજનું વેચાણ ઉનાળામાં 14-15 ટકા વધ્યું હતું.  “ગરમી વધવાની સાથે સાથે વેચાણ વધ્યું છે અને ચૂંટણીને કારણે વેચાણ પર કોઈ અસર પડી નહોતી. ગયા વર્ષથી એસીના ભાવ સ્થિર રહ્યા છે જ્યારે ફ્રીજના ભાવ GSTમાં ઘટાડાને કારણે ગયા ઉનાળા કરતાં 4-5 ટકા ઘટ્યા હોવાથી વેચાણને પ્રોત્સાહન મળ્યું હતું.” એમ ગોદરેજ એપ્લાયન્સિસના બિઝનેસ હેડ અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ એન્ડ એપ્લાયન્સિસ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનના પ્રેસિડન્ટ કમલ નંદીએ કહ્યું હતું. 

દેશની સૌથી મોટી એસી ઉત્પાદક વોલ્ટાસના MD પ્રદીપ બક્ષીએ કહ્યું હતું કે, ફર્સ્ટ-ટાઇમ બાયર્સ તરફથી માંગ વધવાને કારણે તેમજ ગરમીનો પારો વધવાને કારણે વેચાણ ઊંચકાયું હતું. આ ઉનાળામાં વોલ્ટાસનું એસીનું વોલ્યુમ 50 ટકા વધી ગયું છે અને હજુ પણ ગરમી ચાલી જ રહી છે.”  માર્ચ-જૂનના પિક મહિનાઓમાં જે વેચાણ થાય છે તે સોફ્ટ ડ્રિન્ક, આઇસક્રીમ, કોલ્ડ બેવરેજિસ અને એસી જેવા કૂલિંગ એપ્લાયન્સિસના વાર્ષિક વેચાણના 55-60 ટકા જેટલું હોય છે.

Read Also

Related posts

ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં હાઈકોર્ટના આદેશોના પાલનની વાત દોહરાવી, સામાજિક પ્રસંગોને લઈને કહી આ વાત

Karan

આખરે વ્હાઇટવોશથી બચ્યું ભારત: ત્રીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાને 13 રને હરાવ્યું

pratik shah

જુગારની લતે ચડેલા વૃદ્ધ ચોરીના રવાડે ચડ્યા, સ્પેરપાર્ટ અલગ કરીને માર્કેટમાં વેચી દેતો શખ્સ ઝડપાયો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!