GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

RBIનો અર્થતંત્રને બીજો બૂસ્ટર ડોઝ: રેપો રેટમાં 0.40 ટકાના ઘટાડા સાથે EMIમાં 3 મહિનાની છૂટ

રેપો

કોરોના વાઈરસના સંકટની અર્થતંત્ર પર પડેલી અસરોને ધ્યાનમાં રાખતાં મોદી સરકારે અંદાજે ૨૧ લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. હવે ભારતીય રિઝર્વ બેન્કે લૉકડાઉનના સમયમાં બીજી વખત બેન્ચમાર્ક વ્યાજદરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરીને અર્થતંત્રને બીજો બૂસ્ટર ડોઝ આપ્યો છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે રેપોરેટ ઘટાડીને ચાર ટકા કરવાની અનપેક્ષિત જાહેરાત કરી હતી. આ સાથે આરબીઆઈએ લોનના હપ્તાની ચૂકવણીમાં વધુ ૩ મહિનાની છૂટ આપી છે. અગાઉ આરબીઆઈએ માર્ચથી મે સુધી ઈએમઆઈની ચૂકવણી પર ૩ મહિનાની છૂટ આપી હતી. આ છૂટ હવે ઓગસ્ટ સુધી વધારી દેવામાં આવી છે.

rbi

કોરોના વાઈરસના કારણે તળીયે પહોંચી ગયેલા દેશના અર્થતંત્રને ફરીથી પાટા પર ચઢાવવા માટે ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)એ શુક્રવારે અનપેક્ષિત રીતે બેન્ચમાર્ક વ્યાજદરોમાં ઘટાડો કરતાં તે વર્ષ ૨૦૦૦ પછી સૌથી નીચા સ્તરે પહોંચી ગયા છે.

માર્ચ પછી બીજી વખત તેની નાણાં નીતિની સમિતિ (એમપીસી)ની બેઠક વહેલાં બોલાવનાર સેન્ટ્રલ બેન્કે લોનની ચૂકવણી માટેનો ત્રણ મહિનાનો મોરેટોરિયમ સમય ૧લી જૂનથી ૩૧મી ઓગસ્ટ કર્યો છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે રેપો રેટમાં ૪૦ બેસીસ પોઈન્ટનો કાપ મૂકીને ૪ ટકા કરવાની જાહેરાત કરી હતી, જે વર્ષ ૨૦૦૦ પછી સૌથી નીચો દર છે. આરબીઆઈના આ પગલાંથી સામાન્ય લોકોના વિવિધ લોનના માસિક હપ્તા (ઈએમઆઈ) ઘટે તેવી સંભાવના છે. રેપો રેટને પગલે રિવર્સ રેપોરેટ પણ ૩.૭૫ ટકાથી ઘટાડીને ૩.૩૫ ટકા કરાયો હતો. તેમણે ઉમેર્યું હતું કે મોંઘવારી દર હજી પણ ૪ ટકાથી નીચે રહેવાની સંભાવના છે, પરંતુ લૉકડાઉનના કારણે અનેક વસ્તુઓના ભાવમાં વધારાની સંભાવના છે.

આ બેન્ચમાર્ક રેટ હોમ, ઓટો અને અન્ય લોન પરના વ્યાજદર નક્કી કરે છે. આ રેટ સેવિંગ્સના એફડી પરના વ્યાજદર પણ નક્કી કરે છે. ગ્રાહકો માટે એકબાજુ ઈએમઆઈ ઘટવાની સંભાવના છે ત્યારે બીજીબાજુ બચત ખાતામાં તેમની એફડી પર મળતા વ્યાજદરમાં પણ ઘટાડો આવવાની સંભાવના છે. શક્તિકાંત દાસે જરૂર પડશે તો ભવિષ્યમાં પણ મહત્વના વ્યાજદરોમાં વધુ ઘટાડાના સંકેત આપ્યા હતા.

પાંચ સભ્યોએ ૪૦ બીપીએસ ઘટાડા માટે મત આપ્યો

આરબીઆઈની છ સભ્યોની મોનેટરી પોલિસી કમિટિ (એમપીસી)માંથી શક્તિકાંત દાસ સહિત પાંચ સભ્યોએ રેપો રેટમાં ૪૦ બીપીએસના ઘટાડા જ્યારે ચેતન ઘાટેએ ૨૫ બીપીએસ ઘટાડા માટે વોટિંગ કર્યું હતું.

નિકાસને પ્રોત્સાહન આપવા ક્રેડિટમાં છ મહિનાનો વધારો

આરબીઆઈએ અર્થતંત્રને બેઠું કરવા માટે કંપનીઓને બેન્કોના ગૂ્રપ એક્સપોઝરની મર્યાદા પણ વધારી છે. આરબીઆઈએ નિકાસને પ્રોત્સાહન આપવા માટે નિકાસની પ્રી અને પોસ્ટ શિપમેન્ટ માટેની ક્રેડિટ ૧ વર્ષથી વધારીને ૧૫ મહિના કરી દીધી છે અને રોકાણની જરૂરિયાતો પૂરી કરવા માટે વિદેશી રોકાણકારોને વધારાના ત્રણ મહિનાનો સમય પણ આપ્યો છે. યુએસ ડોલર સ્વીપ ફેસિલિટી માટે એક્ઝિમ બેન્કને ૧૫,૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

કંપનીઓને લોનની મર્યાદા ૨૫ ટકાથી વધારી ૩૦ ટકા કરી

આરબીઆઈએ એક સમૂહની કંપનીઓમાં સંયુક્ત રીતે કોઈ એક બેન્ક તરફથી મહત્તમ લોનની મર્યાદા ૨૫ ટકાથી વધારીને ૩૦ ટકા કરી છે. આરબીઆઈના આ પગલાંથી મોટા કોર્પોરેટ જૂથોની સાથે નાની અને મધ્યમ કંપનીઓને જરૂરી વધારાનું ધિરાણ પૂરું પાડી શકાશે. સીડબી મારફત નાની અને મધ્યમ કંપનીઓને વધુ લોન આપવાની વ્યવસ્થા કરાઈ હતી, તેને આગળ વધારાશે.

મોરેટોરિયમ લંબાવવાનું મહત્વ

આરબીઆઈએ બધી જ બેન્કોને બધી જ દરેક પ્રકારની લોન પર માસિક હપ્તાની ચૂકવણી પર ત્રણ મહિનાની છૂટ આપવાની મંજૂરી આપી છે, જે ઓગસ્ટ સુધી લંબાવાશે. વધુમાં આરબીઆઈએ કાર્યકારી મૂડી પરના વ્યાજ પર પણ મોરેટોરિયમ ત્રણ મહિના લંબાવવાની જાહેરાત કરી હતી. આરબીઆઈએ અગાઉ ૨૭મી માર્ચે ૩૧મી મે સુધી ત્રણ મહિના માટે મોરેટોરિયમ સમયની જાહેરાત કરી હતી. આમ લોન પર માસિક હપ્તાની ચૂકવણી પર કુલ છ મહિનાની છૂટ મળી છે. તેનાથી લેણદારોને ખાસ કરીને કોર્પોરેટ જૂથો કે જેમના ઉત્પાદન એકમો અટકી પડયાં છે અને તેઓ રોકડ પ્રવાહની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે તેમને તેમના એકમો શરૂ કરવા માટે વધુ સમય મળી રહેશે. હોમ લોન, ટર્મ લોન અને ક્રેડિટ કાર્ડ સહિત બધા જ લેણદારોને મોરેટોરિયમનો લાભ મળશે. વધુમાં આરબીઆઈએ લેણદારો અને બેન્કોને છ મહિનાના મોરેટોરિયમ સમયના વ્યાજને ટર્મ લોનમાં રૂપાંતરિત કરવાની અને તેની ચૂકવણી માર્ચ ૨૦૨૧ સુધી કરવાની મંજૂરી આપી છે. આથી લેણદારો પર પણ મોરેટોરિયમ સમયના વ્યાજનું ભારણ એક જ સમયમાં ચૂકવવામાંથી મુક્તિ મળશે.

સિસ્ટમમાં રૂ. ૮,૦૦,૮૬૩ કરોડ નાંખ્યા : આરબીઆઈ

આરબીઆઈએ શુક્રવારે નીતિવિષયક દરોની જાહેરાત કરી તે પહેલાં અનેક પ્રકારના પગલાં મારફત તેણે સિસ્ટમમાં ૮,૦૦,૮૬૩ કરોડ રૂપિયા નાંખ્યા છે. રેપોરેટમાં છેલ્લા દોઢ મહિનામાં ૧.૧૫ ટકાનો કાપ કરાયો છે. તેમ છતાં ગવર્નર દાસે પોતે કબૂલ્યું હતું કે આરબીઆઈ અને સરકાર દ્વારા અર્થતંત્રને બેઠું કરવા માટે કરવામાં આવી રહેલા ઉપાયોની જમીન પર અસર ઘણા સમય પછી જોવા મળી શકે છે. કારણ કે કોવિડ-૧૯ના દુષ્પ્રભાવના જે અંદાજ લગાવવામાં આવ્યા હતા તે વાસ્તવિક રૂપે ઘણા વધુ ખરાબ થઈ રહ્યા છે. અગાઉ નોમુરા, મૂડીઝ, એસબીઆઈ જેવી તમામ ક્રેડિટ એજન્સીઓ ભારતના વિકાસ દરમાં ૦.૫ થી ૫ ટકા સુધીનો નેગેટિવ ગ્રોથ હોવાનો અંદાજ લગાવી ચૂકી છે.

કોવિડ-૧૯ની અસર અપેક્ષા કરતાં વધુ ગંભીર હોવાથી વ્યાજદરમાં કાપ મૂકાયો

શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે કોરોના મહામારીની અર્થતંત્ર પર અસર પ્રારંભિક અપેક્ષા કરતાં વધુ ગંભીર છે. આર્થિક અને નાણાકીય પ્રવૃત્તિઓ, આજીવિકા અને સ્વાસ્થ્ય ક્ષેત્ર પર કોરોનાની ગંભીર અસર પડી છે. મહામારીના કારણે વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રો પર પણ ભારે દબાણ સર્જાયુ ંછે. માગમાં ઘટાડો અને પુરવઠો ખોરવાઈ જવાની બેવડી અસરથી વર્ષના પ્રથમ છ માસમાં આર્થિક પ્રવૃત્તિઓને મોટો ફટકો પડયો છે. આ અસરો ૨૦૨૧ના બીજા છ માસ સુધી પણ લંબાઈ શકે છે. તેમણે ઉમેર્યું કે ભારતમાં ૨૫મી માર્ચથી લાગુ થયેલું લૉકડાઉન ૩૧મી મે સુધી ચાલવાનું છે, જેના કારણે સ્થાનિક આર્થિક પ્રવૃત્તિઓ પર ગંભીર ફટકો પડયો છે. અર્થતંત્ર પર કોરોનાની વિપરિત અસરોને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર અને આરબીઆઈ દ્વારા અગાઉ વિવિધ પગલાં લેવાયા હોવા છતાં નાણાકીય સ્થિતિ હળવી કરવી જરૂરી છે. તેનાથી અફોર્ડેબલ દરે ભંડોળનો પ્રવાહ વધી શકશે અને અર્થતંત્ર ફરીથી બેઠું થઈ શકશે.

વિદેશી હુંડિયામણ વધીને ૪૮૭ અબજ ડૉલર થયું

રિઝર્વ બેન્કે આજે માહિતી આપી હતી કે દેશનું વિદેશી હુંડિયામણ (ફોરેક્સ રિઝર્વ) ૧.૭૩ અબજ ડૉલર વધીને ૪૮૭.૦૪ અબજ ડૉલરના આંકડે પહોંચ્યુ છે. ૧.૭૩ અબજ ડૉલરનો ૧૫મી મેના દિવસે પુરા થનારા અઠવાડિયામાં થયો હતો. આ વધારો ૧૨ મહિને થતી આયાતની રકમ જેટલો છે, તેમ પણ આરબીઆઈએ કહ્યું હતું.

૧લી એપ્રિલથી ૧લી દરમિયાનના એક મહિનામાં વિદેશી હુંડિયામણનો જથ્થો ૯.૨ અબજ ડૉલર વધ્યો હતો. જ્યારે ૮મી મેના દિવસે પુરા થનારા અઠવાડિયા સુધીમાં ૪.૨૩ અબજ ડૉલર વધીને રિઝર્વ ૪૮૫.૩૧ અબજ ડૉલર થયું હતું. જોકે અત્યાર સુધીમાં સૌથી વધારે હુંડિયામણ માર્ચ મહિનાની ૬ઠ્ઠી તારીખે નોંધાયું હતું. ત્યારે હુંડિયામણ ૪૮૭.૨૩ અબજ ડૉલર હતું.

રિઝર્વમાં વધારો થવાનું કારણ ફોરેન કરન્સી એસેટ હોવાનું બેન્કે જણાવ્યું હતું. આમ પણ રિઝર્વનો મોટો જથ્થો ફોરેન કરન્સી એસેટથી બનેલો હોય છે. ભારતનો સુવર્ણ સ્ટોક પણ ૬૧.૬ કરોડ ડૉલર વધીને ૩૨.૯૧ અબજ ડૉલરે પહોંચ્યો હતો.

Read Also

Related posts

મોદીનો માસ્ટરસ્ટ્રોક: આ દેશના જંગી યુદ્ધ જહાજ, ફાયટર જેટ અને સૈન્ય મથકોનો ભારત કરી શકશે ઉપયોગ

Mansi Patel

POKમાં બૌધ સ્થાપત્ય તોડવા સામે ભારતે વાંધો લીધો, પાકિસ્તાનને કરી આ ઓફર

Dilip Patel

ત્રણ એરપોર્ટના ડેવલપમેન્ટ માટે મોટા ઉદ્યોગપતિએ હાલમાં સક્ષમ ન હોઈ ડેડલાઈન વધારવા કરી માગ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!