કેન્દ્ર સરકારની આ યોજનાના કારણે બેંકોમાં એનપીએના ભારણમાં થઈ રહ્યો છે વધારો

કેન્દ્રની મોદી સરકારે પ્રધાન મંત્રી મુદ્રા યોજના ખુલ્લી મુકી હતી, જોકે આ યોજનાને કારણે બેંકોમાં એનપીએનું ભારણ વધી રહ્યાનું એક રિપોર્ટમાં સામે આવ્યું છે. એવા અહેવાલો છે કે આરબીઆઇએ કેન્દ્રની મોદી સરકારને આ યોજના મુદ્દે ચેતવણી આપી છે અને જણાવ્યું છે કે આ યોજનાને કારણે પહેલાથી જ જે એનપીએનું ભારણ બેંકો પર છે તેમાં વધારો થઇ રહ્યો છે. સાથે એવા સંકેતો આપ્યા છે કે આ યોજના જ એનપીએ માટેનું બીજુ સૌથી મોટુ કારણ પણ સાબીત થઇ શકે છે.

પહેલાથી જ એનપીએને લઇને સરકાર અને આરબીઆઇ વચ્ચે તકરાર ચાલી રહી હતી અને જેને પગલે ઉર્જિત પટેલે ગવર્નર પદેથી રાજીનામુ આપવું પડયું છે. સરકારે એનપીએનું ઠીકરુ આરબીઆઇ પર ફોડયું હતું આ સ્થિતિ વચ્ચે હવે આરબીઆઇના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે બેંકો પર એનપીએનું ભારણ વધી રહ્યું છે તેના માટે સરકારની પ્રધાન મંત્રી મુદ્રા યોજના પણ એટલી જ જવાબદાર છે. આ યોજના અંતર્ગત બેડ લોનની રકમ વધીને હવે ૧૧ હજાર કરોડ સુધી પહોંચી ગઇ છે.

પ્રધાન મંત્રી મુદ્દા યોજનાના વાર્ષીક ૨૦૧૭-૨૦૧૮ના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ યોજના અંતર્ગત ૨૦૧૮ના નાણાકીય વર્ષ દરમિયાન જે બોજ છે તે વધીને ૨.૪૬ ટ્રિલિયન સુધી પહોંચી ગયો છે. આ પૈસા યોજનાના લાભાર્થીઓને લોન પેટે આપવામાં આવ્યા છે પણ હવે તેને પરત મેળવવામાં બેંકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ રકમમાંથી ઉધ્યોગની પ્રવૃત્તિમાં સામેલ મહિલાઓને ૪૦ ટકા ફાળવણી કરવામાં આવી છે જ્યારે ૩૩ ટકા ફાળવણી અન્ય સામાજિક કેટેગરીમાં કરવામાં આવી છે. આ પ્રધાન મંત્રી મુદ્દા યોજના અંતર્ગત નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન ૪.૮૧ કરોડ માઇક્રો લેણદારોને ફાયદો આપવામાં આવ્યો છે.

આ યોજનાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સૌથી સફળ યોજના ગણાવી હતી અને તેને ૨૦૧૫માં ખુલ્લી મુકવામાં આવી હતી. આ યોજના અંતર્ગત બેંકો નાના ઉધ્યોગો ૧૦ લાખ રૃપિયા સુધીની સહાય કરે છે. લોન પેટે આ પૈસા નાના ઉધ્યોગો માટે આપવામાં આવે છે અને તેને ત્રણ કેટેગરીમાં ફાળવવામાં આવે છે જેમાં શીશુ કેટેગરીમાં ૫૦ હજાર, કિશોર અંતર્ગત ૫૦ હજારથી પાંચ લાખ અને તરુણ કેટેગરીમાં પાંચથી દસ લાખ ફાળવવામાં આવે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter