GSTV
Home » News » ભારતનો એ જાસૂસ જે પાકિસ્તાનની આર્મીમાં ભરતી થયો અને મેજરના પદ સુધી પહોંચી ગયો

ભારતનો એ જાસૂસ જે પાકિસ્તાનની આર્મીમાં ભરતી થયો અને મેજરના પદ સુધી પહોંચી ગયો

જાસૂસની વાત આવે એટલે લોકોના મગજમાં જેમ્સ બોન્ડની માફક એક્શન થતો હોય તેવો ખ્યાલ પનપે. હકિકતે જાસૂસો આવા પરાક્રમ કરતાં નથી. તેમનું કામ માત્ર અને માત્ર ઈન્ફોર્મેશન આ છેડાથી આ છેડાએ પહોંચાડવાની હોય છે. આજે એક એવા જ ભારતીય જાસૂસની વાત કરીશું જેણે પાકિસ્તાનમાં રહીને ન માત્ર જાસૂસી કરી પણ પાકિસ્તાનની સેનામાં ભરતી થઈ ગયો અને મેજરના પદ સુધી પહોંચી ગયો ત્યાં સુધી પાકિસ્તાનને આ અંગે ખબર ન પડી. એ જાસૂસનો કારનામો એવો હતો કે ખૂદ ઈન્દિરા ગાંધીએ તેને બ્લેક ટાઈગરનું ઉપનામ આપ્યું હતું. પણ જાસૂસ જ્યારે પકડાય ત્યારે સરકાર તે પોતાનો નથી તેવો દાવો કરે છે. આ જાસૂસ સાથે પણ એવું જ થયું. પકડાયો અને જેલમાં મૃત્યું થઈ પણ તેનો મૃતદેહ પણ ભારત ન પહોંચ્યો. આ કહાની છે ભારતના લોકપ્રિય જાસૂસ રવિન્દ્ર કૌશિકની.

રાજસ્થાનના શ્રી ગંગાનગરના રહેનારા રવિન્દ્ર કૌશિકનો જન્મ 11 એપ્રિલ 1952માં થયો હતો. તેનું બાળપણ રાજસ્થાનના ગંગાનગરમાં વિત્યું હતું. બાળપણમાં જ તેને થીએટરનો શોખ લાગી ગયો હતો. તેનો ચહેરો અદ્દલ વિનોદ ખન્ના જેવો લાગતો હોવાના કારણે તેના મિત્રો તેને વિનોદના નામે પણ બોલાવતા હતા. એકવાર તે લખનઉમાં પ્રોગ્રામ કરી રહ્યો હતો ત્યારે રોના અધિકારીઓની નજર રવિન્દ્ર કૌશિક પર પડી. તેનામાં અધિકારીઓને જાસૂસના તમામ લક્ષણો દેખાયા. રોના અધિકારીઓએ તેની સાથે વાતચીત કરી અને તેને પાકિસ્તાનમાં જાસૂસી કરવાની ઓફર મુકી.

રોએ તેની ટ્રેનિંગ શરૂ કરી. પાકિસ્તાન જતા પહેલા RAWએ તેને 2 વર્ષ સુધી ટ્રેનિંગ આપી. પાકિસ્તાનમાં કોઈ પણ પરિસ્થિતિથી બચવા માટે તેને તૈયાર કરવામાં આવ્યું. ત્યાં સુધી કે સુન્નત પણ કરાવવામાં આવ્યું. તેને ઉર્દુ, ઈસ્લામ અને પાકિસ્તાનની તમામ જાણકારી આપવામાં આવી. ટ્રેનિંગ પૂર્ણ થતા જ 23 વર્ષના રવિન્દ્રને પાકિસ્તાન મોકલવામાં આવ્યો. પાકિસ્તાનમાં તેનું નામ બદલીને અહમદ શાકીર રાખવામાં આવ્યું. રવિન્દ્ર ગંગાનગરનો હોવાથી તે પંજાબી બોલતો હતો અને પાકિસ્તાનના મોટાભાગના લોકો પણ પંજાબી લઢણમાં બોલતા હતા. જેથી તેને પાકિસ્તાનના લોકો સાથે હળવા મળવામાં કોઈ પણ પ્રકારની પરેશાની ન થઈ.

રવિન્દ્રની ઉંમર એટલી નહોતી એટલે પાકિસ્તાની નાગરિકતા સાથે તેણે ત્યાંની યુનિવર્સિટીમાં એડમિશન લીધું. લોમાં ગ્રેજ્યુએશન કર્યું. અભ્યાસ પૂર્ણ થતા પાકિસ્તાનમાં આર્મીની ભરતી નીકળી અને તે આર્મીમાં જોઈન થયો. ન માત્ર જોઈન થયો, પણ મેજરના પદ સુધી પહોંચી ગયો. આ સમયે જ તેણે આર્મી ઓફિસરની દિકરી અમાનત સાથે લગ્ન કર્યા અને એક દિકરીનો બાપ પણ બન્યો.

રવિન્દ્ર કૌશિકે 1979થી લઈને 1983 સુધી સરકારને પાકિસ્તાની સેનાની તમામ જાણકારી આપી. રો અને ઈન્દિરા ગાંધી પણ તેના કામથી પ્રભાવિત થયા અને તેને બ્લેક ટાઈગરની ઉપાધિ આપી. જે પછી કહેવામાં આવતું હતું કે રવિન્દ્ર કૌશિક પરથી જ એક થા ટાઈગર ફિલ્મ બની છે. જો કે તે બિલ્કુલ ખોટું છે. 1983નું વર્ષ રવિન્દ્ર માટે મનહૂસ સાબિત થયું. 1983માં રવિન્દ્રને મળવા માટે રોનો એજન્ટ પાકિસ્તાન ગયો. પણ તે પાકિસ્તાની એજન્સીની હાથે ચડી ગયો. લાંબી યાતના અને ટોર્ચર બાદ તેણે રવિન્દ્ર વિશે બધું કહી દીધું. રવિન્દ્રની વર્ષોની મહેનત પર પાણી ફરી વળ્યું.

રવિન્દ્રએ ભાગવાની કોશિષ કરી. ભારત સરકારે પણ જાસૂસોના નિયમ પ્રમાણે તેની વાપસીમાં કોઈ રસ ન દાખવ્યો. કોઈ પણ દેશ જાસૂસ માટે આજ કરે છે. રવિન્દ્રની ધરપકડ કરી સિયાલકોટ જેલમાં નાખવામાં આવ્યો. યાતનાઓ આપવામાં આવી પણ તેણે કોઈ પણ જાણકારી આપવાનો ઈન્કાર કરી દીધો. 1985માં તેને મૃત્યુંની સજા સંભળાવવામાં આવી. જે બાદમાં ઉંમર કેદમાં તબ્દિલ કરી દેવામાં આવી. મિયાંવાલી જેલમાં 16 વર્ષ કાપ્યા બાદ તેનું શરીર કામ નહોતું કરતું. 2001માં તેનું જેલમાં જ નિધન થઈ ગયું.

રવિન્દ્ર કૌશિકના પિતા એરફોર્સમાં પાયલટ હતા. તેના પિતા રિટાયર થયા બાદ ટેક્સ ટાઈલમાં કામ કરવા લાગ્યા. રવિન્દ્રએ જેલમાં પોતાના પરિવારને ઘણી વખત પત્રો લખ્યા. એક થા ટાઈગર જેવી ફિલ્મ તો નથી બની પણ માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે જ્હોન અબ્રાહમની રિલીઝ થનારી ફિલ્મ રોમિયો અકબર વોલ્ટર રવિન્દ્ર કૌશિકના જીવન પર આધારિત છે. ત્યારે જો આ વાત સત્ય હોય તો રવિન્દ્રના જીવન પર આધારિત આ પહેલી ફિલ્મ બનશે.

READ ALSO

Related posts

હોલિવૂડના મહાનાયક અલ પચીનો આજે બર્થ ડે: ગૉડફાધરએ દુનિયાભરમાં તહલકો મચાવ્યો હતો

Bansari

BJPની વીઆઈપી સીટ: અજય રાય અને શાલીનીની એન્ટ્રીથી કેટલો ફાયદો થશે પીએમ મોદીને?

Bansari

પીએમ મોદીના ભાઈના ઘરની દિવાલ પર છે જવાહર લાલ નહેરૂની તસવીર, થયો મોટો ખુલાસો

Mansi Patel