GSTV
Home » News » ગુજરાતી ક્રિકેટરને ટેસ્ટમાં ન રમાડવાનો શાસ્ત્રીનો છે કારસો, BCCIએ લીધો પક્ષ

ગુજરાતી ક્રિકેટરને ટેસ્ટમાં ન રમાડવાનો શાસ્ત્રીનો છે કારસો, BCCIએ લીધો પક્ષ

બેફામ કોમેન્ટ્સને કારણે વિવાદો સર્જતા રહેતા ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ મેલબોર્નમાં બુધવારથી શરૂ થઈ રહેલી ત્રીજી ટેસ્ટ અગાઉ વિવાદિત કોમેન્ટ કરતાં કહ્યું હતુ કે, રવિન્દ્ર જાડેજા ઓસ્ટ્રેલિયા આવ્યો ત્યારથી જ તેને જુની ઈજા સતાવી રહી છે અને તે હજુ સાજો થઈ શક્યો નથી, જેના કારણે તે મેલબોર્ન ટેસ્ટ માટે શંકાસ્પદ છે. શાસ્ત્રીની આ પ્રકારની કોમેન્ટથી વિવાદનો વંટોળ સર્જાયો હતો અને આખરે બીસીસીઆઇએ મોડી સાંજે ભારતમાં પ્રેસ રિલીઝ કરીને જાડેજાને ત્રીજી મેલબોર્ન ટેસ્ટ માટે ‘ફિટ’ જાહેર કર્યો હતો.

વિશ્વના સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડના કોચને જ તેની સાથે પ્રવાસ ખેડી રહેલા ખેલાડીની ફિટનેસ અંગે કોઈ માહિતી ન હોવાની આશ્ચર્યજનક બાબત દુનિયાની સામે છતી થઈ ગઈ હતી. શાસ્ત્રી અગાઉ પણ તેના બેફામ નિવેદનોને કારણે વિવાદના કેન્દ્રમાં રહી ચૂક્યો છે. જોકે આ વખતે તેણે જાડેજાની ફિટનેસ અંગે કરેલી કોમેન્ટને કારણે ભારતીય ક્રિકેટ જગતના વિવેચકોથી માંડીને ચાહકોમાં ભારે આશ્ચર્ય સાથેની નારાજગી ફેલાઈ હતી. 

પર્થ ટેસ્ટ હાર્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્નમાં બુધવારથી શરૂ થઈ રહેલી શ્રેણીની ત્રીજી ટેસ્ટની તૈયારીઓ આરંભી દીધી છે. પર્થમાં માત્ર ફાસ્ટ બોલરોના આક્રમણને સહારે રમવા ઉતરેલી ટીમ ઈન્ડિયા મેલબોર્નમાં તો એક સ્પિનરને ટીમમાં સામેલ કરશે, તેમ મનાય છે. જોકે, પ્રથમ એડીલેડ ટેસ્ટમાં નોંધપાત્ર દેખાવ કરનારો ભારતીય સ્પિનર અશ્વિન હજુ સંપૂર્ણપણે ફિટનેસ મેળવી શક્યો નથી.

બીજી ટેસ્ટમાં ભારતે માત્ર ફાસ્ટરોને જ પ્લેઈંગ ઈલેવનમાં સમાવ્યા હતા. જ્યારે યુવા બેટ્સમેન વિહારીને પાર્ટટાઈમ સ્પિનર તરીકેની જવાબદારી સોંપી હતી. જોકે ભારતને આ વ્યુહ ભારે પડયો હતો અને ટીમ ઈન્ડિયા પર્થમાં હારી ગઈ હતી. આ પછી ભારતીય ફાસ્ટ બોલર શમીએ પણ સ્પેશિયાલીસ્ટ સ્પીનરને રમાડવાની ભલામણ કરી હતી. અશ્વિન પેટના સ્નાયુ ખેંચાવાના કારણે પર્થમા રમી શક્યો નહતો.

બીસીસીઆઇના ખુલાસા અગાઉ ભારતીય પ્રમાણે વહેલી સવારે શાસ્ત્રીએ કહ્યું કે, અશ્વિન ફિટનેસ મેળવવા માટે સમયની સાથે સ્પર્ધા કરી રહ્યો છે. અમે આગામી ૪૮ કલાકમાં તેની હાલત પર નજર રાખી રહ્યા છીએ. તે હજુ ૧૦૦ ટકા ફિટનેસ મેળવી શક્યો નથી. શાસ્ત્રીએ મીડિયા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે, જાડેજાને પણ જૂની ઈજા સતાવી રહી છે. તે મેલબોર્નમાં રમાનારી ટેસ્ટ માટે હજુ સપૂર્ણપણે ફિટનેસ મેળવી શક્યો નથી. જોકે રોહિત શર્માની હાલતમાં સુધારો થયો છે. રોહિતને લોઅર બૅક પેઈનને કારણે ઈજા થઈ હતી.

ભારતીય ટીમ મેનેજમેન્ટે તાબડતોબ હાર્દિક પંડયા અને મયંક અગ્રવાલને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની ટીમની સાથે જોડાવાનો આદેશ કર્યો હતો. આ બંને ખેલાડીઓ ટીમની સાથે જોડાઈ ગયા છે અને નેટ્સમાં તેઓ પરસેવો પાડતાં જોવા મળ્યા હતા. 

Related posts

બિહાર: ટપોટપ મરી રહ્યાં છે બાળકો, ત્યાં નીતીશના સાંસદ જોઇ રહ્યાં છે વરસાદની રાહ

Bansari

શિવસેનાએ ફરી રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો, કહ્યું આજે રામના નામે દિલ્હીમાં સરકાર છે, તો રામ મંદિર બનવુ જ જોઈએ

Nilesh Jethva

પીએમ મોદીએ બોલાવેલી સર્વદળીય બેઠકમાં સામેલ નહી થાય મમતા દીદી, પત્ર લખીને જણાવ્યું કારણ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!