જસદણમાં આ 65 મતદારો હાઇલાઇટમાં ”રાણીબેન દુધાત” સેલિબ્રિટી મતદાર કેમ છે ?

જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં મતદાન કરવાને લઇને અનેક નવયુવાનોમાં ઉત્સાહ છે. તો બીજી તરફ દાયકાઓથી મતદાન કરનારા શતાયુ મતદારો પણ એટલા જ જોમ અને ઉત્સાહથી મતદાન કરવા આતુર છે. આવા જ એક શતાયુ મતદાર છે 112 વર્ષીય રાણીબેન દુધાત. જીએસટીવી સાથેની ખાસ વાતચીતમાં રાણીબેને જણાવ્યું કે. ગમે તે થાય. મત તો આપવો જ પડે.

જસદણની પેટાચૂંટણીમાં અનેક નવલોહિયા યુવાનો હોંશેહોંશે મતદાન કરવા જઇ રહ્યા છે. તો બીજી તરફ શતાયુ વટાવી ચૂકેલા મતદારોમાં પણ લોકશાહીનું પર્વ ઉજવવા જોમ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જસદણ મતવિસ્તારના આશરે 65 મતદારો એવા છે જે શતાયુ વટાવી ચૂક્યા છે. આવા જ એક મતદાર છે જસદણના સૌથી વયોવૃદ્ધ એવા 112 વર્ષીય રાણીબેન દુધાત.

જીએસટીવીની ટીમે જંગવડ ગામે રહેતા રાણીબેન સાથે ખાસ વાતચીત કરી. પરિપક્વ થયા ત્યારથી રાણીબેને દરેક ચૂંટણીમાં મતદાન કર્યું છે. રજવાડાના શાસનથી લઇને અત્યારની ચૂંટણી સુધી જસદણની અનેક તડકીછાંયડી જોઇ ચૂકેલા રાણીબેન મક્કમ સ્વરે જણાવે છે કે ગમે તે થાય મત તો આપવો જ પડે. પરંતુ મત કોને આપવાનો છે તે કોઇને ન કહેવાય.

112 વર્ષની ઉંમરે પણ સ્વસ્થ રહી પોતાના તમામ કામ જાતે કરી શકતા રાણીબેન પોતાની હયાતીમાં જ પાંચ પેઢી જોઇ ચૂક્યા છે. જસદણની પેટાચૂંટણીમાં 14 પુરુષો અને 51 સ્ત્રીઓ મળી કુલ 65 જેટલા શતાયુ મતદારો મતદાન કરવા જઇ રહ્યા છે. અને શતાયુ મતદારોનો આ ઉત્સાહ જ આપણી લોકશાહીને વધુ મજબૂત બનાવી રહ્યો છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter