GSTV

રામ મંદિર : કરોડો લોકોની સદીઓ જૂની આસ્થા ફળીભૂત થવાની ઘડી

રામ મંદિર

અયોધ્યામાં રામ મંદિર પરના સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ છેવટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મંદિરના શિલાન્યાસની વિધિ થતાની સાથે જ દેશના હિન્દુઓની સદીઓ જૂની આસ્થા પૂર્ણ થવા જઇ રહી છે. આશરે પાંચસો વર્ષથી જે ઘડીની વાટ જોવાઇ રહી હતી એ છેવટે ફળીભૂત થઇ. કરોડો રામભક્તોનું સપનું સાકાર થયું. અત્યંત શુભ ઘડીમાં ભૂમિપૂજન સંપન્ન થયું અને એ સાથે જ મંદિર નિર્માણના કાર્યનો શુભારંભ થઇ ગયો.

દેશમાં જાતિ, પંથ, ધર્મ કે પાર્ટીઓની સીમાઓ ઉપર એક વિશાળ જનસમુદાય છે જે દાયકાઓથી એ અવસરની પ્રતિક્ષામાં હતો કે માન્યતા-આસ્થા અનુસાર અયોધ્યામાં એક ભવ્ય રામ મંદિરનું નિર્માણ થાય. આજે એ અવસર આવી પહોંચ્યો છે. સોમવારથી જ અયોધ્યામાં ભૂમિપૂજનનું અનુષ્ઠાન ચાલી રહ્યું હતું અને બુધવારે વડાપ્રધાન મોદીએ શિલાન્યાસની વિધિ પૂર્ણ કરી.

અનેક નેતાઓ અને લોકોએ કોરોનાના કારણે ભૂમિપૂજન જેવા મહત્ત્વના આયોજનને હાલ ન કરવાની માંગ કરી હતી પરંતુ પ્રશાસને તમામ ચોકસાઇ સાથે કાર્યક્રમનું આયોજન કર્યું. પરંપરા અનુસાર એક સાધુ, વિદ્વાન અને આચાર્ય ધાર્મિક અનુષ્ઠાનો પૂર્ણ કરવામાં લાગ્યાં હતાં.

અયોધ્યા નગરીને સજાવવામાં આવી હતી. કોરોનાના કારણે શહેરમાં ભીડભાડ ન હોવાના કારણે અયોધ્યાની ભવ્યતા ઓર પણ વધી ગઇ છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ અને પ્રશાસન સામે સમગ્ર આયોજન શાંતિ અને ધાર્મિક માહોલમાં કરાવવું અત્યંત પડકારજનક હતું અને સદ્ભાગ્યે એ કામગીરી હેમખેમ રીતે પૂરી થઇ છે.

અગાઉ મંગળવારે રામ મંદિરનું પ્રસ્તાવિત મોડેલ પણ પ્રદર્શિત કરવામાં આવ્યું અને એ પહેલાના મોડેલ કરતા પણ વધારે ભવ્ય દેખાય છે. ટ્રસ્ટનો એ પ્રયાસ પ્રશંસનીય છે કે રામ જન્મભૂમિ મંદિર વિશ્વમાં ભારતીય સ્થાપત્ય કળાનું અનુપમ ઉદાહરણ બને. દુનિયાના દરેક ધર્મોમાં એકથી એક ચડિયાતા ધાર્મિક સ્થળો છે અને હવે રામ મંદિર પણ એમાં સ્થાન પામશે એ દરેક ભારતીય માટે ગૌરવની બાબત હશે.

રામ મંદિર નિર્માણ ભારત માટે એક અવસર

રામ મંદિર નિર્માણ ભારત માટે એક અવસર છે. જે મૂલ્યોને આપણે ભૂલતા જઇ રહ્યાં છીએ એમને ફરી વખત વ્યવહારમાં મૂકવાની શરૂઆત કરવાનો આ અવસર છે. માનવતા, પ્રેમ, મિત્રતા, સદ્ભાવ ફરીથી જગાવવાની જરૂર છે. ભારતને વિશ્વગુરુ બનાવવાનું જે સપનું દાયકાઓથી અનેક મહાપુરુષોએ સેવ્યું છે એ સાકાર કરવાનો અવસર છે.

લોકોએ એ ધ્યાનમાં રાખવું પડશે કે જેમના જન્મસ્થાનરૂપે આ મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે એ શ્રીરામને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે. શ્રીરામે પોતાના જીવનમાં તમામ મર્યાદાઓનું પાલન કર્યું હતું અને વિશ્વ સામે એક આદર્શ પ્રસ્થાપિત કર્યો હતો. પુત્ર, ભાઇ, પતિ, પિતા, રાજા, મિત્ર એમ તમામ સ્વરૂપોમાં શ્રીરામને માત્ર ભારત જ નહીં, આખી દુનિયામાં આદર્શ માનવામાં આવે છે.

લોકોએ આ લાગણી સમજવાની જરૂર હતી

શ્રીરામનું સંપૂર્ણ જીવન ત્યાગ, તપસ્યા, કર્તવ્ય અને મર્યાદાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. એ જ કારણ છે કે વિજ્ઞાાન અને વિકાસના આ દોરમાં પણ શ્રીરામ જનમાનસના દેવતા છે. રામ શક્તિના  નહીં, વિરક્તિના પણ પ્રતિક છે. શ્રીરામે પોતાના જીવનપર્યંત જે આચરણ કર્યું એ આપણે પણ દૈનિક જીવનમાં અપનાવી શકીએ છીએ.

ભારત જેવા સર્વસાંપ્રદાયિક દેશ માટે રામજન્મભૂમિનો હલ પરસ્પરની સહમતિથી આવ્યો હોત તો ગરિમાપૂર્ણ હોત. ભારતના કરોડો લોકો જેને રામજન્મભૂમિ માનતા હોય તો બીજા સંપ્રદાયના લોકોએ આ લાગણી સમજવાની જરૂર હતી. મંદિર કે મસ્જિદનું સ્થાન બદલાઇ શકે છે પરંતુ જન્મસ્થાન તો બદલી શકાતું નથી. મીડિયામાં અનેક લોકોએ બયાનબાજી કરી, ધર્મગુરુઓએ પ્રયાસો કર્યાં, બુદ્ધિજીવીઓએ ભાષણો આપ્યા અને રાજકારણીઓએ ચૂંટણીનો મુદ્દો બનાવ્યો.

રામ મંદિર

છાશવારે આ મામલો હવા પકડી લેતો

હકીકતમાં રામ જન્મ ભૂમિ- બાબરી મસ્જિદ વિવાદને લઇને લોકોને ઘણી તકલીફો સહન કરવી પડી છે. છાશવારે આ મામલો હવા પકડી લેતો હતો અને પછી એને લઇને નિવેદનબાજીનો દોર ચાલુ થઇ જવો જાણે ક્રમ બની ગયો હતો. જેના પરિણામે માહોલમાં એક પ્રકારની તંગદીલી વ્યાપી જતી હતી.

આવી પરિસ્થિતિનો ફાયદો અસામાજિક તત્ત્વો ઉઠાવીને વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરતા હતાં. એટલા માટે જ સુપ્રીમ કોર્ટે પણ લડાઇને બાજુએ મૂકીને મધ્યસ્થી દ્વારા મામલો ઉકેલવાની પહેલ કરી હતી. જોકે મધ્યસ્થતા સમિતિ પણ વિવાદનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ રહેતા છેવટે ગયા વર્ષે સુપ્રીમ કોર્ટમાં સુનાવણીની ૪૦ દિવસની મેરાથોન યોજવામાં આવી હતી.

અયોધ્યા મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે વારંવાર સ્પષ્ટતા કરી હતી કે આ મામલે દીવાની અપીલ સિવાય અન્ય કોઇ દૃષ્ટિકોણ ચગાવવાની પરવાનગી આપવામાં નહીં આવે અને સુનાવણીમાં એ જ પ્રક્રિયા અપનાવવામાં આવશે જે અલાહાબાદ હાઇકોર્ટે અપનાવી હતી.

તેમ છતાં એવી આશંકા વ્યક્ત થઇ રહી હતી કે સુનાવણી દરમિયાન દેશમાં તણાવ વ્યાપી શકે છે પરંતુ એવું કશું ન થયું. હકીકતમાં ૨૦૧૮માં તત્કાલિન ચીફ જસ્ટીસ દીપક મિશ્રાની આગેવાની હેઠળની બેન્ચે અયોધ્યા વિવાદને શુદ્ધરૂપે જમીન વિવાદ જણાવીને ધર્મનિરપેક્ષતા, સાંપ્રદાયિક સદ્ભાવ, ધર્મ અને રાજકારણને અલગ રાખવાની તાકીદ કરી હતી.

દેશનું બંધારણ ધર્મનિરપેક્ષ

સુપ્રીમ કોર્ટનો ચુકાદો બંધારણની મર્યાદામાં લઇને લેવામાં આવ્યો અને દેશનું બંધારણ ધર્મનિરપેક્ષ છે. એવામાં આ ચુકાદો હિન્દુ-મુસ્લિમ પક્ષો વચ્ચે હારજીતનો નહીં પરંતુ કાયદાને ધ્યાનમાં લઇને આપવામાં આવ્યો હતો. દેશમાં વસતા લોકોને પોતાનો ધર્મ હોઇ શકે છે પરંતુ ભારત દેશમાં તમામની ઓળખ ભારતીય તરીકેની જ છે અને બંધારણનું પાલન કરવું એ સૌની મૂળભૂત ફરજ છે. એટલા માટે સુપ્રીમ કોર્ટનો ચુકાદો સ્વીકારવા માટે દેશના તમામ નાગરિકો બાધ્ય છે. એટલા માટે જ સુપ્રીમ કોર્ટનો ચુકાદો દેશની તવારિખમાં ઐતિહાસિક છે.

ઇતિહાસ જોઇએ તો બાબરને ભારત સાથે કોઇ લેવાદેવા નહોતી. એ તો માત્ર વિદેશી હુમલાખોર હતો. તેણે પહેલા અફઘાનિસ્તાન જીત્યું અને પછી ભારત આવ્યો. બાબરની કબર અફઘાનિસ્તાનમાં છે. વર્ષો પહેલાં ભારતનું એક પ્રતિનિધિમંડળ અફઘાનિસ્તાન ગયું હતું અને તેમણે જોયું કે ત્યાં બાબરની કબર જીર્ણશીર્ણ અવસ્થામાં હતી.

ઇન્ડોનેશિયાની ૯૦ ટકા વસતી મુસ્લિમ

એ વખતે અફઘાન નેતા બબરક કમાલને પૂછવામાં આવ્યું કે બાબરની કબરની આવી દશા શા માટે છે? તો તેમણે કહ્યું કે બાબર તો વિદેશી હુમલાખોર હતો, તેણે અમારા પર આક્રમણ કર્યું અને અમને ગુલામ બનાવ્યાં. એ મુસ્લિમ હતો એટલા માટે અમે તેની કબરને તોડી નથી એટલી ગનીમત. ઇન્ડોનેશિયાની ૯૦ ટકા વસતી મુસ્લિમ છે અને તે એક મુસ્લિમ રાષ્ટ્ર છે. તેમ છતાં ઇન્ડોનેશિયાના લોકોના આદર્શ શ્રીરામ છે.

ઇન્ડોનેશિયાની શાળાઓમાં રામાયણનું અધ્યયન અનિવાર્ય છે. ઇન્ડોનેશિયા ૭૦૦ વર્ષ પહેલા હિન્દુ-બૌદ્ધ રાષ્ટ્ર હતું પરંતુ તેમણે આજે પણ તેમની પરંપરાઓ નથી છોડી. ઇન્ડોનેશિયામાં તો ભારત કરતા પણ ક્યાંય વધારે સારી અને સાંસ્કૃતિક કલાત્મકતા સાથે રામલીલા ભજવવામાં આવે છે.

રામમંદિરનું નિર્માણ રાષ્ટ્રીયતાનો વિષય

 ઇરાન મુસ્લિમ દેશ છે પરંતુ તેઓ રૂસ્તમ સોહરામને રાષ્ટ્રીય પુરષ માને છે. રુસ્તમ સોહરાબ પારસી હતાં. ઇજિપ્તમાં પિરામિડ રાષ્ટ્રીય પ્રતીક છે. પિરામિડ ઊભા કરવામાં આવ્યાં ત્યારે તો ઇસ્લામનું અસ્તિત્ત્વ પણ નહોતું. રામમંદિરનું નિર્માણ રાષ્ટ્રીયતાનો વિષય છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાને દેશના મુસ્લિમ સમાજે પણ સ્વીકાર્યો અને આખા દેશમાં સદ્ભાવ જળવાઇ રહ્યો.

હવે રામ મંદિરના નિર્માણ સાથે દેશમાં રામરાજ્ય આવે એ અપેક્ષા છે. રામરાજ્યમાં લોકશાહીના મૂલ્યો પરાકાષ્ઠાએ હતાં. લોકશાહીના મૂલ્યોની સ્થાપના અને અમલ ત્યાગ વિના સંભવ નથી. શ્રીરામે લોકલાગણીને સ્વીકારવા માટે ભારે વ્યક્તિગત પીડા પણ વેઠી હતી. આ કોઇની જીત કે હારની ક્ષણ નથી પરંતુ વિવેક અને મર્યાદાની ક્ષણ છે. મર્યાદાની લક્ષ્મણરેખા હૃદયમાં ઉતારવાની ક્ષણ છે. રાવણ જેવો અહંકાર પોષવાના બદલે શ્રીરામ જેવો સંયમ પાળવાની જરૂર છે. શક્તિપ્રદર્શન કરવું આસાન છે પરંતુ સંયમનું પ્રદર્શન કરવું કઠિન છે.

શ્રીરામે તેમના સમગ્ર જીવનપર્યંત કલેશને હરાવીને સૌહાર્દની સ્થાપના કરી. રામ મંદિરની વાસ્તવિક પ્રાણપ્રતિષ્ઠા રામરાજ્યના સંકલ્પ વિના ન થઇ શકે. રામરાજ્યનો આ સંકલ્પ માત્ર મનોમન કરવાથી નહીં ચાલે, પરંતુ એ સાર્વજનિક જીવનમાં ચરિતાર્થ કરવો પડશે.

Read Also

Related posts

IPL 2020: હૈદરાબાદ પર ભારે પડ્યુ રોયલ ચેલેન્જર્સ બૈંગ્લોર, 10 રનથી મેળવી જીત

Pravin Makwana

RSSના આર્થિક સંગઠનની મોદી સરકારને સલાહ, MSPની નવી ગેરેન્ટી વાળું બિલ લાવો

Pravin Makwana

અનલોક 5માં 500 લોકોને પ્રસંગમાં હાજર રહેવા છૂટ આપવાની માગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!