Ram Navami: હાલમાં સમયમાં પ્રાચીન સમયની સરખામણીએ સુખ સુવિધા અને વિજ્ઞાને ઘણી પ્રગતિ કરી છે. પરંતુ મનુષ્યનું, તેના વિચારોનું ધીરે ધીરે પતન થઇ રહ્યું છે. સંબધો હવે માત્ર ઔપચારિક બની ગયા છે. બધે જ મનુષ્ય પોતાનો સ્વાર્થ જોતો થયો છે. ધર્મનું પણ પતન થવા લાગ્યું છે. હવે આજના સમયમાં રામને શોધવા મુશ્કેલ બન્યું છે. બધે જ રાવણ જોવા મળી રહયા છે. પરંતુ આજના રાવણ કરતા ભગવાન રામના હાથે મોતને ભેટનાર રાવણ પણ વધુ સારો હતો. આવી સ્થિતિમાં આ આધુનિક યુગમાં ભગવાન શ્રીરામની પ્રાસંગિકતા વધુ વધી જાય છે.

સંબધો નિભાવી જાણતા હતા :
ભગવાન શ્રી રામ એક સારા પુત્ર હોવાની સાથે એક સારા ભાઈ પણ હતા. તેમણે એક આદર્શ પુત્ર, એક આદર્શ ભાઈ, અને એક આદર્શ પતિની ભૂમિકા નિભાવી હતી. તે સમયે બહુ પત્નીત્વની પ્રથા અમલમાં હતી. તેમના પિતા અને સમકાલીન રાજાઓ એકથી વધુ પત્નીઓ ધરાવતા હતા. પરંતુ તેમણે દરેક સંબંધને બહુ સારી રીતે નિભાવ્યો હતો. આજના મનુષ્યે ભગવાન રામ પાસેથી ભાઈચારો, સંબંધની જાળવણી, અને માનવ કલ્યાણની ભાવના શીખવી જોઈએ. આજે વિભક્ત પરિવારની પ્રથા ચાલીરહી છે. દરેક માતા-પિતા ઈચ્છે છે કે તેમના પુત્રમાં શ્રી રામના તમામ ગુણો હોય. દરેક પત્ની ઈચ્છે છે કે તેનો પતિ શ્રી રામની જેમ ‘આદર્શ’ પતિ બને. પરંતુ પત્ની નથી ઇચ્છતી કે તેનો પતિ આદર્શ પુત્ર બને. બધે જ સ્વાર્થના વાદળો ઘેરાયેલા છે. આ જ કારણ છે કે યુગ વીતી ગયા પછી પણ શ્રી રામના આદર્શોને આજે પણ યાદ કરવામાં આવે છે.

લોકશાહીના રક્ષક:
પ્રભુ શ્રીરામે તેમના જીવનને એવી રીતે મેને જ કર્યું હતું કે, આજે પણ તેમના કાર્ય, વ્યક્તિત્વ અને શાસનને યાદ કરવામાં આવે છે. ભગવાન શ્રી રામ પાસે અસીમ શક્તિઓ હતી પરંતુ રાવણની જેમ તેમણે ક્યારેય તેનો દુરુપયોગ કર્યો નથી. રાવણે પોતાની શક્તિઓ દર્શાવી પરંતુ રામે ગૌરવ અને નમ્રતા દર્શાવી. તેઓ વિચારીને જીવતા હતા. જો હું ખોટું કરીશ તો મારી પ્રજા પણ ખોટા રસ્તે જશે. તેમણે હંમેશા લોકશાહી, જનમત અને લોકોના કલ્યાણ વિશે વિચાર્યું. આજના રાજનેતા કે શાસકે આમાંથી બોધપાઠ લેવો જોઈએ. શ્રીરામની કાર્યપદ્ધતિનું બીજું નામ ‘લોકશાહી’ છે. રામ રાજ્યમાં કોઈને બિનજરૂરી સજા કરવામાં આવી ન હતી, ન તો લોકો વચ્ચે પક્ષપાત અને ભેદભાવ હતો.

બીજાને નેતૃત્વની તક આપીઃ
વનવાસ દરમિયાન તેમની સાથે તેમના નાના ભાઈ અને માતા સીતા હતા. ત્રણેય એક ટીમ તરીકે વર્ક કર્યું. પરંતુ પ્રભુ શ્રી રામને તેમની સાથેના તમામ લોકોને આત્મનિર્ભર બનાવવા માટે આવી ઘણી તકો મળી, જ્યારે તેમણે અન્યના હાથમાં નેતૃત્વ સોંપ્યું. વનવાસ દરમિયાન તેમણે નાના ભાઈ ભરતને અયોધ્યાનું નેતૃત્વ સાંભળવા પ્રેરિત કર્યો હતો. તેમના વનવાસ દરમિયાન એક વિશાળ ટીમ બનાવીને દરેકને નેતૃત્વ કરવાની તક આપી. દેશની દરેક સંસ્થા, રાજકીય પક્ષ અને સંગઠનોએ તેમની પાસેથી આ શીખવું જોઈએ, તો જ દેશ ચાલશે.

સમસ્યાઓનો ઉકેલ શોધવો:
પ્રભુ શ્રીરામની સામે ઘણી વખત આવી મુશ્કેલ પરિસ્થિતિઓ ઊભી થઈ જ્યારે સમગ્ર ટીમમાં નિરાશાની લાગણી ફેલાઈ ગઈ, પરંતુ તેમણે ધીરજપૂર્વક સમસ્યાઓનો ઉકેલ શોધવા માટે કામ કર્યું અને પછી તેના પર કામ કરવાનું શરૂ કર્યું. તેઓએ સીતાના અપહરણ, અહીરાવણ દ્વારા પોતાનું જ હરણ કરી લેવાની ઘટના હોય કે પછી લક્ષ્મણ મૂર્છિત થવાથી ઘણા જોખમોનો સામનો કરવો પડ્યો પરંતુ તેમની ઉત્સાહી ટીમે તમામ મુશ્કેલીઓનો સામનો કર્યો. તમારી સામે ઊભા થયેલા સંકટ, વિરોધ અને કટોકટી જ તમને સફળતાનો માર્ગ બતાવે છે.
બલિદાનની ભાવના :
જગજાહેર છે કે, પિતાના આદેશ પર પ્રભુ શ્રી રામે રાજગાદીનો ત્યાગ કરી વનવાસ જવાનો નિર્ણય લીધો હતો. સંકટના સમયમાં સહેજ પણ ડગ્યા વિના જીવતા શીખવ્યું. આશ્રમમાં રહીને તેમણે ગુરુ જ્ઞાન લીધું. જંગલમાં એક ઝૂંપડીમાં રહી કંદમૂળ ખાધા. આ દરમિયાન તેમણે આદિવાસી અને વનવાસીઓને ધનુષ-બાણ ચલાવતા શીખવ્યું અને ધર્મની પણ શીખ આપી. શબરીના એંઠા ફળો પ્રેમથી ખાવાનું, કેવટ નિષાદરાજને ભેટવું, વાંદરા, રીંછ જેવી જાતિઓને પ્રેમ અને લાગણી આપીને પોતાના બનાવવાનું અને તેમના જીવનમાં ઉત્સાહનો સંચાર કરવાનું રામ પાસેથી શીખવું જોઈએ. આધુનિક યુગના માણસમાં ત્યાગની ભાવના નથી, જ્યારે બલિદાન તો બહુ દૂરની વાત છે.
અસત્ય સામે યુદ્ધ જરૂરી છે:
શ્રી રામની કાર્યપદ્ધતિ કલયુગમાં પણ પ્રાસંગિક છે કારણ કે આજે વિશ્વભરમાં ‘આતંકવાદી’ શક્તિઓ માથું ઉંચી કરી રહી છે. વધતી અરાજકતા અને આતંકવાદી શક્તિઓને નષ્ટ કરવાની સાચી શક્તિનું નામ શ્રીરામ છે. શ્રીરામે આસુરી શક્તિઓનો નાશ કરીને ધર્મની રક્ષા કરી. જ્યારે ભગવાન શ્રી રામની પત્ની સીતાનું રાવણે અપહરણ કર્યું હતુ, ત્યારે શ્રી રામની સામે સૌથી મોટું સંકટ ઊભું થયું હતુ. તેઓ સીતાને શોધવા માટે જંગલોમાં ફર્યા હતા. અને પોતાની બુદ્ધિ અને કૌશલ્યથી તેમણે આખરે માતા સીતા ક્યાં છે તે શોધી કાઢ્યું. ત્યારબાદ તેમણે સુગ્રીવ માટે બાલીનો વધ કર્યો અને સુગ્રીવના સપોર્ટથી યુદ્ધ જીત્યું પણ હતુ. એ જ રીતે તેમણે ઘણા રાજાઓને મદદ કરી. જ્યારે શ્રી રામે રાવણ સાથે યુદ્ધ કર્યું ત્યારે તેમણે અયોધ્યામાંથી કોઈ સૈન્ય લીધું ન હતુ. તેમણે વાનર અને રાક્ષસ જાતિના લોકોને ભેગા કર્યા અને એક વિશાળ સેનાની રચના કરી. ખાસ વાત એ છે કે ન તો પગાર, ન યુનિફોર્મ, ન શસ્ત્રો અને તે સેનામાંથી વિજય મેળવ્યો. ઓછા સંસાધનો અને ઓછી સુવિધાઓ અને સંઘર્ષ છતાં તે પુલ બનાવીને લંકામાં પ્રવેશ મેળવી વિજય મેળવ્યો હતો.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો