તેલુગુ – હિન્દી સિનેમામાં ક્રાઈમ અને હોરર ફિલ્મો બનાવવાના માસ્ટર રામ ગોપાલ વર્મા આજે 56 વર્ષના થયા છે. જેમને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં RGVના નીક નેમથી ઓળખવામાં આવે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને ફેન્સ દ્વારા તેમને બર્થ ડે વિશ કરવામાં આવી રહ્યો છે. નાગાર્જૂનની ફિલ્મ શિવાથી હિન્દી અને તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં સ્વતંત્ર ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરનારા રામ ગોપાલ વર્માને પોતાની પહેલી ફિલ્મથી જ સફળતા મળી ગઈ હતી. ફિલ્મ શિવામાં કોલેજના પોલિટિક્સની વાત કરવામાં આવી હતી. જેણે નાગાર્જુનની કરિયરને પૂરપાટ વેગે દોડાવી હતી. જે પછી રામ ગોપાલ વર્માએ એક બાદ એક સુપરહિટ ફિલ્મો આપી દર્શકોનું દિલ જીત્યું.
જેમાં આમિર ખાન સાથેની ફિલ્મ રંગીલાના મ્યુઝિક અને કન્સેપ્ટે ફેન્સને એન્ટરટેઈન કર્યા. તો ક્રાઈમ વર્લ્ડની ફિલ્મ સત્યા અને કંપનીમાં તેમણે બાયોપિક કેરેક્ટરોને પોતાની રીતે ઢાળી બોક્સઓફિસની માઈલસ્ટોન ફિલ્મો આપેલી. રામ ગોપાલ વર્માની છેલ્લી હિટ ફિલ્મોમાં ભૂત અને સરકારની ગણના થાય છે. આગ ફિલ્મ બનાવ્યા બાદ રામ ગોપાલ વર્માની કરિયર લથડી ગયેલી. છેલ્લે સત્યાની રિમેક સત્યા 2 પણ પહેલી ફિલ્મની માફક ચાર્મ ન બતાવી શકેલી.
ક્રિટિક્સ અને ફેન્સ દ્વારા પણ રામ ગોપાલ વર્મા પર ટિકાઓનો વરસાદ થયો હતો. તેમણે ગન્સ એન્ડ થાય્સ નામની બાયોગ્રાફી પણ લખી છે. જેમાં તેમના જીવનના ફિલ્મી અનુભવો અને કારકિર્દીના ઉતાર ચઢાવની વાતો છે.
તો 2018માં પોર્નસ્ટાર મિયા મેલ્કોવા સાથે ગોડ સેક્સ એન્ડ ટ્રૂથ નામની ફિલ્મ બનાવી હતી. જેના કારણે તેઓ ચર્ચામાં રહ્યા હતા. કદાચ નાગાર્જુન સાથે જ તેમની જોડી મેચ ખાતી હોવાથી. આ વર્ષે પણ નાગાર્જુન અને રામ ગોપાલે તેલુગુ હિટ ફિલ્મથી ફરી પોતાની કાબેલિયત બતાવી, શિવા ફિલ્મની સફળતાની દોહરાવી હતી.