છેલ્લા કેટલાય સમયથી ભારત ચીન સરહદ પાર હાલી રહેલા તણાવમાં ગઈકાલે નવો વળાંક આવ્યો. બંને સેનાઓ વચ્ચે એલએસી પર થયેલી હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા. જેને લઈને દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે નિવેદન આપી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે.
દેશ તેમની કુરબાની અને બહાદુરી યાદ રાખશે
રાજનાથ સિંહે જણાવ્યું છે કે દેશ જવાનોની બહાદુરી અને કુરબાનીને ક્યારેય નહિ ભૂલે. તો સાથે જ તેમને, શહીદ જવાનોના પરિવાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે શહીદ જવાનોના પરિવારો પ્રત્યે મને સહાનુભૂતિ છે અને દેશ આ કપરા સમયમાં તેમના ખભા થી ખભો મિલાવીને ઉભો છે. દેશના આ જાંબાઝ જવાનોની બહાદુરી અને ખુમારી માટે દેશને ગર્વ છે.
જવાનોની શહીદી વ્યથિત કરનારી અને દુઃખદાયી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગલવાન વેલીમાં દેશના જવાનો શહીદ થયા તે અત્યંત વ્યથિત કરી દેનાર અને દુઃખદાયી છે. આપણા જવાનોએ અમારા સૈનિકોએ પોતાની ફરજ નિભાવતા અનુકરણીય હિંમત અને બહાદુરી દર્શાવી અને ભારતીય સેનાની પરંપરા મુજબ દેશદાઝ માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી.
પ્રધાનમંત્રી નિવાસે મહત્વની બેઠક
ગલવાન ઘાટીમાં ચીન સાથેના તણાવ બાદ મોડી રાત્રે વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી એટલે કે સીસીએસની મહત્વપૂર્ણ બેઠક મળી. આ બેઠકમાં ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ તેમજ વિદેશપ્રધાન એસ. જયશંકર ઉપસ્થિત રહ્યા. જે બાદ વડાપ્રધાન મોદી અને અમિત શાહ વચ્ચે મોડી રાત્રિ સુધી આગામી રણનીતિ મુદ્દે મંથન ચાલ્યું. બીજી તરફ રાજનાથ સિંહે પણ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવત અને લશ્કરની ત્રણેય પાંખના પ્રમુખો સાથે એક પછી એક એમ બે બેઠકો યોજી. આ બેઠકોમાં એસ. જયશંકર પણ સામેલ રહ્યા.