GSTV
Home » News » ચોમાસાના વહી જતા પાણીને બચાવવું હોય તો રાજકોટના આ પ્રગતિશીલ ખેડૂતની કરામત જોવી રહી

ચોમાસાના વહી જતા પાણીને બચાવવું હોય તો રાજકોટના આ પ્રગતિશીલ ખેડૂતની કરામત જોવી રહી

વહી જતા નકામા વરસાદી પાણીને જમીનમાં ઉતારવામાં આવે તો ધરતી માતા તૃપ્ત થાય. અને તેના ફળ પણ મળે. હાલમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ઘણાં ખેડૂતો પ્રયત્નશીલ બની રહ્યા છે. ત્યારે ઘરની જમીનમાં સજીવ ખેતીને પ્રાધાન્ય આપવા સાથે વરસાદી પાણીના સંગ્રહમાં પણ સફળતા મેળવી છે જેતપુર તાલુકાના પેઢલાના યુવાન રાજદીપ ગીરધભાઈ ખૂંટે. રાજદીપભાઈ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પીટલ સાથે સંકળાયેલા હોવા છતાં પરિવારને ઓર્ગેનિક ખોરાક મળી રહે તે માટે ખેતી સાથે જોડાયા છે. અને તેઓએ પોતાની ૨૫ વીઘા જમીનમાંથી વહી જતા વરસાદી પાણી થકી ખેતરના કૂવાને રિચાર્જ કર્યો છે.

જેતપુર વિસ્તારમાં દર વર્ષે પાણીની તકલીફ રહે છે. તળના પાણી પણ ખૂટી જતા હોય ચોમાસુ મોલ સિવાય શિયાળુ મોલ માંડ લેવાતો હતો. જેના લીધે રાજદીપભાઈએ સોશ્યલ મિડીયામાં જળ સંગ્રહના વિડીયો જોયા પછી કુવા રિચાર્જિંગનો વિચાર આવ્યો. જેનો તેમણે ઉનાળામાં અમલ કર્યો. દર વર્ષે તેમના ખેતરમાંથી વરસાદી પાણી વહીને જતું હતું એટલે તેમને આ પાણીને કુવામાં વાળવાનો વિચાર આવ્યો. ખેતરમાં કુવાની પાસે તેમણે ૨૨ ફૂટ પહોળો, ૩૭ ફૂટ લંબાઈનો, અને લગભગ ૭ ફૂટ ઊંડાઈ ધરાવતો હોજ બનાવ્યો. આ હોજ લગભગ ૧.૫૦ લાખ લિટર પાણીનો સંગ્રહની ક્ષમતા ધરાવે છે. હવે વરસાદનું વહી જતું પાણી સૌથી પહેલા હોજમાં આવે છે. હોજ ભરાઈ જાય તે પછીથી ઓવરફ્લો થઈને કૂવામાં જાય છે.

યુવાન ખેડૂત રાજદીપભાઈના ખેતરમાંથી દર વર્ષે વરસાદ પડે ત્યારે અન્ય ખેતરોમાંથી આવતું પાણી વહી આગળ જતું રહેતું હતું. વહેણના રસ્તામાં ખેતરમાં કૂવો હતો એટલે તેમને પાણીને વાળવા માટે ખેતરમાં કોઈ લેવલ કરવાનું હતું નહીં. ખેતરમાં જેસીબીની મદદથી મોટો ખાડો તૈયાર કર્યો. જેમાં પાણી ભરાતા તે જમીનમાં ઉતરવા લાગ્યું. સાથે તેમાંથી ઓવર ફ્લો થઈને નીક વાટે મોટા પથ્થરોમાંથી પાણી પસાઈ થઈને કૂવામાં ઉતાર્યું છે.

કુવાની આસપાસના ભાગમાં છ ફૂટ નીચો ઊંડો ખાડો બનાવી તેમાં મોટા પથ્થરો ગોઠવ્યા છે. તે પછી ૪૦ એમએમની કપચી પાથરી દીધી. તેની ઉપર રેતીના વેકરાની માટી અને રેતી પાથરી દીધી. જેથી પાણી તેમાંથી પસાર થઈને કુવામાં દાખલ થાય. તેમના ખેતરમાં ૧૯૮૮માં બનેલો કુવો હતો. જેમાં ઉનાળુ સમયમાં પાણી ખૂટી જતા હતા. પરંતુ આ વર્ષે તેમણે વહી જતા વરસાદી પાણીને કુવામાં ઉતારતાં કુવાના પાણીના તળ ઊંચા આવ્યા છે. હવે ઓછો વરસાદ પડશે તો પણ તેઓ ઉનાળુ સિંચાઈ કરી શકે તેવું પાણી કુવામાં થઈ ગયું છે.

READ ALSO

Related posts

મીકાના સમર્થનમાં આવી આ એક્ટ્રેસ, કહ્યું- ‘હું કરીશ પાકિસ્તાનમાં પરફોર્મ, કોઇ રોકીને બતાવે’

NIsha Patel

આ ક્રિકેટરના ઘરમાં લાગી આગ, અંદર હતાં પત્ની અને બાળકો

Bansari

આ શું, હાથમાં ઓશીકું લઈને એરપોર્ટમાં પહોંચી જાહ્નવી કપૂર! લોકોએ પૂછ્યા અજીબ સવાલ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!