GSTV
Rajkot ગુજરાત ટોપ સ્ટોરી

રાજકોટમાં આજથી મોજ- મસ્તીના મૂકામ જેવો પાંચ દિવસીય લોકમેળો, 15 લાખથી વધુ લોકો ઉમટી પડવાનો અંદાજ

મેળો

વિતેલા બે વર્ષ દરમિયાન કોરોનાકાળને અનુલક્ષીને યોજાઈ નહીં શકેલો રાજકોટનો પ્રસિધ્ધ જન્માષ્ટમી લોકમેળો આ વખતે બુધવાર- તા.૧૭મીથી શરૂ થવા જઈ રહ્યો છે. એ સાથે જ સતત પાંચ દિવસ સુધી રેસકોર્સ મેદાન મોજ- મસ્તી અને હલ્લા- ગુલ્લાનો જાણે મૂકામ બની રહેશે. રાજ્યભરમાં પ્રખ્યાત એવા રાજકોટના સરકારી લોકમેળામાં પાંચ દિવસ દરમિયાન નહીં નહીં તો’યે પંદરે’ક લાખ લોકો ઉમટી પડવા સરકારી તંત્રનું અનુમાન છે. જો વરસાદનું વિઘ્ન નહીં નડે તો તો ધંધાર્થીઓને આ મેળો વર્ષભરની કમાણી કરાવી જશે એમ પણ મનાય છે.

પ્રજાજનો બે વર્ષથી જાહેર મનોરંજન માણી નથી શક્યાં અને હવે કોરોનાલક્ષી નિયંત્રણો હટી ગયા છે એવામાં આ વખતે ‘આઝાદીનાં અમૃત’ નામકરણ પામેલો રાજકોટનો મેળો માણવા માટે જબરો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. તા.૧૭ના સાંજે પાંચ વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મેળાનું ઉદ્ધાટન કરશે, જે પહેલાં મુલાકાતીઓ તો સવારથી જ મેળામાં ઉમટવા લાગશે. મેળામાં રમકડાં વેચાણના સ્ટોલ્સ ઉપરાંત ખાણીપીણીના સ્ટોલ્સ તેમજ ખાસ કરીને ફજરફાળકા, ટોરાટોરા, બ્રેક ડાન્સ, નાવડી સહિતની ફન રાઈડ્સ, મોતના કૂવા, ઉપરાંત ટોય ટ્રેન, નાનાં ચકડોળ જેવી ચિલ્ડ્રન રાઈડ્સ આકર્ષણનાં કેન્દ્રરૂપ બની રહેશે. કાયદો- વ્યવસ્થા જાળવવા શહેર પોલીસનો બંદોબસ્ત તેમજ ટ્રાફિક વ્યવસ્થા સંદર્ભે ટ્રાફિક પાલીસ અને ટ્રાફિક બ્રિગેડની ફોજ ખડકાશે. મેળામાં વેચાતા ખાદ્ય પદાર્થોનું સતત ચેકિંગ કરાતું રહેશે અને રાત્રિ સફાઈનો પ્રબંધ ગોઠવાશે એવો પણ તંત્રનો દાવો છે. કોરોના વિરોધી રસીકરણ અને એન્ટીજન ટેસ્ટ માટે પણ મેળામાં બૂથ ઊભા કરાયા છે.

મેળો

પોરબંદરના ચોપાટી મેદાન ખાતે નગરપાલિકા દ્વારા આયોજિત લોકમેળો તા.૧૮થી ૨૨ સુધી ચાલશે, જે સૌરાષ્ટ્રમાં બીજા ક્રમનો સૌથી મોટો મેળો મનાય છે. તેમાં ૬૮૫૦૦ ચોરસમીટર જગ્યામાં ૫૨૩ સ્ટોલ- પ્લોટની હરરાજી અને ડ્રો થકી પ્રથમ વખત જ ૧.૩૯ કરોડ રૂપિયાની આવક થવા પામી છે, જેમાંથી સરકારને પણ ૨૫ લાખ રુપિયાથી વધુની જીએસટીની આવક થઈ છે. પાંચેય દિવસ મેળાની સમાંતરે યોજાનારા સંસ્કૃતિક કાર્યક્રમોમાં પ્રથમ દિવસે પોરબંદરની મહેર અને ખારવા સમાજ સહિતની સંસ્કૃતિના રાસ- ગરબા, બીજા દિવસે રાજકોટ કે અન્ય શહેરના કલાકારોની મ્યુઝિકલ નાઈટ, ત્રીજા દેવસે નિધિ ધોળકિયા દ્વારા શ્રીજી બાવાની ઝાંખી, ચોથા દિવસે દેવાયત ખવડનો લોકડાયરો અને છેલ્લા દિવસે ગીતા રબારીનો કાર્યક્રમ સમાવિષ્ટ હશે. તા.૧૮ના સાંજે મેળાનું ઉદ્ધાટન થશે. ૨૧૦ સીસીટીવી કેમેરાથી મેળા પર નજર રખાશે, પાલિકાના ૬૮ કર્મચારીઓને ફરજ પર મૂકાયા છે. ફેસબૂક અને યુ- ટયુબના માધ્યમથી મેળાનું જીવંત પ્રસારણ થનાર છે. પાંચ દિવસમાં ૭થી ૮ લાખ લોકો ઉમટવાની ધારણા વચ્ચે મેળાનો ૩ કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવ્યો છે. રાઈડ્સના ભાવબાંધણા મુદ્દે બુધવારે મેળા સમિતિ દ્વારા નિર્ણય લોવાનાર છે. પહેલી જ વાર મેળામાં એન્ટ્રી પછી પાર્કિંગ, ખાણીપીણીના સ્ટોલ, રાઈડ્સ વગેરેનો નક્શો- સાઈન બોર્ડ્સ મૂકાશે.

ગોંડલની સંગ્રામસિંહજી હાઈસ્કૂલનાં મેદાનમાં તા.૧૭થી ૨૩ સુધીનો લોકમેળો યોજાવા જઈ રહ્યો છે, જેમાં તા.૧૮થી ૨૩ દરમિયાન રોજ રાતે કૃષ્ણ જન્મોત્સવ, લોકડાયરો, મ્યુઝિકલ નાઈટ સહિત રંગારંગ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેતપુરનાં જિમખાના મેદાન ખાતે સિટી કાઉન્સિલ ઓફ જેતપુર દ્વારા તા.૧૭થી ૨૨ દરમિયાન આયોજિત લોકમેળામાં રાત્રિના સમયે મ્યુઝિકલ નાઈટ, હાસ્ય દરબાર સાથેના ત્રિવિધ કાર્યક્રમો પણ યોજાશે. મેળામાંથી થનારી આવક આયોજક સંસ્થા દ્વારા સમૂહલગ્ન, સ્મશાન, શાળાનાં વોટર કૂલર, મહિલાઓને સિલાઈ મશીન, પશુઓ માટે મેડિકલ કેમ્પ વગેરે જેવી જાહેર સેવાઓમાં વાપરવામાં આવશે.

મેળો

અમરેલીમાં નગરપાલિકા દ્વારા, સાવરકુંડલામાં ગુ્રપ દ્વારા, તેમજ રાજુલા અને ઝાફરાબાદમાં ગૌશાળાના લાભાર્થે લોકમેળાનું આયોજન કરાયું છે, જે સાધુ- સંતો અને રાજકીય આગેવાનો દ્વારા ખુલ્લાં મૂકી દેવાયા છે પણ મેળાની રંગત તા.૧૭મીથી જામશે. બગસરામાં પણ આજે ધારાસભ્યના હસ્તે મેળો ખુલ્લો મૂકાયો છે.

રાજકોટનો લોકમેળો ઊડતી નજરે…

૫ દિવસનો લોકમેળો

 • ૪ કરોડનો મેળાનો વીમો
 • ૪ પ્રવેશદ્વાર
 • ૪ કન્ટ્રોલ રૂમ
 • ૧૦ વોચ ટાવર
 • ૫ મોતના કૂવા
 • ૩૩ મોટી ફન રાઈડ્સ
 • ૪ મધ્યમ કક્ષાની રાઈડ્સ
 • ૫૪ ચિલ્ડ્રન રાઈડ્સ
 • ૨ મોટા ફૂડ કોર્ટ
 • ૧૪ ખાનપાનના સ્ટોલ
 • ૧૬ આઈસક્રીમના સ્ટોલ
 • ૨૧૦ રમકડાં વેચાણના સ્ટોલ
 • ૩૦ સરકારી, સંસ્થાના સ્ટોલ
 • ૨ કોરોના ટેસ્ટિંગ બૂથ
 • ૧૭ જનરેટર
 • ૧૫ લાખ લોકો ઉમટવાની ધારણા
 • ૧ જ ટોયલેટ મેળાનાં મેદાનમાં !
 • ૫ રિંગરોડ પર પાણીનાં પરબ

લોકમેળામાં કાર્યરત ચાર કંટ્રોલ રૂમના સંપર્ક નંબરો

(૧) લોકમેળા સમિતિ- ૯૪૯૯૮ ૮૧૫૬૨

(૨) પોલીસ- ૯૪૯૯૮ ૮૧૫૬૩

(૩) મહાપાલિકા- ૯૪૦૯૯ ૦૧૫૬૧

(૪) પીજીવીસીએલ- ૯૪૯૯૬ ૫૧૫૬૫

Read Also

Related posts

મોટી દુર્ઘટના/ અરુણાચલપ્રદેશના તવાંગમાં સેનાનું ચિત્તા હેલિકોપ્ટર ક્રેશ, પાયલટનું થયું મોત

HARSHAD PATEL

ગાંધીનગરના રૂપાલમાં વરદાયિની માની પલ્લીમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું, પલ્લીમાં ઘીની નદીઓ વહેતી જોવા મળી

pratikshah

જેતપુર/સાડીનાં કારખાનામાંથી  પરપ્રાંતીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો, પતિએ હત્યા કરી હોવાની આશંકા

pratikshah
GSTV