GSTV

અતિ સર્વત્ર વર્જયેત્ ! સૌરાષ્ટ્રને મૂંઝવતી મહાવૃષ્ટિ, વણથંભ્યા વરસાદથી અનેક ગામોમાં પૂર જેવી સ્થિતિ

વરસાદ

સૌરાષ્ટ્રમાં આજે પણ મેઘસવારી ફરી વળી હતી. રવિવાર મધરાતથી વરસાદનું જોર વધ્યા બાદ સોમવાર સાંજ સુધીમાં જોડિયા ખાતે ૧૨ ઈંચ, આમરણ ૧૦ ઈંચ, ગોંડલમાં ૮, ધોરાજી ૭, ભાણવડ સાડા છ ઈંચ એમ કેટલાક સ્થળે ભારે વરસાદ પડયો હતો, તો અન્યત્ર એકથી પાંચ ઈંચ પાણી વરસી ગયું છે. હવેનો વરસાદ ખેડૂતો સહિત આમ પ્રજાજનો માટે આફતરૂપ બની રહ્યો છે. એવામાં સૌરાષ્ટ્રમાં નાનાં-મોટાં અનેક ડેમો છલકાવાથી તેમાંથી છોડાતી જળરાશિ પણ ખેતરો અને ગામોમાં તારાજી નોતરી રહી છે. આ બધા વચ્ચે હજુ પણ ભારે વરસાદની આગાહી હોવાથી ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સની ટીમો તૈનાત કરવામાં આવી છે.

રાજકોટમાં એસડીઆરએફ તથા અમરેલી, મોરબી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, કચ્છમાં એનડીઆરએફની ટીમો સ્ટેન્ડ-ટુ છે. રાજકોટ શહેરમાં વધુ સાત ઈંચ વરસાદ આજી કાંઠાના વિસ્તારોમાં જળબંબાકાર નોતરી ગયો હતો. જંગલેશ્વર, રામનાથપરા સહિત વિસ્તારોમાંથી ૮૦૦ જેટલા માણસોનું સ્થળાંતર કરાવવું પડયું હતું. શહેરમાં સુભાષનગર, રૈયા ચોકડી, દોઢ-સો ફૂટ રીંગરોડ સહિત વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું. ગોંડલમાં આઠ અને ધોરાજીમાં ૭ ઈંચ, જેતપુર અને જામકંડોરણામાં ચાર, ઉપલેટામાં સાડા ત્રણ, કોટડાસાંગાણી ત્રણ, લોધિકામાં અઢી, જસદણ-વિંછીયા બે-બે તથા પડધરીમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે.

ભાદર ડેમના દરવાજા ખોલવા પડતાં ગોંડલ-જેતપુરના ગામડાંઓને હાઈએલર્ટ પર રખાયા છે. જેતપુરમાં ભાદરના પાણી ઘૂસતા ગોંદરો અને સામાકાંઠે મકાનોમાં પાણી ભરાયા હતા. ધોરાજીની સફૂરા, કંડોરણાની ઉતાવળી, સારણ નદી ગાંડીતુર બની છે. મોરબીમાં આજે સવારથી સાંજ સુધીમાં વધુ ચાર ઈંચ વરસાદથી નગર જળબંબોળ બની ગયું હતું. આમરણ વિસ્તારમાં ભારે વરસાદે હાલાકી વેરી હતી. દાવલશાવાસના મકાનો અને બસસ્ટેન્ડ વિસ્તારની દુકાનોમાં પાણી ઘુસ્યાં હતા.

વરસાદ

ચીખલીમાં ૨૨ વ્યક્તિ ફસાતા એનડીઆરએફની ટીમ દોડી

માળિયા મિયાણાનાં ચીખલીમાં ૨૨ વ્યક્તિ ફસાતા એનડીઆરએફની ટીમ દોડી ગઈ હતી. વાંકાનેરના શેખરડી પાસે મહા નદીના કોઝ-વે પર કારમાંની પાંચ વ્યક્તિ તણાઈ હતી, જેમાંથી બેને તત્કાલ બચાવી લેવાયા હતા. ટંકારામાં પણ ૪ ઈંચ, વાંકાનેરમાં ૩, હળવદમાં ૨ અને માળિયામાં ૧ ઈંચ નોંધાયો છે.

જામનગરમાં બે ઈંચ વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોડિયામાં ૧૨ ઈંચ વધુ વરસાદ આફતરૂપ બન્યો હતો. જામનગર-કંડલા કોસ્ટલ હાઈવે પર બાવનુગામ પાસે પૂલીયો ધસી પડતાં રોડ બંધ કરાવાયો છે. જોડિયાના તમામ ૩૭ ગામે પાકનું ધોવાણ થઈ ગયું છે. જોડિયામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યું હતું. ધ્રોલની બાવની નદીમાં પૂર આવ્યું છે. જામજોધપુરમાં આજે સવા પાંચ ઈંચ, લાલપુર અને ધ્રોલમાં બે-બે, કાલાવડમાં એક ઈંચ નોંધાયો છે.

અહીંં પડ્યો ધોધમાર વરસાદ

દ્વારકામાં ત્રણ ઈંચ, ખંભાળિયામાં અઢી, કલ્યાણપુર સાડા ત્રણ ઈંચ અને ભાણવડમાં સાડા છ ઈંચ વરસાદ મુસીબત ઊભી કરી ગયો હતો. ગતરાત્રીના આઠ વાગ્યાથી આજે સાંજે છ વાગ્યા સુધીમાં ભેંસાણમાં અઢી ઈચ વરસાદ થયો હતો. જ્યારે જૂનાગઢ, માણાવદર, વિસાવદર અને માળિયાહાટીના તેમજ મેંદરડામાં દોઢ ઈંચ વંથલીમાં પોણો ઈંચ વરસાદ થયો હતો. હવે થઈ રહેલા વરસાદથી ખેડૂતો લોકોની મુશ્કેલી વધી રહી છે ત્યારે મેઘરાજા હવે વિરામ લે તે જરૂરી બન્યું છે. માણાવદરના મટીયાણા ગામે ઓઝત નદીના પૂરથી ઘરોમાં પાણી ઘૂસી ગયું હતું.

વરસાદ

ગીર સોમનાથ જિલ્લાના ડોળાસા ખાતે દોઢ, તાલાલામાં એક ઈંચ, ગીરગઢડામાં અર્ધો ઈંચ, અન્યત્ર ઝાપટાં વરસ્યા હતા. અમરેલી શહેરમાં તથા લાઠીમાં બે ઈંચ, બગસરા સવા બે, બાબરામાં અઢી, લીલિયા અને વડીયામાં ચાર-ચાર ઈંચ, ધારી તથા સાવરકુંડલામાં ૧-૧ ઈંચ પાણી વરસ્યું છે. ચિતલ અને જશવંતગઢમાં ૪ થી ૫ ઈંચ વરસાદ થયો છે, ચિતલની ઠેબી નદીમાં બે વર્ષ બાદ પૂર આવ્યું છે. બગસરાની સાતલડી નદીમાં પૂર બાદ નદી કાંઠા વિસ્તારમાં એક મકાનની દીવાલ તૂટી પડી હતી.

ક્યાં કેટલાનું સ્થળાંતર

* રાજકોટમાં જંગલેશ્વર એકતા કોલોની, ભગવતીપરા, ભવાનીનગર, રામનાથપરા, રૂખડિયાપરામાંથી કુલ ૧૭૭૦ * ધોરાજીનાં ભોળા ગામે ૧૧૦ * ટંકારામાં સર્કીટ હાઉસ પાછળના ગોદામમાંથી ૮ મજૂર * આમરણમાં ૧૧૨, ઉટબેટમાં ૨૫, ઝીંઝુડા ગામે ૧૦૦.

અનેક ગામો વિખૂટા પડયા

* આમરણ વિસ્તારના ધૂળકોટ, કોયલી, માવનુગામ, અંબાલા, બેલા, કોઠારીયા, ઉટબેટ, ફાડસર, ઝીંઝુડા, રાજપર * માળિયા મિયાણા આસપાસ વેણાસર, સુલતાનપુર, ચીખલી * લોધિકાનું પાળ * મૂળીના ઉમરડા-લિયા-સાગધ્રા * ગોંડલનું ખડવંથલી અને વોરાકોટડા.

વરસાદ

જાન-માલને નુકસાન

* જોડિયાના માવનુગામ પાસે મોટો પૂલિયો બેસી ગયો. * ગીરગઢડાના જરગલીમાં મકાનની દીવાલ તૂટી * મોરબી યાર્ડની દુકાનોમાં પાણી ઘૂસ્યા. * બિલખાના બિલનાથ મંદિર પાસે મકાનની છત પડતાં વૃદ્ધનું મૃત્યુ * જોડિયાના લખતરમાં વૃદ્ધ હાડાટોડા માર્ગે પુલિયામાં ડૂબી જતાં મોત * જેતપુરના અમરાપરમાં માલધારી પરિવારનું મકાન ધ્વસ્ત * લોધિકાના પાળ ગામે જખરાપીર મંદિર ગરક * ગોંડલના ત્રાકુડામાં બે મકાન પડયા * હળવદના રાયસંગપર પાસે પિતા-પુત્ર તણાયા, પિતાનો મૃતદેહ મળ્યો, પુત્રની શોધખોળ જારી * વાંકાનેરના શેખરડી નજીક કાર કોઝ-વેમાં તણાતા તેમાંના પાંચમાંથી ત્રણ વ્યક્તિ લાપતા * ઉપલેટા તાલુકામાં ત્રણ વ્યક્તિ તણાઈ. * આમરણના બસ સ્ટેન્ડ વિસ્તારની દુકાનોમાં પાણી ઘૂસ્યા. * લીલિયાની નાવલી બજારની દુકાનોમાં પાણી ઘૂસ્યા. * બગસરાની સાતલડી નદીના પૂરથી મકાનની સાતલડી નદીના પૂરથી મકાનની દીવાલ તૂટી * વાંકાનેર પંથકમાં પતાળેશ્વર મંદિર અડધું ગરક.

સૌરાષ્ટ્રમાં નાના-મોટા આટલાં માર્ગો બંધ

* આમરણ-જામનગર * જામનગર-કચ્છ વાહન વ્યવહાર ઠપ્પ * જોડિયા-મોરબી * જોડિયા-આમરણ * વેરાવળ-કોડીનાર * ત્રંબાથી વડાળી અને ઢાંઢણી-ઢાંઢીયા માર્ગ * સાવરકુંડલાનો લુવારા-આંબરડી માર્ગ * ઉનાના દુધાળા-માણેકપુર, દેલવાડા-સીમર, સનખડા-ખત્રીવાડ, નાઠેજ-સુલતાનપુર-આમોદ્રા * મવડી-પાળ * માણાવદર પંથકમાં પોરબંદર હાઈ-વે અને જૂનાગઢ-પોરબંદર રૂટ * સરા-મોરબી * માળિયામિયાણા પાસેનો કંડલા હાઈ-વે * વીરપુરથી મેવાસા-જેપુર-દીઘડીયા-સરા રોડ * આમરણ-ભાદરા * જામનગર-મોરબી જેતપુરનો લુણાગરી, દુધીવદર * પડધરી તાલુકામાં પ્રેમગઢ નારણકા-આણંદપર.

Read Also

Related posts

બર્ડ ફલૂને લઈને તંત્ર એલર્ટ, એલ જી હોસ્પિટલ ખાતે બર્ડ ફલૂ વોર્ડ બનાવવામાં આવ્યો

pratik shah

સકંજામાં/ મેટ્રીમોનિયલ સાઇટ પરથી યુવતિ સાથે સંબધ કેળવીને દુષ્કર્મ આચરનાર આરોપીને સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યો

pratik shah

રાજ્યમાં રસીકરણની ગંભીર સાઈડ ઈફેક્ટ નથી જોવા મળી, કોરોના વેક્સિનેશનની કામગીરી યથાવત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!