સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ પાર્ટીને એક બાદ એક ઝટકા લાગી રહ્યાં છે. ચૂંટણી પૂર્વે કોંગ્રેસના ઘણાં સમર્થકો ભાજપમાં જોડાતા કોંગ્રેસને પડતા પર પાટું જેવું સ્થિતિ સર્જાઇ રહી છે. ત્યારે તાજેતરમાં જ ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયાના ગઢમાં ગાબડું પડ્યું છે. રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ઉપાધ્યક્ષ સુભાષ માકડિયા તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.

જિલ્લા ભાજપ પ્રમુખે કેસરિયો પહેરાવી સ્વાગત કર્યું
જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયાએ તમામને કેસરિયો ખેસ પહેરાવીને પક્ષમાં વિધિવત પ્રવેશ કરાવ્યો છે. મહત્વનું છે કે સુભાષ માકડિયા લલિત વસોયાની નજીકના નેતા ગણાય છે. આ પહેલાં જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વિઠ્ઠલ હિરપરા પણ તેમના કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા હતાં.

ચૂંટણી પૂર્વે જ 219 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરિફ
અત્રે ઉલ્લેખનીય છે કે હજી તો ચૂંટણી શરૂ પણ નથી થઇ ત્યાં તો એક પછી એક કોંગ્રેસની સીટો પર ગાબડા પડવા લાગ્યા છે. તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તે પહેલાં જ રાજ્યની અનેક બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયેલો જોવા મળ્યો છે. જિલ્લા પંચાયતની 24 અને તાલુકા પંચાયતની 110 બેઠક ભાજપે બિનહરિફ જીતી લીધી છે. નગરપાલિકામાં ભાજપના 85 ઉમેદવારો બિન હરિફ થયા છે. એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન પહેલાં જ 219 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરિફ થયા છે.

સિંગરવા અને ભુવાલડી બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ રદ કરાયા હતાં
નોંધનીય છે કે, લલિત વસોયાના ગઢમાં ગાબડું પડ્યાં ઉપરાંત સોમવારના રોજ અમદાવાદ જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો. જિલ્લા પંચાયતની સિંગરવા અને ભુવાલડી બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ કરાયું હતું. સિંગરવાના ઉમેદવારના ઘરે શૌચાલય ન હોવાનો વાંધો ઉઠાવવામાં આવ્યો હતો તો ભુવાલડીના ઉમેદવારે ફોર્મમાં પક્ષનું નામ ન લખ્યું હોવાનો વાંધો ઉઠાવ્યો હતો. જેથી ભુવાલડી બેઠક પર કોંગ્રેસના બુધાજી ઠાકોરનું ફોર્મ રદ્દ કરવામાં આવતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના ફોર્મ રદ્દ થતાં સિંગરવા બેઠક પર મીનાક્ષી ચૌહાણ અને ભુવાલડી બેઠક પર ભાજપના જનક ઠાકોર બિનહરીફ થયાં.

સાબરકાંઠા જિલ્લામાં પણ કોંગ્રેસને મોટો ફટકો
બીજી બાજુ સાબરકાંઠા જિલ્લામાં પણ કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો. જિલ્લા પંચાયતના પૂર્વ કોંગ્રેસ સદસ્ય જયેશ પટેલ ભાજપમાં જોડાતા કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો હતો. જયેશ પટેલ 200 કાર્યકરોને લઈને રેલી સ્વરૂપે ભાજપ કાર્યાલય પહોંચ્યા હતાં. જ્યાં ભાજપના કાર્યકર્તાઓએ સૌ કોઇનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.
વટામણ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના કોળી સમાજના આગેવાનોએ કેસરિયો ધારણ કર્યો
આ સિવાય ધોળકાની વટામણ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના કોળી સમાજના આગેવાનો તેમજ અનેક કાર્યકરોએ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. વટામણ, જવારજ તેમજ સરગવાળા ગામના કોંગી આગેવાનો અને કાર્યકરોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી દીધો હતો. કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના આગેવાનોએ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આગેવાનોને ખેસ પહેરાવીને આવકાર્યા હતાં.
READ ALSO :
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત