રાજકોટ મહાનગરપાલિકામાં નવા મેયરની પસંદગીને લઇને કવાયત શરૂ થઇ છે. વર્તમાન મેયર ડો. જૈમન ઉપાધ્યાયનો કાર્યકાળ કાર્યકાળ પૂર્ણ થયો છે. ત્યારે હવે રોટેશમ મુજબ નવા મેયર તરીકે મહિલા નગરસેવિકાના નામની પસંદગી થવાની છે.
આગામી અઢી વર્ષ સુધી નગરપાલિકાની જવાબદારી હવે મહિલા સંભાળશે. ત્યારે રાજકોટના નવા મેયર તરીકે અનેક નામોની અટકળો અને ચર્ચાઓ શરૂ થઇ છે. રાજકોટ મહાનગરપાલિકામાં વર્તમાન બોડીના અઢી વર્ષ પૂર્ણ થવામાં છે અને બાકીના અઢી વર્ષ માટે નવા મેયરની પસંદગી થવાની છે.
સ્થાનિક સ્વરાજમાં નવા પદાધિકારી તરીકે મહિલાની ટર્મ આવી હોવાથી આ વખતે મેયરપદે મહિલા નગરસેવિકાની પસંદગી થશે. આથી આ વખતે મહિલા મેયર કોણ બનશે અને કોના શિરે શહેરના પ્રથમ નાગરિકનો તાજ મુકાશે તેને લઇને અટકળો શરૂ થઇ ગઇ છે.
રાજકોટના મેયરપદ ઉપરાંત સ્ટેન્ડિંગ પદ માટે પણ જ્ઞાતિનું ગણિત ધ્યાને લેવામાં આવશે. હાલના મેયર જૈમન ઉપાધ્યાય બ્રાહ્મણ જ્ઞાતિના છે. આથી નવા મેયર તરીકે પાટીદાર ચહેરો હોય તેવી પણ શક્યતા જોવાઇ રહી છે. તો ઓબીસીએ પણ મેયર તરીકે તેમના ઉમેદવારની પસંદગી માટે કવાયત શરૂ કરી છે. જો મેયર તરીકે પાટીદારની પસંદગી કરવામાં આવશે તો પછી સ્ટેન્ડિંગ કમિટીના પદ માટે લોહાણા જ્ઞાતિને પ્રાધાન્ય મળી શકે છે.
રાજકોટના મેયર બનવા માટે હાલ અનેક મહિલા નગરસેવિકાઓના નામ ચર્ચામાં છે. જેમાં જાગૃતિબેન ઘેડીયા, જ્યોત્સનાબેન ટીલાળા, કિરણબેન સોરઠીયા, બિનાબેન આચાર્ય, વર્ષાબેન રાણપરા અને રૂપાબેન શીલુના નામો ચર્ચામાં છે.
જો કે મેયરથી લઈને અન્ય પદાધિકારીના નામ પ્રદેશ અને કેન્દ્રીય મોવડી મંડળના નેતાઓ નક્કી કરતા હોય છે. આથી હાલમાં તો ફક્ત અનુમાનો અને કવાયતો જ ચાલી રહી છે. મહિલા નગરસેવકના નામ અને પક્ષ સાથેની વફાદારીનો હિસાબ મોવડી મંડળને મોકલી દેવામાં આવે છે. અને હવે મોવડી મંડળ નક્કી કરશે કે કોણ બનશે રાજકોટના નવા મેયર.