રાજકોટ શહેર અને જિલ્લામાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે ઉંચો જઈ રહ્યો છે. તેવામાં વધુ એક ઘટના સામે આવી. ઉપલેટા પોરબંદર રોડ પર આવેલી ક્રિષ્ના સ્કૂલમાં જીવતો બોમ્બ મળી આવ્યો હતો. એક કુરિયર મારફતે પાર્સલમાં આ બોમ્બ આવ્યો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ઉપલેટા પોરબંદર હાઇવે ઉપર આવેલી ક્રિષ્ના સ્કૂલમાં શનિવારે એક કુરીયર આવ્યું. સોમવારે મોડી સાંજે શાળા સંચાલકના નામે આવેલું પાર્સલ ખોલતાં જ લોકો ફફડી ગયા. પાર્સલ ખોલતાં જ અંદર બોમ્બ જોવા મળ્યો. જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. બોમ્બ સ્ક્વોડ બોમ્બને અવાવરૂ જગ્યાએ લઈ ગયા અને તેને ડિફ્યુઝ કરી નાંખ્યો.
બોમ્બ સ્ક્વોડ ટીમે જણાવ્યું કે બોમ્બની બનાવટમાં ૮ જીલેટીન સ્ટીક, ૯ ડિટોનેટર અને અર્થીંગ માટે ફીટ કરાયેલી બેટરી સહિતના પદાર્થો વાપરવામાં આવ્યાં હતાં. બોમ્બમાં ટાઇમર ન હતું. પરંતુ એક ખાસ સ્વીચ રાખવામાં આવી હતી. જેથી જો તે સ્વીચ દબાવવામાં આવે તો બ્લાસ્ટ થાય તે પ્રકારની ગોઠવણી કરવામાં આવી હતી.
ભૂતપુર્વ વિદ્યાર્થીના નામથી એક પાર્સલ સ્કૂલ સંચાલક કમ પ્રિન્સીપાલને મોકલવામાં આવ્યુ હતું. પરંતુ પોલીસે તપાસ કરતા તે નામનો કોઇ ભૂતપૂર્વ વિદ્યાર્થી નથી. અંગત અદાવતમાં કોઈએ આ પ્રકારનું કૃત્ય કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે પોલીસે 4 ટીમ બનાવીને આ મામલે તપાસ હાથ ધરી છે.
- સ્કૂલમાં આવ્યું મોતનું પાર્સલ
- બોમ્બની બનાવટમાં 8 જીલેટીન સ્ટીક હતાં
- 9 ડિટોનેટર અને અર્થિંગ માટે ફીટ કરાયેલી બેટરી સહિતના પદાર્થો હતાં
- બોમ્બમાં ટાઈમર ન હતું, પણ એક ખાસ સ્વીચ રાખવામાં આવી હતી
- જો તે સ્વીચ દબાવવામાં આવે તો બ્લાસ્ટ થાય તે પ્રકારની ગોઠવણી હતી