રૂ.4 કરોડનું આંધણ છતાં રાજકોટમાં 18,194 વ્યક્તિને કરડ્યા કૂતરા !

શહેરોમાં રખડતા કૂતરાનો ત્રાસ અસહ્ય બન્યો છે. રાજ્યના તમામ મહાનગરો સહિત નાના-મોટા નગરોમાં ૫ણ દરરોજ સેંકડો લોકો રખડતા કૂતરાનો ભોગ બની રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં લોકોને રખડતા કૂતરાના ત્રાસમાંથી બચાવવા માટે રૂ.4 કરોડ જેટલી માતબર રકમનું આંધણ કર્યુ હોવાછતાં કુલ 18194 લોકોને કૂતરા કરડી ગયા હોવાનું સામે આવ્યુ છે.

રાજકોટમાં ગત વર્ષ 2017 માં શહેરમાં સત્તાવાર રીતે 18194 લોકોને કૂતરા કરડી ગયા છે. તેમને અસાધ્ય અને જીવલેણ એવો હડકવાનો રોગ ન થાય તે માટે મનપા અને સરકાર દ્વારા વિનામૂલ્યે ઈન્જેક્શન અપાયા છે. અગાઉ આવા ઈન્જેક્શનો માત્ર સરકારી હોસ્પિટલોમાં અપાતા હતાં. પણ હાલ મનપાના તમામ 20 આરોગ્ય કેન્દ્રો પર આ રસી વિનામૂલ્યે અપાય છે. આ કેન્દ્રોમાં ગત વર્ષમાં 2473 વ્યક્તિઓને રસી અપાઈ હતી. જો કે મનપાના રેકોર્ડ મૂજબ ઈન્જેક્શન તો કૂલ 824 વપરાયા છે અને પ્રત્યેક ઈન્જેક્શન કીટ ચાર વ્યક્તિની સારવારમાં ચાલે છે.

રાજકોટ મનપા દ્વારા ચાલુ નાણાકીય વર્ષના 9 માસમાં માત્ર 3273 શ્વાનોનું ખસીકરણ થયું છે જે ગત વર્ષમાં 5984 નું થયું હતું. એક શ્વાન દીઠ રૂ.800 નો ખર્ચથાય છે અને આજ સુધીમાં રૂ.4 કરોડથી વધુનો ખર્ચ થઈ ગયો છે. છતાં રાજકોટના મુખ્યમાર્ગો પણ કૂતરાના ત્રાસથી મુક્ત થયા નથી. મનપા દ્વારા શ્વાનોને જ એન્ટી રેબીઝ વેક્શન મુકવાનું શરૂ કરાયું છે. જેથી શ્વાન મનુષ્યને કરડે તો પણ હડકવાની ભીતિ રહે નહીં. ચાલુ વર્ષમાં 13768 એન્ટી રેબીઝ વેક્સીનેશન કરાયાનું જણાવાયું છે. શહેરમાં દર 90 વ્યક્તિએ એક વ્યક્તિ કૂતરાનો શિકાર બને છે. જો કે લોકોની આ વેદનાને સમજવા અને અનુભવવા માટે મનપાના અધિકારી અને ૫દાધિકારી સામાન્ય લોકોની જેમ રાત્રીના સમયે રસ્તા ઉ૫ર ચાલીને કે દ્વિચક્રી વાહનમાં નિકળે તો જ ખ્યાલ આવી શકે તેમ છે !

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter