પેટ્રોલ-ડીઝલ મુદ્દે કોંગ્રેસના ‘ભારત બંધ’ પહેલા રાજસ્થાન સરકારે આ લીધો મોટો નિર્ણય

તેલની વધતી કિંમતોને લઈને કોંગ્રેસ દ્વારા સોમવારે જાહેર કરાયેલા ભારત બંધ પહેલા રાજસ્થાનની વસુંધરા રાજે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવો વધી રહ્યા છે ત્યારે રાજસ્થાન સરકારે રાજસ્થાનવાસીઓને મોટી રાહત આપી છે. રાજસ્થાનમાં ભાજપની વસુંધરા રાજે સરકારે પેટ્રોલ ડીઝલ પર ચાર ટકા વેટ ઘટાડાનો નિર્ણય કર્યો છે. જેનાથી તેલના ભાવમાં બેથી અઢી રૂપિયા સુધીની રાહત મળશે.

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે તેવા સમયે જ તેલના ભાવોમાં રાહત આપવામાં આવી છે. તો મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ સરકાર પણ રાજ્યમાં પેટ્રોલ ડીઝલ પર વેટ ઘટાડવાનો વિચાર કરી રહી છે. તો બીજી બાજુ કોંગ્રેસની પંજાબ સરકાર અને કર્ણાટકની ગઠબંધન સરકાર પણ પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડવાની વિચારી રહી છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના હિમાચલ પ્રદેશના પ્રભારી રજની પાટિલે જાણકારી આપી કે પંજાબ અને કર્ણાટકમાં પેટ્રોલ ડીઝલ ટૂંક સમયમાં જ સસ્તુ થઈ શકે છે. બંને રાજ્યોના મુખ્યપ્રધાનોને પેટ્રોલિયમ ઉત્પાદનો પર વેટ ઘટાડવા કહેવામાં આવ્યું છે.

અહીં જણાવવાનું કે તેલની વધી રહેલી કિંમતોને લઈને કેન્દ્ર સરકારનો ઘેરાવ કરવા માટે કોંગ્રેસે સોમવારે ભારત બંધની જાહેરાત કરી છે. કોંગ્રેસનો દાવો છે કે આ બંધને 21 પાર્ટીઓએ પોતાનુ સમર્થન આપ્યું છે. સોમવારે જાહેર કરાયેલ આ ભારત બંધનો સમય સવારે 9 વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધીનો રહેશે. આ દરમ્યાન દેશના અલગ-અલગ શહેરોમાં વિરોધ પ્રદર્શન યોજાશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter