ગુજરાતમાં બે સપ્તાહ કરતાં પણ ઓછા સમયગાળામાં કમોસમી વરસાદનું વધુ એક સંકટ ઘેરાયું છે. રાજ્યમાં આગામી ૧-૨ ડિસેમ્બરના અમરેલી, ભાવનગર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી એમ ૭ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ જિલ્લામાં ૪૦થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત ૮ ઈંચ સુધી વરસાદ પડી શકે છે.

ગુજરાત ભરશિયાળે ચોમાસા જેવો માહોલ
સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે ગુજરાત ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાઇ શકે છે અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડે તેની પૂરી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ૧ ડિસેમ્બરથી ૩ ડિસેમ્બર દરમિયાન રાજ્યના વાતાવરણમાં પલટો રહેશે. ૧ ડિસેમ્બરના અમદાવાદ-આણંદ-ખેડા-પંચમહાલ-દાહોદ-સુરેન્દ્રનગર-રાજકોટ-પોરબંદર-જુનાગઢ-અમરેલી-ભાવનગર-ગીર સોમનાથ-બોટાદ દીવમાં હળવો જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૃચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરા નગર હવેલી, દમણ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
કયા જિલ્લામાં ક્યારે ભારેથી અતિભારે વરસાદની આગાહી?
૧ ડિસેમ્બર : બનાસકાંઠા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૃચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરા નગર હવેલી, દમણ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ.

૨ ડિસેમ્બર: બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા.
ભારે વરસાદની શક્યતા : ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ
અમદાવાદ જિલ્લાના કેટલાક વિસ્તારમાં ૩૦ નવેમ્બરથી બે દિવસ વાદળછાયા વાતાવરણ, માવઠાની આગાહીને પગલે અમદાવાદ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને પાક સંબધિત કાળજી રાખવા માર્ગદર્શિક જાહેર કરાઇ છે,
- બીટી કપાસમાં જીંડવા ફાટેલા હોય તો કપાસની વીણી તાકીદે કરવી. કપાસને સલામત જગ્યાએ રાખવો.
- ચણા, ઘઉં, રાઇ કે અન્ય મરીમસાલા પાકમાં નવીન વાવેતર હોય તો તેવા પાકમાં વરસાદી પાણી ન ભરાય માટે ક્યારા તોડીને પાણીનો નિકાલ કરવાની યોગ્ય વ્યવસ્થા કરવી. જેથી પાણી ભરાવવાને કારણે પાક નિષ્ફળ જવાની શક્યતા નિવારી શકાય.
- કમોસમી વરસાદના સંજોગ જણાય તો શાકભાજી વગેરે ઉભા પાકમાં પિયત ટાળવું. યુરિયા જેવા રાસાયણિક ખાતરો આપવાનું ટાળવું, ઉભા પાકમાં જંતુનાશક દવાઓનો છંટકાવ પણ ટાળવો.
- ખેડૂતોએ શાકભાજી કે પોતાનો ઉત્પાદિત થયેલો પાક સલામત સ્થળે ગોડાઉનમાં રાખવો.
- એપીએમસીમાં અનાજ કે ખેતપેદાશ સુરક્ષિત રાખવા. વેચાણ માટે લઇ જવાતી ખેત પેદાશો તાડપત્રી ઢાંકીને જ લઇ જવી.
- ખેતર કે ઘરની આજુબાજુ મોટા ઝાડ હોય તો તેની છટણી અવશ્ય કરવી.
- પશુઓના ઢાળિયા, કાચા શેડ વ્યવસ્થિત રાખવા-પવનમાં ઉડે નહીં તે સુનિશ્ચિત કરવું.
આગામી ૨ ડિસેમ્બરના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદામાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. આ સિવાય રાજ્યના અનેક ભાગમા પણ વરસાદી માહોલ રહે અને હળવોથી મધ્યમ વરસાદ પડે તેની પૂરી સંભાવના છે. ખેડૂતો દ્વારા હજુ રવિ પાકનું વાવેતર શરૃ કરવામાં આવ્યું છે ત્યાં વરસાદની આગાહીને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે અમરેલી, ભાવનગર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં ૪ થી ઈંચ સુધી વરસાદ પડી શકે છે. આ સિવાય જ્યાં ભારે વરસાદની આગાહી છે ત્યાં ૨ થી ૪ ઈંચ સુધી વરસાદ પડે તેની સંભાવના છે.

વાતાવરણમાં પલટો આવવાને લીધે રાજ્યભરમાં આગામી ૩ દિવસ કડકડતી ઠંડી પડવાની સંભાવના છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં ૩-૪ દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો વધારો થઇ શકે છે. અમદાવાદમાં આવતીકાલે વાદળછાયું વાતાવરણ રહેશે જ્યારે ૧-૨ ડિસેમ્બરના હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. અમદાવાદમાં આગામી ૩ દિવસ લઘુતમ તાપમાન ૨૦ ડિગ્રીની આસપાસ રહે તેની સંભાવના છે.
READ ALSO
- રખડતા પશુઓ / ચાલુ વર્ષે ૧૪૮૯૯ રખડતાં ઢોર પકડી ૧.૪ કરોડનો વસૂલાયો દંડ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર
- ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ
- સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ
- ઇસુદાન ગઢવીએ ધ્રોલમાં આપઘાત કરનારા ખેડૂતના પરિવારજનો સાથે કરી મુલાકાત, આર્થિક સહાય કરવા સરકાર પાસે કરી માંગ
- પ્રેમ કહાનીનો ભયાનક અંત:વલસાડમાં પ્રેમિકાની ગળું દબાવી હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ તળાવમાં ઝંપલાવી જિંદગી ટુંકાવી