ગાંધીનગરના રેલવેસ્ટેશને બનશે થિયેટર અને ફાઇવસ્ટાર હોટલ, સરકાર 250 કરોડ ખર્ચશે

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં બની રહેલા અદ્યતન રેલ્વેસ્ટેશન અને ફાઇવસ્ટાર હોટલની સાથે મલ્ટીપ્લેક્સ અને શોપિંગ સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે. ફાઇવસ્ટાર હોટલની ઉંચાઇ 65 મીટરની છે. રેલ્વે ડિપાર્ટમેન્ટે મસ્ટીપ્લેક્સ અને શોપિંગ સેન્ટર માટે મુંબઇની કંપનીઓ સાથે સંપર્ક શરૂ કર્યો છે. રાજ્યના ઉદ્યોગ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે મહાત્મા મંદિર પાસે રેલ્વેસ્ટેશન અને ફાઇવસ્ટાર હોટલ આગામી વર્ષે શરૂ કરવાનો ઇરાદો છે પરંતુ આ સાથે કોમર્શિયલ ઝોનમાં છ સ્ક્રીન સાથેનું મલ્ટીપ્લેક્સ થિયેટર અને શોપિંગ સેન્ટર બનાવવાનો પ્લાન છે. આ શોપિંગ સેન્ટરમાં એરપોર્ટની જેમ બ્રાન્ડેડ કંપનીઓના સ્ટોલ ઉભા કરવામાં આવશે.

રેલ્વેસ્ટેશનના અપગ્રેડેશનનો 250 કરોડનો પ્રોજેક્ટ

મહાત્મા મંદિરમાં વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ થવાની છે અને દર બે વર્ષે આ સમિટ થાય છે ત્યારે ડેલિગેટ્સ માટે ફાઇવ સ્ટાર હોટલ સાથે મનોરંજન અને શોપિંગના સ્ટોલ પણ ઉભા કરવામાં આવશે જે કાયમી હશે. ગાંધીનગરના રેલ્વેસ્ટેશનના અપગ્રેડેશનનો 250 કરોડનો પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર સાકાર કરી રહી છે. આ પ્રોજેક્ટ ગુજરાત વિધાનસભા અને સચિવાલયના સમાંતર માર્ગે છે તેથી બિઝનેસ હબ બની શકે છે.

રેલ્વેસ્ટેશનને આંતરરાષ્ટ્રીય સ્તરનું બનાવવામાં આવશે

મુસાફરો માટે રેલ્વેસ્ટેશન પર વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવનાર છે. આ રેલ્વેસ્ટેશનને આંતરરાષ્ટ્રીય સ્તરનું બનાવવામાં આવશે. તેની પાસે બિલીપત્રના આકારની ફાઇવસ્ટાર હોટલ પણ બની રહી છે. રેલ્વેટ્રેક પર 105 મીટર પહોળું ફ્રેમ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે જેમાં સપોર્ટ નથી પરંતુ કોલમના આધારે ઉભું છે જેની ઉપર સ્વીમિંગ પુલ સહિત 300 રૂમની ફાઇવસ્ટાર હોટલ બની રહી છે. આ હોટલ છ, આઠ અને દસ માળની હશે.

કુલ ત્રણ ટાવર બનાવવામાં આવ્યા છે. જમીનથી તેની ઉંચાઇ 65 મીટરની છે. આ હોટલને મહાત્મા મંદિરની ઇમારત સાથે જોડવામાં આવી છે જેનું સંચાલન ભારત અને ગુજરાત સરકાર એમ સંયુક્ત રીતે કરી રહી છે. સૂત્રો કહે છે કે હોટલની સાથે મલ્ટીપ્લેક્સ અને શોપિંગ સેન્ટર 2019ના અંત સુધીમાં તૈયાર થઇ જશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter