‘આમિર’, ‘નો વન કિલ્ડ જેસિકા’ જેવી હટકે ફિલ્મો ડાયરેક્ટ કરી ચુકેલા ડાયરેક્ટર રાજકુમાર ગુપ્તાએ આ વખતે 80ના દશકમાં થયેલી ભારતની સૌથી મોટી ઇનકમટેક્સની રેડ પર ફિલ્મ ‘રેડ’ લઇને આવ્યાં છે. જેમાં અજય દેવગણ અને ઇલિયાના ડિક્રુઝ લીડ રોલમાં છે. ચાલો તમને જણાવીએ કે આ ફિલ્મ કેવી છે અને કયા છે તેને નબળા પાસા.
સ્ટોરી
આ ફિલ્મની સ્ટોરી 1981ના લખનૌ, ઉત્તરપ્રદેશની છે. અહી આવકવેરા વિભાગમાં ઑફિસર અમય પટનાયક (અજય દેવગણ)ની ટ્રાન્સફર થઇ જાય છે. તે પોતાની પત્ની માલિની પટનાયક (ઇલિયાના ડિક્રુઝ) સાથે અહી આવે છે. ડિપાર્ટમેન્ટમાં તેની અંડર લલ્લન (અમિત સયાલ) અને અન્ય લોકો કામ કરે છે. જ્યારે અમયને જાણ થાય છે કે રામેશ્વર સિંગ ઉર્ફ તાઉજી (સૌરભ શુક્લા)એ પોતાના ઘરમાં ઢગલો રૂપિયા છુપાવ્યા છે તો તે પોતાની ટીમ લઇને તેના ઘરે દરોડા પાડવા માટે જાય છે. તે પછી ફિલ્મમાં જબરદસ્ત ટ્વિસ્ટ અને ટર્ન્સ આવે છે અને એક પછી એક નવી ઘટનાઓનો પર્દાફાશ થાય છે.
શા માટે જોશો ફિલ્મ
ફિલ્મની સ્ટોરી જબરદસ્ત છે અને રાજકુમાર ગુપ્તાએ રિતેશ શાહ સાથે મળીને જે સ્ક્રીનપ્લે લખ્યો છે તે ખૂબ જ સુંદર છે. ફિલ્મના ડાયલૉગ્સની વાત કરીએ તો રિતેશ શાહે ડાયલૉગ્સ લખ્યા છે અને તેના માટે તેની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. ફિલ્મનું કેમેરાવર્ક જબરદસ્ત છે. રાજકુમારના ડાયરેક્શનની સાથે એડિટિંગ પણ એકદમ શાર્પ છે.
ફિલ્મના એક્ટર્સની વાત કરીએ તો અજય દેવગણ હંમેશાની જેમ ફિલ્મમાં છવાઇ જાય છે. અજયની એક્ટિંગ જ ફિલ્મ જોવા માટેનું મુખ્ય કારણ કહી શકાય. સાથે જ પ્રામાણિક અધિકારીની સામે શક્તિશાળી નેતા તરીકે સૌરભ શુક્લાએ પરી એક વાર પોતાના અભિનય દ્વારા સાબિત કરી દીધુ છે કે શા માટે તેમને એક ઉમદા અભિનેતા કહેવામાં આવે છે. અજયના સહાયક લલ્લન સુધીરનું પાત્ર ફિલ્મમાં કૉમેડી દ્વારા ફિલ્મને હળવી બનાવવાનો પ્રયાસ કરે છે. સાનંદ વર્મા, ગાયત્રી અય્યર અને સાથે જ દાદીજીના પાત્રમાં 85 વર્ષીય પુષ્પા સિંહનો અભિનય પણ પ્રશંસાને પાત્ર છે.
ફિલ્મના નબળા પાસા
ફિલ્મને વધુ સારુ મ્યુઝીક આપી શકાયુ હોત. ફિલ્મના ગીતો પણ હજુ સુધી એટલા ફેમસ થયા નથી.
બોક્સઑફિસ
ફિલ્મનું બજેટ 35 કરોડનું છે અને વીકેન્ડ પર ફિલ્મ સારી કમાણી કરી શકે તેમ છે.