કોંગ્રેસ નેતા અને વાયનાડના લોકસભા સાંસદ રાહુલ ગાંધીએ ચૂંટણી રેલી દરમિયાન મોદી જાતિ અંગે વાંધાજનક ટીપ્પણી મામલે સુરતની કોર્ટમાં છેલ્લા 4 વર્ષથી માનહાનિનો કેસ ચાલતો હતો. જેમાં ગઈ કાલે નામદાર કોર્ટે 2 વર્ષની સજા ફટકારતાં કાયદાકીય રીતે તેમનું લોકસભા સાંસદ પદ રદ થઈ શકે છે. કાયદાના નિષ્ણાતો અનુસાર જનપ્રતિનિધિ કાયદાની કલમ 8(3) હેઠળ જોગવાઈ છે કે જો કોઈ પણ ધારાસભ્ય કે સાંસદને 2 વર્ષ કે તેનાથી વધુની સજા થાય તો તેમનું સભ્યપદ તાત્કાલિક અસરથી છીનવાઈ જાય છે.

કોર્ટ દ્વારા સજાને એક મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી
રાહુલ ગાંધીને સુરતની કોર્ટ દ્વારા સજાને એક મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવી છે અને ઉપરી અદાલતમાં અપીલ દાખલ કરવાની તક આપવામાં આવી છે. તેમ છતાં કાયદાના જાણકારો કહે છે કે રાહુલ ગાંધીને સજામાં એક મહિના મુદ્દત મળવા છતાં સભ્યપદ નહીં બચાવી શકે. નિષ્ણાતો અનુસાર રાહુલ ગાંધી પાસે સભ્યપદ બચાવવાનો છેલ્લો રસ્તો હવે કોર્ટ જ છે.
જાણકારો શું કહે છે?
ચૂંટણીપંચ સાથે આવા મામલે કામ કરી ચૂકેલા કાયદાના જાણકારો કહે છે કે રાહુલ ગાંધી પાસે સભ્યપદ બચાવવાનો ફક્ત એ જ વિકલ્પ છે કે ટ્રાયલ કોર્ટ આ સજાને ઘટાડીને ઓછી કરી દે અથવા માફ કરી દે. આ ઉપરાંત જો ઉપલી અદાલત સજાને ખતમ કરી દે કે પછી સજાને ઘટાડી દે તો જ તેમને રાહત મળી શકે છે. સ્પષ્ટ છે કે રાહુલ ગાંધીને જે પીડા કોર્ટના ચુકાદાએ આપી છે તેની સારવાર પણ કોર્ટ જ કરી શકશે.
સાંસદ મોહમ્મદ ફૈઝલના કેસમાં શું થયું હતું?
તાજેતરમાં લક્ષદ્વીપના સાંસદ મોહમ્મદ ફૈઝલનો કેસ સામે આવ્યો હતો. આ મામલે તેમનું સભ્યપદ છીનવાઈ ગયું હતું અને તેમની સીટને લોકસભા સચિવાલયે ખાલી જાહેર કરી હતી. તેમને હત્યાના પ્રયાસ મામલે જાન્યુઆરીમાં સજા થઈ હતી. તેના પછી ચૂંટણીપંચે તેમની સીટ પર પેટાચૂંટણીનો આદેશ આપ્યો હતો પણ પછી હાઇકોર્ટે તેમની સજા પર સ્ટે આપી દીધો હતો. જેનાથી તેમનું સભ્યપદ બહાલ થયું અને ચૂંટણીપંચે પેટાચૂંટણીની નોટિફિકેશન પાછી ખેંચી હતી.
સુપ્રીમકોર્ટના એક ચુકાદાથી કાયદો કડક બન્યો
ખરેખર જુલાઈ 2013માં સુપ્રીમકોર્ટના ચુકાદા બાદ જનપ્રતિનિધિત્વ કાયદો કડક બનાવી દેવાયો હતો. પહેલા નિયમ હતો કે કોઈ સાંસદ કે ધારાસભ્ય બે વર્ષ કે તેનાથી વધારે જેલની સજા પામે તો તેમને ૩ મહિનાનો સમય અપીલ કરવા માટે અપાતો હતો. પછી એ અપીલ પર કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી સભ્યપદ જળવાઈ રહે. આ નિયમ હેઠળ નવજોત સિંહ સિદ્ધુને 2007માં રાહત મળી હતી જ્યારે તેમને ત્રણ વર્ષની સજા બિનઈરાદાપૂર્વક હત્યા મામલે સંભળાવાઈ હતી. પણ સુપ્રીમકોર્ટે આ નિયમને ખોટો ઠેરવતા 10 જુલાઈ, 2013ના રોજ તેના એક ચુકાદાથી તેને રદ કરી દીધો હતો.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો