- રાહુલના પત્નીએ માધ્યમો સમક્ષ ગંભીર આક્ષેપો કરતાં કહ્યું કે કાશ્મીરી પંડિતોને બલિના બકરાની જેમ ધરી દેવામાં આવે છે
- પુનર્વસન પેકેજ અંતર્ગત નોકરી કરવા આવેલા કાશ્મીરી પંડિતોનો આક્ષેપ છે કે તેમને સલામતી કે સુરક્ષાની કોઈ જોગવાઈ આપવામાં આવતી નથી
બહુચર્ચિત હિન્દી ફિલ્મ ‘કાશ્મીર ફાઈલ્સ’ પછી ફરીથી બે કારણોસર કાશ્મીર ટોકિંગ પોઈન્ટ છે. પહેલું કારણ છે સંતુરવાદક શિવકુમાર શર્માનું જૈફ વયે થયેલું નિધન, જેમણે પરંપરાગત કાશ્મીરી વાદ્યને વિશ્વભરમાં લોકપ્રિય બનાવ્યું હતું. બીજું કારણ છે કાશ્મીરના સરકારી અધિકારી અને મૂળ કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યા, જેણે કાશ્મીર ઉપરાંત સમગ્ર ભારતમાં આક્રોશ જગાવ્યો છે અને અલગતાવાદી પરિબળો સામે કડક હાથે કામ લેવાતું હોવાના દાવા સામે પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. કલમ 370 હટાવ્યા પછી, જાણે આ એક જ પરિબળ કાશ્મીરની સમસ્યાના મૂળમાં હોય એ પ્રકારે, હવે અમન અને એખલાસ અને વિકાસના દ્વાર ખુલી જશે એવા ભરચક દાવાઓ થતાં હતા. તેની સામે વાસ્તવિકતા એ છે કે છેલ્લાં છ મહિનામાં કાશ્મીરી પંડિત સમુદાયના આ ત્રીજા વ્યક્તિની હત્યા થઈ છે. અલબત્ત, દરેક કિસ્સામાં હત્યારાઓને ત્વરિત દંડ અપાયો છે, પરંતુ દંડ અપાય એ પૂરતું નથી. હત્યાઓ કેમ અટકતી નથી અને અહીં શાસનનો ખોફ કેમ ઊભો નથી થતો એ પાયાનો સવાલ છે.

સરકારી દાવાઓ પોકળ
કાશ્મીરના મૂળ નિવાસી અને વતન છોડવા મજબૂર થયેલા કાશ્મીરી પંડિતોને તેમનાં વતનમાં પુનઃ વસાવવાના ભાગરૂપે કેન્દ્ર સરકારે વિવિધ યોજનાઓ લાગુ કરેલી છે. એ પૈકી રાહુલ ભટ્ટ છેલ્લાં દસ વર્ષથી સ્થાનિક પ્રશાસનમાં તાલુકા વિકાસ અધિકારી સમકક્ષ ઓફિસમાં કાર્યરત હતા. છેલ્લાં છ મહિનામાં થયેલી આ ત્રીજા કાશ્મીરી પંડિતની હત્યા છે. અગાઉ ગત ઓક્ટોબરમાં પાંચ જ દિવસમાં સાત લોકોની હત્યા થઈ હતી જેમાં એક સીખ અને બે પ્રવાસીઓ સામેલ હતા. આ દરેક હત્યાઓની મોડસ ઓપરેન્ડી અને ઈરાદો સ્પષ્ટ છે. કાશ્મીરમાં પ્રવાસીઓ પણ ન જોઈએ અને મૂળનિવાસીઓ પણ ન જોઈએ. સરકારની મન્શા અને પ્રયાસો સામેનો આ સીધો વિદ્રોહ છે જેને કોઈ કાળે ચલાવી શકાય નહિ. કલમ 370 હટાવ્યાને ત્રણ વર્ષ થવા આવ્યા છે અને કાશ્મીરમાં સ્થિતિ સુધરી હોવા અંગે સરકાર જોરશોરથી દાવા કરી રહી છે ત્યારે નિર્દોષ નાગરિકોની હત્યાઓ માટે જવાબદાર કોણ છે? હજુ પણ આતંકવાદીઓ કોના જોરે સક્રિય રહી શકે છે? આ સવાલોનો તાગ મેળવવો જરૂરી છે.

રાહુલની પત્નીએ કહ્યુઃ અમે બલિના બકરા છીએ
ઉલ્લેખનીય છે કે રાહુલ ભટ્ટને UPA સરકારના બીજી ટર્મના કાર્યકાળ દરમિયાન પ્રધાનમંત્રી પુનર્વસન પેકેજ અંતર્ગત શ્રીનગર નજીક બડગામ ખાતે નોકરી મળી હતી. આ પેકેજની પ્રાથમિક શરત એ હતી કે મૂળ નિવાસી પંડિતોની સુરક્ષા માટે તેમને આંતરિયાળ વિસ્તારોમાં ક્યાંય પોસ્ટિંગ આપવામાં ન આવે. રાહુલ ભટ્ટની પત્ની મિનાક્ષીએ પતિની હત્યા બાદ મીડિયા સમક્ષ આપેલ નિવેદન અનુસાર, બડગામ શ્રીનગરની ભાગોળે આવેલું હોવાથી અહીં રાહુલ પોતાને સુરક્ષિત માનતા હતા પરંતુ બે વર્ષ પહેલાં તેમની બદલી દૂરના સ્થળે કરી દેવામાં આવી હતી. આ સ્થળ બિલકુલ અસુરક્ષિત હોવા અંગે રાહુલ પોતાના વિભાગને ત્રણ વખત લેખિત ફરિયાદ કરી ચૂક્યા હતા. મિનાક્ષીએ કરેલ આક્ષેપ અનુસાર હત્યાના સ્થળે એક પણ ચોકીદાર કે સુરક્ષા કર્મી સુદ્ધાં ન હતા જેને લીધે ધોળે દિવસે આતંકવાદીઓ બેહિચક રાહુલ ભટ્ટની હત્યાને અંજામ આપી શક્યા હતા. મિનાક્ષી ભટ્ટે તો કાશ્મીરી પંડિતોને બલિના બકરાની માફક ધરી દેતાં હોવાનો બેહદ ગંભીર આક્ષેપ પણ કરી દીધો છે જે કેન્દ્ર સરકારની ક્ષમતા, ઈરાદા અને પ્રયાસોની ઈચ્છાશક્તિ સામે બહુ અણિયાળા સવાલો ખડા કરે છે.

રાહુલ ભટ્ટની હત્યા અને મિનાક્ષી ભટ્ટના બેબાક આક્ષેપો પછી સ્થાનિક હિન્દુઓમાં મોટા પાયે આક્રોશ ફેલાયો અને મોટી સંખ્યામાં રેલી નીકળી જેમાં પુનર્વસન પેકેજ અંતર્ગત ખીણ વિસ્તારમાં નોકરીમાં જોડાયેલા કાશ્મીરી પંડિતોની સંખ્યા સવિશેષ હતી. સુરક્ષા વ્યવસ્થામાં સરેઆમ બેદરકારી સામે તેમનો આક્રોશ એટલો બુલંદ હતો કે પોલીસે તેમને વિખેરવા બળપ્રયોગ કરવો પડ્યો, જે સરવાળે આક્રોશને વકરાવવામાં નિમિત્ત બન્યો. રાહુલની હત્યા પછી આતંકવાદીઓને ઢાળી દેવાયા હોવાનો સૈન્ય દ્વારા દાવો કરવામાં આવ્યો છે પરંતુ પાયાનો સવાલ એ ખડો થાય છે કે શા માટે નિર્દોષોની હત્યા પછી જ આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી થાય છે? શા માટે આતંકવાદીઓ હજુ ય બેખૌફ છે અને ધોળે દહાડે સરકારી કચેરીમાં જઈને, નામ પૂછીને લમણે ગન તાકીને ઘોડો દબાવવાની હિંમત કરી શકે છે? શું આ જમ્મુ-કાશ્મીર પ્રશાસનની નબળાઈ નથી? શું કેન્દ્ર સરકાર આ રીતે કાશ્મીરી પંડિતોનું અહીં પુનર્વસન કરવા માંગે છે?
દોષની આંગળી ચિંધવી સહેલી છે પણ…
મિનાક્ષી ભટ્ટના મીડિયામાં રેકોર્ડ થયેલ બયાન ઉપરાંત રેલીમાં સામેલ અનેક સરકારી કર્મીઓએ પણ કહ્યું કે પુનર્વસન પેકેજ અંતર્ગત આવેલા કાશ્મીરી પંડિતોની સલામતી માટે કોઈ સુરક્ષા વ્યવસ્થા નથી. દૂરના વિસ્તારોમાં બદલી ન કરવાનો નિયમ હોવા છતાં સરેઆમ તેનું ઉલ્લંઘન થતું રહે છે. સુરક્ષાનો ડર હોવા અંગે અમે અરજી કરીએ તો પણ કોઈ ધ્યાન આપતું નથી. ખુદ રાહુલ ત્રણ વખત આવી અરજી કરી ચૂક્યા હતા. આ દરેક આક્ષેપો જમ્મુ-કાશ્મીર પ્રશાસન સામે ગંભીર આંગળી ચિંધે છે. કાશ્મીર ફાઈલ્સ ફિલ્મના નામે પંડિતોના ગોઝારા હત્યાકાંડને આગળ કરીને સત્તાધારી ભાજપે જોરશોરથી સહાનુભૂતિ તો ઉઘરાવી લીધી. એ ઘટનાક્રમ વખતે પોતે જ કેન્દ્ર સરકારને ટેકો આપ્યો હતો એ વાત પણ સિફતપૂર્વક ચાતરી લીધી પરંતુ હાલ થઈ રહેલી હત્યાઓ સામુહિક હત્યાકાંડ નથી, પરંતુ છુટકપુટક ઘટનાઓ છે ફક્ત એ કારણથી એને નજરઅંદાજ કરી શકાય? ફક્ત એકલદોકલ હત્યા છે એટલે શું સરકારની કશી જવાબદારી બનતી નથી? કે પછી મિનાક્ષી ભટ્ટે કહ્યું તેમ, કાશ્મીરી પંડિતોને બલિના બકરા જ સમજવામાં આવે છે?
Read Also
- લોકસેવા કરનારા પૂર્વ ધારાસભ્ય બીપીએલ કાર્ડ પર જીવન ગુજારે છે, વાંચો આ માજી ધારાસભ્યની ખુમારી વિશે
- મોટા સમાચારઃ મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે પણ પેટ્રોલ- ડીઝલ પર ઘટાડ્યો વેટ, ભાજપ શાસિત રાજ્યો ક્યારે ઘટાડશે ભાવ ?
- ગાંધીનગરના કોબા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જિનાલયમાં અલૌકિક ખગોળીય ઘટના
- કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ
- સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ