મહિલા નેતાએ કહ્યું કે, મુલાયમ સિંહની ઊંમર થઈ ગઈ છે એટલે શું બોલે છે એનું ભાન નથી!

સમાજવાદી પાર્ટીના સંરક્ષક અને સંસ્થાપક મુલાયમ સિંહ યાદવે ૧૬મી લોકસભાના વિદાય પ્રવચન વખતે નરેન્દ્ર મોદીને ફરીથી વડાપ્રધાન બનવાની શુભેચ્છા પાઠવી હતી. તેમના આ નિવેદનને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જામી છે.  બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાજદ નેતા રાબડી દેવીએ મુલાયમ સિંહના આ નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે મુલાયમ સિંહની હવે ઉંમર થઈ ગઈ છે અને તેમને કઈ જગ્યાએ શું બોલી રહ્યા છે તેનું ભાન નથી રહેતું માટે આવા નિવેદનનું કોઈ જ મહત્વ નથી રહ્યું. 

સદનમાં ઉપસ્થિત સદસ્યોને ફરીથી જીતવાની શુભેચ્છા પાઠવી

ઉલ્લેખનીય છે કે બુધવારે લોકસભામાં મુલાયમ સિંહે નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બને તેવી ઇચ્છા વ્યક્ત કરીને સદનમાં ઉપસ્થિત સદસ્યોને ફરીથી જીતવાની શુભેચ્છા પાઠવી હતી. મુલાયમ સિંહના આ નિવેદનને લઇને અનેક રાજકીય પ્રતિક્રિયાઓ મળી રહી છે. પરંતુ નવાઈની વાત એ છે કે સદનની બહાર નીકળીને તરત જ મુલાયમ સિંહે પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મજબૂત ટક્કર આપશે તેમ જણાવ્યુ હતું. 

ભાજપના કાર્યકરોએ જય શ્રી રામના નારા બોલાવ્યા

મુલાયમ સિંહના આ નિવેદન અંગે તેમના દીકરા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કોઈ પ્રતિક્રિયા નથી આપી જ્યારે સપાના પ્રમુખ નેતાઓ પૈકીના એક રામગોપાલ યાદવે આ અંગે ટિપ્પણી કરવાની મનાઈ કરી દીધી હતી.  સપા સંરક્ષક મુલાયમ સિંહના આ નિવેદન બાદ પીએમ મોદીએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ નિવેદન બાદ સદનમાં હાસ્યનું મોજું ફરી વળ્યુ હતું અને ભાજપના કાર્યકરોએ જય શ્રી રામના નારા બોલાવ્યા હતા. મુલાયમ સિંહના પૂર્વ સાથી અમર સિંહે આ બયાન અંગે સવાલ ઉઠાવીને આ નિવેદન રેત ખનન કૌભાંડમાંથી બચવા માટે અપાયુ હોવાની શંકા વ્યક્ત કરી હતી.

મુલાયમ સિંહે પોતાની મરજીથી ન આપ્યું હોવાનો મત દર્શાવ્યો

 જ્યારે મુલાયમ સિંહના ખાસ ગણાતા આઝમ ખાને પોતાને આ નિવેદનથી દુખ થયુ હોવાનું જણાવ્યું અને સાથે જ આ બયાન મુલાયમ સિંહે પોતાની મરજીથી ન આપ્યું હોવાનો મત દર્શાવ્યો. બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ મુલાયમ સિંહ યાદવના નિવેદનથી અસહમતી દર્શાવી હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter