પંજાબ પોલીસની ઈન્ટેલિજન્સ વિંગે એક એલર્ટ જાહેર કર્યું છે. આ એલર્ટ પ્રમાણે આતંકવાદી સંગઠન તહરીક-એ-આઝાદી, જમ્મુ-કાશ્મીરની સ્ટૂડન્ટ વિંગ અને અલ મોહમ્મદિયા સ્ટૂડેન્ટ્સના આતંકવાદીઓને અંડરવોટર ટ્રેનિંગ આપવામાં આવી છે. આ આતંકવાદીઓને જળમાર્ગથી ભારતની સરહદમાં મોકલીને કોઈ મોટી આતંકવાદી ઘટનાને અંજામ આપવા માટે મોકલવામાં આવ્યા છે.
આ આતંકવાદીઓને ભારતની નદીઓમાં બનેલા મહત્વપૂર્ણ ડેમ, હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ, અન્ય વીજ પ્રોજેક્ટ્સ અને નદીઓના કિનારાઓની નજીક આવેલા સૈન્ય તાલીમ કેન્દ્રોના કેમ્પસને પણ ટાર્ગેટ બનાવવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ આતંકવાદીઓને પાણીમાં કલાકો સુધી રહેવા માટે કેટલાક ખાસ પ્રકારના ઉપકરણો પણ આપવામાં આવ્યા છે. તેની મદદથી તેઓ નદીઓની લાંબી વોટર ચેનલ્સ અને પાણીની અંદર કલાકો સુધી રહી શકે છે.
પંજાબ પોલીસે પોતાના એલર્ટમાં તમામ રેન્જ આઈજી અને ડીઆઈજીઓને પોતપોતાના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત-દુરસ્ત કરવાના નિર્દેશો આપ્યા છે. આ એલર્ટ બાદ પંજાબની નદીઓ અને ભાખડા-નાંગલ સહીતના અન્ય ડેમોના વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.