GSTV
India ટોપ સ્ટોરી

પોંડિચેરીના મુખ્યમંત્રીના રાજ્યપાલ કિરણ બેદીના ઘર સામે આ કારણોથી કર્યા ધરણા

પોંડિચેરીના મુખ્યમંત્રી વી નારાયણસામીએ પોતાના પાંચ મંત્રીઓ સાથે ગુરુવારે પણ રાજ્યપાલના સત્તાવાર નિવાસ રાજભવનની બહાર ધરણા પ્રદર્શન ચાલુ રાખ્યુ હતું. બુધવારે રાત્રિના સમયે પણ નારાયણસામી કેબિનેટ મંત્રીઓ સાથે રાજભવનની બહાર બેસી રહ્યા હતા અને રોડ પર સૂતા હતા. 

નારાયણસામીના જણાવ્યા મુજબ કિરણ બેદીએ મફતમાં ચોખા વિતરણ સહિતની ૩૯ સરકારી યોજનાઓને અટકાવી રાખી છે. બુધવારે રાજભવનના બહાર કાળો શર્ટ અને કાળી ધોતી પહેરીને તેઓ ધરણા પર બેઠા હતા. રાજ્યપાલ કિરણ બેદી લોકકલ્યાણની યોજનાઓને લાગુ કરવા મંજૂરી નથી આપતા અને સરકારના રોજિંદા કામોમાં પણ દખલ કરે છે તેવા આક્ષેપ સાથે નારાયણસામી ધરણા પર બેઠા છે. 

નારાયણસામીએ એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે કિરણ બેદી પાસે પોતાનો કોઈ જ પાવર નથી. તેઓ મંત્રીઓએ મોકલેલા દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવા માટે જ છે. તેમના પાસે કેબિનેટના નિર્ણયોને રોકવાનો કોઈ હક નથી તેમ છતા તેઓ અમારા નિર્ણયોને નામંજૂર કરી રહ્યા છે. હકીકતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને અમારી સરકારના કામોમાં અવરોધ લાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. 

એક કાર્યક્રમમાં સહભાગી બનવા માટે કિરણ બેદી ગુરુવારે સવારે ચેન્નાઈ ગયા હતા અને ત્યાંથી તેઓ દિલ્હી જવા રવાના થાય તેવી શક્યતા જણાઈ રહી છે. 

મુખ્યમંત્રી નારાયણસામીના ધરણાને અનુલક્ષીને કિરણ બેદીએ ઉગ્ર પ્રતિભાવ દર્શાવતો પત્ર મોકલ્યો છે જેમાં નારાયણસામીના ધરણાને ગેરકાનૂની ગણાવ્યા છે. પત્રમાં લખ્યું છે કે ૭ ફેબુ્રઆરીએ તમે લખેલા પત્ર અંગે મારા પ્રતિસાદની રાહ જોવાને બદલે તમે રાજભવનની બહાર ધરણા પર બેસીને ગેરકાનૂની રીતે જવાબ આપવા માંગ કરી રહ્યા છો.

વધુમાં મુખ્યમંત્રીને હાથોહાથ પહોંચાડાયેલા આ પત્રમાં લખ્યું છે કે તમારા જેવો દરજ્જો ધરાવતી કોઈ વ્યક્તિ આ રીતે પહેલી વખત આમ ધરણા પર બેઠી હશે. તેમણે જણાવ્યા મુજબ મુખ્યમંત્રીએ પોતાના પત્રમાં ૧૩ ફેબુ્રઆરી સુધીમાં જવાબ નહીં મળે તો પોતે મંત્રીઓ સાથે ધરણા પર બેસશે તેવું નહોતું જણાવ્યું. આ પત્રની કોપી તેમણે વ્હોટ્સએપના માધ્યમથી પત્રકારો સુધી પણ પહોંચાડી હતી. 

કિરણ બેદીએ આ અંગે વિગતવાર ચર્ચા કરવા માટે નારાયણસામીને ૨૧મી ફેબુઆરીએ રાજભવનમાં નિમંત્ર્યા છે. તેમણે નારાયણસામીએ પત્રમાં દર્શાવેલા તમામ મુદ્દે તપાસની આવશ્યકતા હોવાનું સૂચવીને રાજભવનમાં કોઈ નિર્ણય પેન્ડિંગ નથી તેમ જણાવ્યું. 

પોંડિચેરી વિધાનસભાના સ્પીકર વી વૈથીલિંગમ પણ સાંજના સમયે ધરણા સ્થળે પહોંચ્યા હતા. આ અંગે નારાયણસામીએ પત્રકારોને જણાવ્યું કે તેઓ તેમના શાંતિપૂર્ણ વિરોધને પ્રોત્સાહિત કરવા આવ્યા હતા. ધરણાના સ્થળ પર મુખ્યમંત્રી પોતાની સત્તાવાર ફાઇલોનું કામકાજ કરતા જોવા મળ્યા હતા. 

રાજ્યપાલની સત્તાવાર ઓફિસ કમ નિવાસ એવા રાજભવનની બહાર કોંગ્રેસ અને ડીએમકેના ધારાસભ્યો પણ ધરણામાં જોડાયા હતા. રાજભવનમાં અનેક લોકકલ્યાણની ફાઇલો રોકાયેલી હોવાના આક્ષેપ સાથે તે સૌએ કાળા શર્ટમાં વિરોધ દર્શાવ્યો હતો. 

થોડા દિવસ પહેલા કિરણ બેદીએ ટુ વ્હીલર ચલાવનારાઓ માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરવા કહ્યુ હતું. જ્યારે સરકારના મતે આ અંગે પહેલા લોકોમાં જાગૃતતા ફેલાવવાની જરુર છે અને ત્યારબાદ વિવિધ ચરણોમાં આ નિયમ લાગુ કરવો જોઈએ.

કિરણ બેદીના મતે હેલ્મેટ ન પહેરવું તે અદાલતની અવમાનના કહેવાય કારણ કે સુપ્રીમ અને હાઇકોર્ટ દ્વારા હેલ્મેટ પહેરવા અંગે આદેશ અપાયા છે. તેમણે રોડ પર ઉભા રહીને વાહનચાલકોને હેલ્મેટ ન પહેરવા અંગે સવાલ કર્યા હતા જેના વિરોધમાં સત્તાધારી પાર્ટીના ધારાસભ્યોએ હેલ્મેટ તોડીને દેખાવ કર્યા હતા. 

Related posts

મોટા સમાચાર / કેન્દ્ર સરકાર બાદ કેરળ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડ્યો વેટ

Zainul Ansari

IPL 2022 / મુંબઈ ઈન્ડિયન્સે જતા જતા દિલ્હીનો ખેલ બગાડ્યો, પ્લેઓફની ચાર ટીમો ફાઈનલ

Hardik Hingu

તેમાં ઘમંડ નથી, આત્મવિશ્વાસ છે : રાહુલના આક્ષેપોનો જયશંકરનો જવાબ

GSTV Web Desk
GSTV