GSTV

અમદાવાદના નાગરિકો પર મ્યુ. પ્રોપર્ટી અને વ્હીકલ ટેક્સનો 244 કરોડનો આકરો કરબોજ ઝીંકાયો

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનું વર્ષ 2020-2021નું ઝાકઝમાળવાળું રૂ. 5014 કરોડના વિકાસ કામો સાથેનું રૂ. 8907.32 કરોડનું બજેટ આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની ખાસ બેઠકમાં કમિશનર વિજય નહેરાએ રજુ કર્યું હતું.

જો કે પ્રોપર્ટી ટેક્સમાં કોમર્શિયલ મિલકતોમાં રૂ. 178 કરોડ, રહેઠાણની મિલકતોમાં રૂ. 40 કરોડ અને વ્હીકલ ટેક્સમાં રૂ. 26 કરોડ મળીને રૂ. 244 કરોડનો આકરો કરબોજ શહેરીજનોના માથે ઝીંકવામાં આવ્યો છે. સમૃધ્ધ ગણાતા વિસ્તારો અને સમૃધ્ધ બંગલાઓ પર સૌથી વધુ બોજ ઝીંકાશે જ્યારે ચાલી-ઝુંપડપટ્ટીના રહેઠાણોને તેમાંથી બાકાત રખાયા છે.

મોટા બંગલાનો ટેક્સ રૂ. 1500 થી 3000 જેટલો વધી જશે તેમ જણાય છે. રૂ. 5014 કરોડના વિકાસ કામો માટે ભંડોળ ઉભું કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી જુદા જુદા ગ્રાન્ટના હેડ નીચે રૂ. 3000 કરોડ મળવાની અપેક્ષા બજેટમાં વ્યક્ત કરવામાં આવી છે.

ચૂંટણીનું વર્ષ હોવાથી બજેટ હળવુફુલ નવા કરબોજ વગરનું હશે તે અપેક્ષાની સામે ભારે કરબોજ ઝીંકાતા સત્તાધારી ભાજપ માટે પણ વિમાસણભરી સ્થિતિ પેદા થઈ છે. ઉપરાંત કમિશનરે વિકાસની એટલી મોટી જાહેરાતો કરી દીધી છે કે ભાજપને બજેટમાં સુધારા-વધારા કરતી વખતે નવું શું ઉમેરવું તે નક્કી કરવા સારી એવી મહેનત કરવી પડશે.

શહેરની ટ્રાફિક અને પાર્કિંગની વકરેલી સમસ્યાને હળવી કરવા બજેટ 20 ફલાય ઓવર બ્રિજ, 15 રેલ્વે ફલાય ઓવર કે અન્ડર પાસ કરવાની જાહેરાત કરતાં કમિશનરે જણાવ્યું હતું કે 20 ફલાય ઓવર બ્રિજ માટે 968 કરોડ ફાળવાયા છે. રેલવે અન્ડર પાસ કે ઓવર બ્રિજની અગાઉ જાહેરાત થઈ હતી તે માટે 152 કરોડ બજેટમાં નક્કી કરાયા છે.

જ્યારે પાર્કિંગ માટે હાલ પાંચ મલ્ટીલેવલ પાર્કિંગ બની રહ્યાં છે અને નવા પાંચ રૂ. 500 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. સ્પોર્ટસ પર ભાર મુકતા તેમણે જણાવ્યું હતું કે, પશ્ચિમ વિસ્તારમાં અને પૂર્વમાં રૂ. 200 કરોડના ખર્ચે બે આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનાવાશે, તમામ વોર્ડમાં એક સ્વીમીંગ પુલ, એસી જીમ્નેશિયમ અને મીની સ્પોર્ટ કોમ્પલેકસ બનાવાશે.

શહેરના પર્યાવરણને ફાયદો થાય તે માટે દર વર્ષે વૃક્ષારોપણ પર ભાર મુકવામાં આવશે. 600 નવી ઇલેકટ્રીક બસો દોડતી થશે, ઇ-વાહનો પર વધુ આગ્રહ રાખવામાં આવશે, 16 નવા ગાર્ડન બનાવાશે, બે બાયોડાવરસિટી પાર્ક રૂ. 200 કરોડના ખર્ચે બનાવાશે,

પીરાણાની ડમ્પ સાઇટનો તમામ કચરો 2022 સુધીમાં હટાવી દઇને 70 એકર જમીન ખુલ્લી કરવામાં આવશે, નદી અને તળાવોમાં જતું ગંદુ પાણી સંપૂર્ણપણે બંધ કરાશે તેવી જાહેરાતો કરાઇ છે. અમદાવાદને ખાડા-ખડીયાવાળા રોડથી મુક્તિ અપાવવા રૂ. 700 કરોડ ખર્ચવાની જાહેરાત કરાઇ છે.

ઉપરાંત કમિશનરે બે નવી કંપનીઓ ખોલવાની જાહેરાત કરી છે. જેમાં (1) અમદાવાદ સ્ટેશન એરિયા ડેવલપમેન્ટ અને (2) સ્પોર્ટસ પ્રમોશન કંપની શરૂ કરાશે. આ માટે રૂ. 10 કરોડ પ્રાથમિક ધોરણે ફળવાયા છે.

નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન સાથે મળીને રચાનાર કંપની કાલુપુર અને સાબરમતી રેલવે સ્ટેશનના આસપાસના વિસ્તારોને જપાનની તરાહ પર વિકસવાનું કામ કરશે. જ્યારે રાજ્ય સરકારની સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સહયોગમાં મ્યુનિ. કોર્પોરેશન સ્પોર્ટસની કંપની કરશે જે શહેરમાં સ્પોર્ટસ એકિટવીટી વધે તે બાબત પર ધ્યાન કેન્દ્રીત કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે કમિશનરે 7526 કરોડનું બજેટ મુકયું હતું. તેમાં 525 કરોડનો વધારો કરી સત્તાધારી પક્ષે 8051 કરોડનું બજેટ મંજુર કર્યું હતું. જેમાં 856 કરોડનો અસામાન્ય વધારો કરીને કમિશનરે 8907 કરોડનું બજેટ મૂવ કર્યું છે.

જો કે વાસ્તવિકતા એ છે કે દર વર્ષે બજેટમાં 1500 કરોડ રિવાઇઝડ બજેટમાં ઓછા કરવા પડે છે, કેપીટલ ખર્ચ બજેટમાં જાહેર કર્યો હોય તેટલો થતો નથી, આમ આંકડાની માયાજાળ અવાસ્તવિક વધુ હોય છે. લોકોને હથેળીમાં ચાંદ બતાવનારી હોય છે.

 રૃપિયો ક્યાંથી આવશે ?  રૃપિયો ક્યાં જશે ? 
1ઓકટ્રોયની અવેજીમાં સરકારશ્રીની ગ્રાન્ટ271એસ્ટાબ્લીશમેન્ટ29
2જનરલ ટેક્ષ112એડમી. અને જનરલ ખર્ચ02
3વોટર અને કોન્ઝરવન્સી ટેક્સ073મરામત અને નિભાવ08
4વાહન વેરો024પાવર અને બળતણ05
5વ્યવસાય વેરો045સર્વિસ અને પ્રોગ્રામના ખર્ચા09
6નોન ટેક્ષ રેવન્યુ246કોન્ટ્રીબ્યુશન, સબસીડી અને ગ્રાન્ટ15
7રેવન્યુ ગ્રાન્ટ, સબસીડી અને કોન્ટ્રીબ્યુશન147લોન ચાર્જીસ તથા અન્ય01
8અન્ય આવક118વિકાસના કાર્યો માટે ટ્રાન્સફર31
 કુલ100 કુલ100

પાણીના વપરાશ માટે આવી રહેલી નવી પોલિસી

‘નલ સે જલ’ને લાગુ પાડવા ટૂંકમાં નવી વોટર પોલીસી ઘડાનાર છે. હાલમાં નવા બિલ્ડીંગમાં અપાતા બી.યુ. પરમીશન અને કોમર્શીયલ કનેકશનમાં વોટર મીટરથી પાણી આપવાનું નક્કી કરવામાં આવેલ છે. ઉપરાંત ભવિષ્યમાં તમામ પાણીના કનેકશનો વોટરમીટર આધારિત કરવા માટે વોટર પોલીસી બનાવીને તેને સક્ષમ સત્તા સમક્ષ મંજુરી માટે મુકવામાં આવશે.

બાદમાં પાણીના વપરાશ આધારે ચાર્જ લેવાનું આયોજન હાથ ધરવામાં આવશે. તેમ જણાવી નવા બજેટની જાહેરાતમાં ઉમેરાયું છે કે રેસીડેન્સીયલ, કોમર્શીયલ અને ઔદ્યોગિક વિસ્તારોમાં તેના વપરાશને આધારિત સપ્લાય અપાશે અને વપરાશ આધારિત ચાર્જ વસુલ કરવામાં આવશે. 2020માં પાણીના મેનેજમેન્ટ પાછળ 395.82 કરોડની રકમ ખર્ચવાનું નક્કી થયું છે.

કયા ઝોન માટે કેટલાં કરોડ ફળવાયા ?

ઝોનગયા અને નવા વર્ષના
 રૂ. કરોડમાં
મધ્ય ઝોન53.50
ઉત્તર ઝોન84.50
દક્ષિણ ઝોન92.00
પૂર્વ ઝોન89.50
પશ્ચિમ ઝોન74.00
ઉત્તર પશ્ચિમ55.50
દક્ષિણ પશ્ચિમ51.00
કુલ500 કરોડ

છેલ્લાં વર્ષોમાં ટેક્સમાં વારંવાર કરાયેલો વધારો

મ્યુનિ.ના વહિવટી તંત્ર દ્વારા જુદા જુદા ટેક્સ અને ચાર્જીસમાં વારંવાર વધારો ઝીંકાયો છે. પ્રોપર્ટી ટેક્સમાં અગાઉ જંત્રી આધારિત વધારો ઝીંકાતા હોબાળો થયો હતો. બાદમાં 50 ટકા રાહત જાહેર કરાઇ હતી. બે વર્ષ બાદ એ 50 ટકા રાહત પાછી ખેંચી ફરી વધારો કરાયો હતો.

દોઢ વર્ષ પહેલાં સફાઇની કામગીરી માટે સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર લેવા નાગરિકો પર 115 કરોડનો યુઝર્સ ચાર્જ ઝીંકાયો હતો, જેની અસર ચાલુ વર્ષના ટેક્સમાં આવી છે. હવે આગામી વર્ષે સમૃદ્ધ વિસ્તારનું ફેકટર 1.60 હતું તે બદલી પ્રોપર્ટી ટેક્સ માટે 1.92 કરાયું છે.

કોમર્શિયલ સારી મિલકતમાં 1.60નું ફેકટર 1.92 કરાયું છે. જયારે ઔદ્યોગિક એકમોનો દર 2.00 હતો તે સુધારીને 2.80 કરાયો છે. હોટલ-મનોરંજન સ્થળના 6.00 હતા તે 7.00 થશે. જ્યારે 15 લાખથી વધુ કિંમતના વાહનો પર 2.25 ટકા ટેક્સ હતો તે 3 ટકા કરાયો છે. રીક્ષાને અગાઉ અપાયેલી રાહત પાછી ખેંચી લેવાઇ છે. અન્ય વાહનોમાં થોડો વધારો કરાયો છે. જેનાથી આવક 26 કરોડ વધવાની સંભાવના છે.

કોર્પોરેશનનું દેવું રૂ. 780.11 કરોડ

પ્રકાર2018-192019-20
 રૂ. કરોડમાંરૂ. કરોડમાં
સરકારી લોન80.1180.11
હુડકો લોન (ગેપફંડ)61.1900.00
જીએસએફસી લોન25.7900.00
બોન્ડ200.00700.00
કુલ367.09780.11

મ્યુ. કમિશનરે રજૂ કરેલા બજેટમાં જોગવાઈ

પર્યાવરણ જાળવનારી ખાનગી રહેણાંક સોસાયટીઓને પ્રોપર્ટી ટેક્સમાં 100 ટકા સુધીની રાહત

ગંદુ પાણી અને કચરાના નિકાલનું મેનેજમેન્ટ, વૃક્ષારોપણ, વરસાદી પાણીનો સંગ્રહ, ઊર્જા બચત કરનાર સોસાયટીને ફાઈવ સ્ટાર સુધીનું રેટિંગ અપાશે

અમદાવાદમાં જે ખાનગી સોસાયટીઓ પોતાની રીતે (1) સોસાયટીમાંથી નીકળતા કચરાનું મેનેજમેન્ટ (2) ગંદા પાણીના નીકાલની વ્યવસ્થા (3) ઉર્જા બચત કરવા પ્રયાસો કરશે (4) પાણીની બચત અને વરસાદી પાણીનો સંગ્રહ કરશે અને (5) પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ કરશે તેવી સોસાયટીઓને મિલકતવેરામાં 100 ટકા સુધીની માફીની મહત્ત્વકાંક્ષી યોજના જાહેર કરવામાં આવી છે. આ માટે એકથી લઈને ફાઈવ સ્ટાર સુધીનું રેટીંગ જે-તે સોસાયટીને મ્યુનિ. દ્વારા અપાશે અને તેટલા પ્રમાણમાં પ્રોપર્ટી ટેક્સમાં રાહત મળશે.

કમિશનરે જણાવ્યું હતું કે દેશભરની અંદર આ પ્રકારનો પહેલો પ્રયોગ છે, તે સફળ થશે તો અન્ય શહેરો પણ આ મોડેલને અનુસરશે. જે ખાનગી સોસાયટી પર્યાવરણની જાળવણીની દિશામાં ઉપરોક્ત મુદ્દાને ધ્યાનમાં રાખી સારી કામગીરી કરશે તેને પરિક્ષણ બાદ ફાઈવસ્ટાર રેટીંગ અપાશે. ફાઈવસ્ટાર રેટીંગ મેળવનારને 100 ટકા, ફોર સ્ટાર રેટીંગ મેળવનારને 50 ટકા, થ્રી સ્ટાર રેટીંગ મેળવનારને ટેક્સમાં 25 ટકાની રાહત મળશે.

આ માટે જરૂરી મશનરી ક્યાંથી મળે તે માહિતી, ટેકનીકલ જ્ઞાાન, મશીનરી પુરી પાડવી, પાંચ લાખ સુધીની આર્થિક સહાય કરવી, વૃક્ષારોપણ માટે જગ્યા ના હોય તો મ્યુનિ. તે ઉપલબ્ધ કરાવશે વગેરે તમામ તબક્કે મ્યુનિ.ના અધિકારીઓ-એન્જિનિયરો સોસાયટીના હોદ્દેદારોને સહાયભૂત થશે.

આ માટે સોસાયટીએ કચરાનું વર્ગીકરણ કરીને તેમાંથી ખાતર બનાવવાના નાના મશીનો મુકવા પડશે. પ્રવાહી કચરાનો પણ વૈજ્ઞાાનિક ઢબે નીકાલ કરવાનો રહેશે. વરસાદી પાણીના સંગ્રહ માટે પર્કોલેટીંગ વેલ બનાવવા જેવી કામગીરી કરવાની રહેશે. આ નવી યોજનાના કારણે મ્યુનિ.ની કામગીરીમાં લોકોની સીધી ભાગીદારી થશે અને શહેર સ્વચ્છ અને હરિયાળું બને તે દિશામાં આગળ વધી શકાશે.

કમિશનરે 15 ઓગસ્ટ 2022 સુધીમાં શહેરને તમામ સમસ્યાઓથી મુક્તિ અપાવાનું વચન બજેટમાં આપ્યું છે. રખડતા ઢોર, પ્લાસ્ટીકનો કચરો, રોગચાળો, ગેરકાયદે દબાણો, ઝુંપડપટ્ટી, એરપોલ્યુશનની સમસ્યા દુર કરવાનું વચન અપાયું છે.

2020-21માં નવું શું થશે ?

– સાબરમતી રિવરફ્રન્ટના ગાંધીનગર તરફના 9.7 કિલોમીટરના ફેઝ-2ની કામગીરી 850 કરોડના ખર્ચે શરૂ થશે, તે માટે ફેઝ-1ની 200 હેક્ટર જમીનમાંથી 14 ટકા જમીનનું વેચાણ થશે.

– લો ગાર્ડનની 7.75 કરોડના ખર્ચે બનેલી હેપી સ્ટ્રીટ જેવી સ્ટ્રીટ તમામ વોર્ડમાં ઉભી કરાશે. એ જ રીતે સી.જી. રોડની તરાહ પર તમામ વોર્ડમાં એક-એક રોડનો વિકાસ કરાશે. પગે ચાલનારા માટે મોટા ફુટપાથ રખાશે.

– 34 કરોડના ખર્ચે 85 શાળાનું નવિનીકરણ કરાશે. નવા પાંચ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને 10 અર્બન હેલ્થ સેન્ટર શરૂ કરાશે.

– શહેરમાં 42341 આવાસનું નિર્માણ થઈ રહ્યું છે. નવા બજેટમાં વધુ 95158 આવાસોનું આયોજન કરાયું છે.

– એનપીસીએ યોજના અંતર્ગત 452.90 કરોડના ખર્ચે 45 તળાવોનું નવિનીકરણ કરાશે. 60 જંકશન પર ઈ-ચલણ માટે કેમેરા ફીટ કરાશે. 10 નવા ઓટોમેટીક ટ્રાફિક સિસ્ટીમવાળા જંકશન કરાશે.

– ગયા વર્ષે રેવન્યુ આવકના નક્કી કરેલા ટાર્ગેટમાં 389.55 કરોડનો ઘટાડો નોંધાયો છે. કેપીટલ ખર્ચ 496.09 કરોડ થયો છે. જ્યારે ગ્રાન્ટના કામો 1223.34 કરોડના કરવામાં આવેલ છે.

– નિકોલ, ઓઢવ, મક્તમપુરામાં કોમ્યુનિટી હોલ, મણીનગરમાં સાંઈ ઝુલેલાલ અને આંબેડકર હોલનું નવિનીકરણ, વાડજ સર્કલ પાસે ઓડિટોરિયમ બંધાશે.

– ગટરનો પ્રશ્ન હળવો કરવા પાંચ પંપીગ સ્ટેશન, પાંચ એસટીપી, 403 કરોડના ખર્ચે ગટરનું નવુ નેટવર્ક, 39.11 વરસાદી ગટરનું આયોજન અને 138.50 કરોડના ખર્ચે રિહેબીલીટેશન થશે.

– પાણી માટે 205 કરોડના ખર્ચે 14 નવા પંપીંગ સ્ટેશનો થશે તેમજ 6 હયાત સ્ટેશનોનું અપગ્રેડેશન થશે. ‘નલ સે જલ’ને સાર્થક કરવા પ્રયાસો હાથ ધરાશે. વોટર મીટરને મહત્વ અપાશે.

બ્રિજની જૂની જાહેરાતોનું નવું પેકેજિંગ !

નવા કયા ફલાય ઓવર બ્રિજ બંધાશે

(1) વિવેકાનંદનગર નદી પર (2) નરોડા પાટિયા જંકશન (3) ઘોડાસર ચાર રસ્તા (4) પલ્લવ જંકશન (5) પ્રગતિનગર જંકશન (6) સત્તાધાર જંકશન (7) વાડજ જંકશન (8) પાલડી જંકશન (9) નરોડા-ગેલેક્સી (10) વાયએમસીએ-બોપલ (11) શ્યામલ જંકશન (12) પાંજરાપોળ (13) વિસત સર્કલ (14) ખોખરા-અનુપમ (15) કમોડ સર્કલ (16) બાકરોલ (17) શીલજ સર્કલ (18) કઠવાડા (19) તપોવન (20) નિકોલ-કઠવાડા.

નોંધ :- આમાના ઔડામાં આવતા બ્રિજની અગાઉ જાહેરાત થયેલી છે. મોટાભાગના બ્રિજની પણ આગળના વર્ષે જાહેરાત થયેલી છે.

રેલવે ઓવરબ્રિજ – અન્ડરપાસ

(1) પુનિતનગર (2) મણીનગર દક્ષીણી (3) નરોડા જીઆઇડીસી (4) જગતપુર (5) જુહાપુરા એસજી હાઇવે

અન્ડરપાસ : (1) વટવા-વિંઝોલ (2) ઓમનગર (3) ત્રાગડ (4) ઉમા ભવાની ચાંદખેડા (5) આઇઓસી-ચાંદખેડા (6) સાબરમતી ડી-કેબીન (7) હેબતપુર (8) વંદેમાતરમ (9) અગીયારસી માતા મંદિર (10) પાલડી જલારામ.

નોંધ :- આ તમામ જાહેરાતો બે વર્ષ પહેલાં થયેલી છે. આ અંગે પૂછતા કમિશનરે કહ્યું કે ચાલુ વર્ષે રકમ ફળવાઇ છે.

Read Also

Related posts

15 વર્ષ પહેલા અમદાવાદ કોર્પોરેશનમાં સમાવવામાં આવેલા આ ગામમાં લોકોને પીવાના પાણી માટે પણ ફાંફા

Nilesh Jethva

ધારાસભ્ય હિતુ કનોડિયાએ ધારાસભા ગૃહમાં આ લોકોને આર્થિક સહાય આપવા સીએમ રૂપાણી સમક્ષ કરી રજૂઆત

Nilesh Jethva

મોદી સરકારને ઘેરવાનો કોંગ્રેસે બનાવ્યો પ્લાન : સાંસદોને સસ્પેન્ડ કર્યા પછી બોલાવી આ બેઠક, સરકાર સામે મૂકશે આ 3 શરતો

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!