બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાને આ વર્ષે મધર ટેરેસા મેમોરિયલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. યૂનિસેફની ગુડવિલ એમ્બેસેડર તરીકે વિસ્થાપિતો અને શરણાર્થીઓના અધિકારો માટે લડત આપનાર પ્રિયંકાને સામાજિક કાર્યોમાં આપેલા વિશેષ યોગદાન માટે આ અવોર્ડ આપવામાં આવ્યો છે.
તેણે તાજેતરમાં જ સિરિયાનો પ્રવાસ ખેડ્યો હતો, જ્યાં તે શરણાર્થી બાળકોને મળી હતી અને તેમની સાથે વાતચીત કરી હતી. પ્રિયંકા યૂનિસેફની સદભાવના દૂત પણ છે.
પ્રિયંકાને આ સન્માન માટે હાર્મની ફાઉન્ડેશને બોલાવી હતી પરંતુ પોતાના વ્યસ્ત શેડ્યુઅલના કારણે આ અવોર્ડ તેની માતા મધુ ચોપરાએ રિસિવ કર્યો હતો.
આ સન્માન અંગે પ્રિયંકાની માતા મધુએ જણાવ્યું કે મને પ્રિયંકા પર ગર્વ છે. હું આ સન્માન માટે આભાર માનું છુ અને મને વિશ્વાસ છે કે તે આ સન્માન મેળવીને ખૂબ જ ખુશ થશે. અગાઉ આ અવોર્ડ કિરણ બેદી, અન્ના હજારે, ઓસ્કર ફર્નાન્ડીસ, સુધા મૂર્તિ, મલાલા યુસુફઝઇ, સુષ્મિતા સેન વગેરેને એનાયત કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પ્રિયંકાને સેક્સીએસ્ટ વિમેનનું સન્માન પણ આપવામાં આવ્યું હતું.