પ્રાથમિક પૂછપરછમાં છબીલ પટેલે ગુનો કબૂલ્યો : DGP આશિષ ભાટીયા

CHABIL-PATEL

પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલી હત્યા કેસમાં આખરે છબીલ પટેલની આખરે ધરપકડ કરવામાં આવી છે. સીઆઈડી ક્રાઈમના ડીજીપી આશિષ ભાટીયાના જણાવ્યા પ્રમાણે રાજકીય અદાવતમાં હત્યા કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં છબીલ પટેલે ગુનો કબૂલ્યો છે. જોકે રિમાન્ડ બાદ ઉંડાણપૂર્વકની પૂછપરછ કરાશે. બીજી જાન્યુઆરીએ છબીલ પટેલ અમદાવાદથી મસ્ક્ત ગયા હતા અને ત્યાંથી અમેરિકાના ન્યૂ જર્સી ગયા હતા. મોડી રાતે ત્રણ વાગ્યે તેઓ અમદાવાદ પરત આવતા એસઆઈટીએ તેમની ધરપકડ કરી છે. અમેરિકાથી આવતી એમિરેટ્સની EK-538 ફ્લાઇટમાં અમદાવાદ આવેલા છબીલ પટેલને એરપોર્ટ પર જ ઝડપી લેવાયા છે.

પોલીસની તજવીજથી ગભરાઈ ગયો હતો

વિદેશ ભાગી ગયેલો ફરાર છબીલ પટેલ સંબંધીઓની ધરપકડ તથા તેની મિલકતો ટાંચમાં લેવાની પોલીસની તજવીજથી ગભરાઈ ગયો હતો. ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યાનું કાવતરૃ ઘડયા બાદ છબીલ પટેલ બીજી જાન્યુઆરીએ વિદેશ જતો રહ્યો હતો. બાદમાં ૭ જાન્યુઆરીના રોજ પુણેના બે શુટરોએ ભુજથી સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં આવી રહેલા ભાનુશાળીની ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. શરૃઆતમાં આ હત્યામાં છબીલ પટેલની ભુમિકા છે કે કેમ તે અંગે પોલીસ પાસે પણ કોઈ પુરાવા ન હતા. જોકે જેમ જેમ તપાસ આગળ વધતી ગઈ તેમાં છબીલ પટેલના ભુજના ફાર્મ હાઉસમાં બન્ને શુટરો રોકાયા હોવાની માહિતી પોલીસને મળી હતી. બાદમાં શુટરો અશરફ અનવર શેખ અને શશીકાંત કાંબળેની ધરપકડ થતા છબીલે આ હત્યા સોપારી આપીને કરાવી હોવાનું બહાર આવ્યું હતું.

અગાઉ લુકઆઉટ નોટિસ જાહેર કરાઈ હતી

અગાઉ તમામ એરપોર્ટ પર છબીલ પટેલની લુકઆઉટ નોટીસ જાહેર થઈ ગઈ હતી. છબીલ પટેલના ભુજ અને અમદાવાદના બંગલે તેના ભાગેડુ હોવાની નોટીસ પણ ચિપકાવી દેવામાં આવી હતી. તે સિવાય છબીલના ઈશારે હત્યા કેસના સાક્ષી પવન મૌર્યના ગાંધીધામના ઘરે અને ફેક્ટરી પર રેકી કરનારા તેમના વેવાઈ રસીક એસ.પટેલ તથા ભત્રીજા પિયુંષ ડી.વાસાણીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે છબીલ પટેલ તેના સંબંધીઓ અને મિત્રોના સંપર્કમાં હોવાની જાણ હતી. અંતે તેમના રડારમાં છબીલ પટેલનો પુત્ર સિધ્ધાર્થ પટેલ આવી ગયો હતો. ગોવામાં ગેસ્ટ હાઉસમાં છુપાયેલો સિધ્ધાર્થ પણ પોલીસને શરણે આવી ગયો હતો અને હવે છબીલ પટેલ પણ સકંજામાં આવ્યો છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter