GSTV
GSTV લેખમાળા Trending

1971 War : ઈન્દિરા ગાંધી દોડીને સંસદના પગથિયાં ચડ્યાં અને કાર્યવાહી અટકાવીને જાહેરાત કરી કે…

1971 war

1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધનું 50મું વર્ષ ચાલી રહ્યું છે. અડધી સદી પહેલા ખેલાયેલો એ જંગ નિર્ણાયક હતો, જેણે પાકિસ્તાનના બે ભાગ કરીને નવા દેશ બાંગ્લાને જન્મ આપ્યો. પાંચ-સાત અઠવાડિયા યુદ્ધ ચાલશે એવી ધારણા વચ્ચે લડાઈ 14 દિવસમાં આટોપાઈ ગઈ હતી. કેમ કે એ પાછળની તૈયારી જડબેસલાક હતી

વડાંપ્રધાન ઈન્દિરાગાંધી સાથે તો અનેક અંગરક્ષકો અને સુરક્ષાકર્મી હતા. પરંતુ એ દિવસે એ બધાની પરવા કર્યા વગર, સંસદ ભવનના પગથિયા દોડીને ચડી ગયા. ઉંમર પણ ન નડી અને પહેરેલી સાડી પણ તેમની ઝડપને અવરોધી ન શકી. સંસદની કાર્યવાહી ચાલી રહી હતી એ અટકાવીને ઈન્દિરા ગાંધીએ જાહેરાત કરી કે ભારત યુદ્ધ જીતી ગયું છે, પાકિસ્તાને શરણાગતી સ્વિકારી લીધી છે.
3જી ડિસેમ્બરે મધરાતે શરૃ થયેલો જંગ 17મી ડિસેમ્બર સુધીમાં પુરો થયો. તેનો આનંદ ઈન્દિરા ગાંધીને હોય એ સ્વાભાવિક છે. વિપક્ષમાં રહેલા   નેતાઓ ઈન્દિરાદેવીને ઘેરવાની રાહ જોતા હતા. પણ એવી તક ન મળી. યુદ્ધ શરૃ થાય ત્યારે કોઈ ખાતરી ન આપી શકે કે આપણે જ જીતીશું. પરંતુ ભારતીય સેનાના વડા જનરલ (બાદમાં ફિલ્મ માર્શલ તરીકે પ્રમોશન પામેલા) સામ માણેકશાએ ઈન્દિરા ગાંધીને કહ્યું હતું કે યુદ્ધમાં વિજય અપાવવાની જવાબદારી મારી છે. એ પાછળ એમની લાંબી તૈયારી હતી. યુદ્ધ જોકે માત્ર સૈન્ય તૈયારીથી નથી જીતી શકાતું. રાજનૈતિક ઈચ્છા શક્તિ પણ એટલી જ મહત્વની છે. ઈન્દિરા ગાંધીની સરકાર જંગ માટે મક્કમ હતી તો સૈન્યની ત્રણેય પાંખ વિજયના વાવટા ખોડવા માટે પ્રતિબદ્ધ હતી.

***

1970માં પાકિસ્તાનમાં ચૂંટણી થઈ. પૂર્વ પાકિસ્તાનની આઝાદી ઈચ્છતા શેખ મુઝિબુર રહેમાનની પાર્ટી આવામી લીગનો વિજય થયો, ઝુલ્ફીકાર અલીની પાકિસ્તાન પિપલ્સ પાર્ટીનો પરાજય થયો. પરિણામ મુજબ તો મુઝિબુર રહેમાને જ પાકિસ્તાનની ધૂરા સંભાળવાની હતી. ત્યારે પાકિસ્તાનમાં કોઈ પક્ષની નહીં પણ સરમુખત્યાર યાહ્યા ખાનની સત્તા હતી. યાહ્યા ખાને મુઝિબુરના વિજયને માન્યતા આપવાને બદલે પૂર્વ પાકિસ્તાનમાં લશ્કરી કાર્યવાહીનો આદેશ આપ્યો. લોકો રસ્તા પર ઉતરીને નવી સરકારને સત્તા સોંપવાની ડિમાન્ડ કરતા હતા. તેના બદલે યાહ્યા ખાને પ્રદર્શનકારીઓને દેખો ત્યાં ઠારનો આદેશ આપ્યો. એટલુ ઓછુ હોય એમ યાહ્યાના સૈનિકો નાગરિકો પર ગુજારી શકાય એવા તમામ અત્યાચારો ગુજારતા હતા. બચવા માટે લોકો પાસે એક જ રસ્તો હતો, સરહદ ઓળંગવાનો. બાંગ્લેદેશની સરહદ ગમે તે દિશામાં ઓળંગે, પહોંચાય તો ભારત જ. ભારતમાં લાખો પૂર્વ પાકિસ્તાનીઓ શરણાર્થી તરીકે આવી રહ્યા હતા. ઈન્દિરા ગાંધી સરકારે પાકિસ્તાને સરકારને અપીલ કરી કે નાગરિકો પર અત્યાચાર બંધ કરો, જેથી એ ભારતમાં આવતા અટકે. પાકિસ્તાની સરકારે એ વાત કાને ન ધરી. ઈન્દિરા ગાંધીએ લાંબી દૃષ્ટિ દોડાવીને આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનના અત્યાચારનો અને અત્યાચારને કારણે ભારતમાં આવતા શરણાર્થીઓ અને આવતા શરણાર્થીઓને કારણે સર્જાતા સંકટનો બરાબર પ્રચાર કર્યો. ઓગસ્ટ 1971માં અમેરિકા, ઈંગ્લેન્ડ અને અન્ય પશ્ચિમી દેશોની મુલાકાત લઈ ઈન્દિરા ગાંધીએ તેમને સમજાવ્યું કે પાકિસ્તાન માપમાં નહીં રહે તો અમારી પાસે લશ્કરી પગલાં સિવાય કોઈ રસ્તો બાકી નહીં રહે.

અત્ચાર ચૂંટણી પછી વધી ગયા. બાકી યુદ્ધનું કારણ તો પાકિસ્તાન 1947થી શોધતું હતું. 1947-48માં પહેલી લડાઈ હારી, 1965માં બીજી વખત હાર્યા પછીય પાકિસ્તાની શાસકોનો ઉન્માદ શમ્યો ન હતો. એટલે ક્યારેક પૂર્વ તો ક્યારેક પશ્ચિમ સરહદે અટકચાળા ચાલુ જ હતા. પૂર્વ પાકિસ્તાનને આઝાદી વખતથી જ અન્યાય થઈ રહ્યો હતો. ત્યાંની પ્રજાને ઉતરતી માનવામાં આવતી હતી. તેમની સાથે સતત અન્યાય થઈ રહ્યો હતો. એ વચ્ચે મુજીબુર રહેમાન ચૂંટણી જીતી ગયા એટલે ઈસ્લામાબાદમાં બેઠેલા પાકિસ્તાની શાસકોનો જીવ ઊંચો-નીચો થવા લાગ્યો. મોટે પાયે જનસંહાર શરૃ કરાયો. ભારતે પાકિસ્તાનને સમજાવવા થાય એવી બધી કોશિષ કરી

વાત-ચીતના તમામ પ્રયાસો નિષ્ફળ જતાં લાગ્યા ત્યારે 1971ના એપ્રિલમાં વડાંપ્રધાન ગાંધીએ સૈન્યની ત્રણેય પાંખના વડા, રાજકીય પક્ષો, મંત્રીમંડળ વગેરે સાથે બેઠકો કરી. સૌ કોઈનો મત એવો હતો કે વહેલી તકે યુદ્ધ જાહેર કરી પાકિસ્તાનને પાઠ ભણાવો. સેનાધ્યક્ષ જનરલ માણેકશાએ સ્પષ્ટ કહ્યું કે જંગનો ઉન્માદ બરાબર પરંતુ સમય ખોટો છે. ખોટી ઉતાવળ કરવાથી શું શું ગરબડ થઈ શકે એ જનરલે મીટિંગમાં રજૂ કર્યું. જનરલ માણેકશાએ કહ્યું કે સૈન્ય દેશભરમાં ફેલાયેલું હોય તેને સરહદ સુધી પહોંચાડવામાં સમય જોઈએ. ઘણા સ્થળોએ રેલવે-રસ્તા નથી એ ઉભા કરવા પડે. યુદ્ધ શરૃ થયા પછી જરૃરી તમામ સામગ્રી અવિરત મળતી રહેવી જોઈએ. એ માટે પુરવઠો ખડકવો પડે, પહોંચાડવાની વ્યવસ્થા કરવી પડે. વધુ એક સમસ્યા પંજાબમાં આવી શકે એમ હતી. પંજાબ સરહદી રાજ્ય છે. ત્યાં ઉભો પાક લહેરાતો હતો. હવે પાકને લણીને ખળા ભેગો કરી દેશભરમાં પહોંચાડવાનો હતો. એ વખતે દેશ પાસે આજના જેટલો અનાજ જથ્થો ન હતો. એટલે પંજાબનાં ઘઉં દેશભરમાં ન પહોંચે તો ભુમખરાનો પણ મોટો પ્રશ્ન ઉભો થાય એમ હતો.

પૂર્વ પાકિસ્તાન સરહદ પાસે અનેક મોટી નદીઓ પસાર થઈ સમુદ્રમાં મળતી હતી. બંગાળના અખાતનુ મુખ નદીઓથી છવાયેલુ હતું. ચોમાસામાં એ મુખત્રિકોણ પ્રદેશના હજારો ચોરસ કિલોમીટર વિસ્તારમાં પાણી ભરાયેલું રહે. માટે લશ્કરી સરંજામ ભરેલા વાહનો, રણગાડીઓ, સૈન્ય દસ્તાઓ વગેરે સરહદ સુધી પહોંચી ન શકે. ઉલટાના ક્યાંક ફસાય જાય તો લેને કે દેને પડ જાય. ઓકટોબર સુધી ચોમાસુ હોય, આકાશ વાદળછાંયુ હોય એટલે વાયુસેનાના વિમાનોને પણ મુશ્કેલી પડે જ.

ભારતને હજુ થોડા વર્ષો પહેલા 1962માં ચીન સામે આકરી હારનો સામનો કરવો પડ્યો હતો. ફરીથી એવી હાર થાય એવી સ્થિતિ સામે ચાલીને ઉભી કરવાનો કોઈ મતલબ ન હતો. એટલે મીટિંગમાં જનરલ સામ માણેકશાએ પોતાની સેન્સ ઓફ હ્યુમરનો પરિચ આપતાં ઈન્દિરા ગાંધીને કહ્યું : ‘મેડમ 1962માં તમારા પિતાજી જે સ્થિતિમાં હતા એવી સ્થિતિમાં ફરીથી આવવામાં તમને કદાચ વાંધો ન હોય, પરંતુ 1962ના વખતના સેનાધ્યક્ષ જે સ્થિતિમાં હતા એ સ્થિતિમાં હું આવવા માંગતો નથી.’ આ વાતથી ઈન્દિરા ગાંધીને ઘણો ગુસ્સો આવ્યો, પરંતુ વાત સાવ સાચી હતી. માટે મીટિંગ પુરી કરી અને પછી જનરલ માણેકશા સાથે એકલા વાતચીત આગળ ચલાવી. એ દરમિયાન ફરીથી માણકેશાએ પોતાનો મક્કમ ઈરાદો રજૂ કરતા કહ્યું કે વધારે પડતું દબાણ આવશે તો તબિયત બરાબર નથી એમ કહીને હું રાજીનામું આપી દઈશ, પણ સામે ચાલીને સૈનિકોના જીવ જોખમમાં હું નાખવાનો નથી. જનરલ માણેકશાના એડીસી રહી ચૂકેલા બ્રિગેડિયર (નિવૃત્ત) બહેરામ પંથકીએ પોતાના પુસ્તક ‘ફિલ્ડ માર્શલ સામ માણેકશા, ધ મેન એન્ડ હીઝ ટાઈમ્સ’માં આ પ્રસંગ નોંધ્યો છે. એ વખતે જનરલ માણેકશાએ એ વાત પણ સ્પષ્ટ કરી કે જો તમારે યુદ્ધ જ કરવું હોય તે એ મારી ઈચ્છા મુજબ અને આયોજન મુજબ થશે. એક મહિનામાં જ પૂર્વ પાકિસ્તાન તમારા શરણે આવી જશે. ઈન્દિરા ગાંધીએ જનરલ માણેકશાની બધી શરતો માની લીધી. એ વખતના સંરક્ષણ મંત્રી બાબુ જગજીવનરામને જોકે વડાંપ્રધાનનો એ નિર્ણય યોગ્ય ન લાગ્યો, પરંતુ ત્યારે જગજીવનરામ કશું કરી શકે એમ ન હતા.

યુદ્ધની તૈયારીઓ થવા લાગી. વિવિધ સરકારી મંત્રાલયો વચ્ચે સંરક્ષણ મંત્રાલયની બેઠકો થવા લાગી. ક્યાંથી શું જોઈએ, ક્યા વિભાગની કેવી મદદ મેળવવી વગેરે રૃપરેખા તૈયાર થવા લાગી. લશ્કરમાં કામગીરી સંપૂર્ણપણે શિસ્ત આધારીત થતી હોય છે, જ્યારે સરકારી કામગીરીમાં શિસ્ત ક્યાંય શોધ્યુ ન મળે. એટલે થોડા દિવસમાં જ જનરલ માણેકશાને સમજાયુ કે આ રીતે તો જંગ જીતાશે નહીં. સરહદ પર જંગ જીતતા પહેલા વિવિધ સરકારી મંત્રાલયો પાસેથી કામ લેવુ એ મોટો જંગ છે. જ્યાં રેલવે લાઈન નંખાવાની હતી ત્યાં ઢીલું કામ ચાલતુ, નાણા મંત્રાલયે ફંડની ફાઈલો દબાવી રાખી હતી.. આ બધી માહિતી ઈન્દિરાદેવી સુધી પહોંચી એટલે તેમણે મંત્રીઓને બરાબર ખખડાવી નાખ્યા. એ પછી કામમાં વેગ આવ્યો. બીજી તરફ સંરક્ષણ મંત્રાલયના તાબામાં આવતા બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશને તો સરહદી વિસ્તારમાં રસ્તા-પુલ બાંધવાની શરૃઆત કરી દીધી હતી.      

સંરક્ષણ માટે જરૃરી સામગ્રી મેળવવા માટે ત્યારે ભારતનો એકમાત્ર આશરો રશિયા હતું. રશિયા પાસેથી જરૃરી સાધન-સામગ્રી, શસ્ત્રોની ખરીદી થવા લાગી હતી. ફોરવર્ડ એરિયા એટલે કે સરહદી વિસ્તારમાં આવેલા લશ્કરી ડેપો ભરાવા લાગ્યા અને જ્યાં જરૃર પડી ત્યાં ડેપો બનાવવા લાગ્યા. યુદ્ધ મુખ્યત્વે બે મોરચે લડવાનું હતું, પૂર્વ પાકિસ્તાનમાં આક્રમણ કરવું અને પશ્ચિમ સરહદે પાકિસ્તાન આક્રમણ કરે તેને રોકવુ. એ ઉપરાંત અમેરિકા-ચીન જેવા દેશો ડહાપણ ડોળે ત્યારે તેમને રોકવા માટે રાજનૈતિક-કુટનૈતિક પદ્ધતિ અખત્યાર કરવાની હતી. વળી એ માટે જ પહેલેથી રશિયા સાથે 20 વર્ષની મૈત્રીનો કરાર હતો. જેમાં મુખ્ય મદદ અમેરિકા કે ચીન ભારત સામે પડે ત્યારે રશિયાએ ભારતની પડખે ઉભા રહેવાનું હતું. યુદ્ધ વખતે તેનો ખરેખર ફાયદો થયો. રાષ્ટ્રસંઘમાં અમેરિકા જેવા ભારતવિરોધી દેશો વારંવાર યુદ્ધ વિરામનો પ્રસ્તાવ રજૂ કરી રહ્યા હતા. રશિયાએ દર વખતે તેનો વિરોધ કર્યો હતો. એટલું જ નહીં રશિયાએ ચીન કંઈ ગરબડ કરે એ પહેલા બ્રેક મારતું પગલું ભર્યું. રશિયાના કમ્યુનિસ્ટ પાર્ટીના મુખ્ય સચિન લિયોનિડ બ્રેઝનેવે રશિયન સૈન્યની 40 ડિવિઝન (એક ડિવિઝનમાં અંદાજે 10 હજાર સૈનિકો) ચીન સરહદ તરફ મોકલી દીધી. એ સૈન્ય ખડકલો ચીનને ડરાવવા માટે હતો. એ દાવ સફળ રહ્યો અને ચીને પાકિસ્તાનના સમર્થનમાં આવવાનું પગલું ન ભર્યું.

ઓગસ્ટમાં સૈન્યમાં આદેશો અપાયા, તમામ રજાઓ રદ કરી દેવાઈ. તાલીમની કામગીરી ઘટાડી દઈ સૈનિકોને મોરચે સતર્ક રહેવા આદેશ અપાયો. રેલવે અને એરપોર્ટ કબજે લઈ લેવાયા. રેલવેનો ઉપયોગ કરીને બાકી સૈનિકોને સરહદ તરફ રવાના કરી દેવાયા.

જનરલ માણેકશા એક પછી એક સરહદી મોરચાની મુલાકાત લઈને સૈનિકોનો પાનો ચડાવતા હતા. એ ખરા અર્થમાં હીરો હતા અને તેમની હાજરીમાં સૈનિકો ગર્વ અનુભવતા હતા. પાકિસ્તાનના સૈનિકો પૂર્વ પાકિસ્તાનમાં લૂંટ-ફાટ, સ્ત્રીઓ પર અત્યાચાર, નાગરિકોની હત્યા વગેરે સરમુખત્યારી કારનામા કરતા હતા. જનરલ માણેકશા આ બધી બાબતોના સખ્ત વિરોધી હતા. બીજી તરફ વિજય અંગે પુરેપુરા આશ્વસ્ત હતા. માટે સૈનિકોને સંબોધતી વખતે બહુ સ્પષ્ટ શબ્દોમાં માણેકશા પોતાનો સંદેશો આપતા : ‘સૈનિકનું કામ યુદ્ધ લડવાનું અને જીતવાનું છે, લૂંટ-ફાટ કે અત્યાચાર કરવાનું નહીં. જ્યારે તમે પાકિસ્તાનમાં પ્રવેશ કરો ત્યારે ત્યાંની સ્ત્રીઓને તમારી માતા-બહેનની જેમ જ ગણજો. જે કોઈ આ આદેશનું પાલન નહીં કરે તેમને તુરંત કોર્ટ માર્શલ કરાશે. હું સૈનિકોને કમાન્ડ કરું છું, ચોર-ઉચ્ચકાઓને નહીં.’ આ વાતની અસર સમગ્ર સેના પર થતી હતી.

***

યુદ્ધમાં સરપ્રાઈઝનું બહુ મહત્વ છે. પાકિસ્તાનના સત્તાપ્રેમી શાસકોમાં એ સમજણ હતી નહીં. એટલે 3જી ડિસેમ્બરે સાંજે 3-50 કલાકે પાકિસ્તાનના વિમાનો 11 ભારતીય એરબેઝ પર હુમલો કરવા આવ્યા ત્યારે ભારત તેનો સામનો કરવા તૈયાર જ હતું. વડાંપ્રધાન શ્રીમતી ગાંધી ત્યારે કલકતામાં જ હતા. ત્યાંથી જ તેમણે પણ યુદ્ધ શરૃ કરવાનો આદેશ આપી દીધો.

ભારતીય સેનાના 5 લાખ જવાનો, સાથે બાંગ્લાદેશની મુક્તિવાહીનાના પોણા બે લાખ એમ કુલ પોણા સાત લાખનું સૈન્યબળ હતું. સામે પાકિસ્તાન પાસે ચાર લાખ સૈનિકો પણ ન હતા. એરફોર્સ અને નેવીની તાકાત તો અલગ. નૌકાદળ તૈયાર જ હતું એટલે બીજા દિવસે 4થી ડિસેમ્બરે કરાંચીના પાદરમાં જઈને નૌકાદળની મિસાઈલ બોટોએ હુમલો કરી દીધો. પાકિસ્તાનના શસ્ત્રો-જહાજો વગેરે બળીને ખાખ થયા (4 ડિસેમ્બરની એ સફળતાની યાદમાં દર વર્ષે નૌકાદળ દિવસ ઉજવાય છે). વાયુસેનાએ હુમલો કર્યો એમાં ઢાકા એરબેઝ પર રહેલા પાકિસ્તાનના 20 જહાજો નષ્ટ થયા. ભારતીય સેના ઢાકા પર મોટો હુમલો કરવાની છે એવી અફવા પણ ફેલાવાઈ. એટલું જ નહીં 11 ડિસેમ્બરે 2 કેરિબુ વિમાનો (જે ટ્રાન્સપોર્ટ હતા, પણ તેને યુદ્ધની જરૃરિયાત માટે બોમ્બર બનાવી દેવાયા હતા) ઢાકા તરફ રવાના કરાયા. તેમાંથી પેરેશૂટ દ્વારા સૈનિકોની 2 બટાલિયન ઉતરી. એ જોઈને હતા એ પાકિસ્તાની સૈનિકો ઢાકા છોડીને ઘરભેગા થવા લાગ્યા.

જનરલ માણેકશા અને તેમના આલા સૈન્ય અફસરોએ ઘડેલી રણનીતિ કારગત રહી. 14મી ડિસેમ્બરે અમેરિકી એમ્બેસી ઓફિસ અને યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામના દિલ્હી સ્થિત અધિકારીને સંદેશો મળ્યો કે પાકિસ્તાન શરણાગતી સ્વિકારવા માંગે છે. પૂર્વ પાકિસ્તાનની સૈન્ય કમાન સંભાળતા લેફ્ટનન્ટ જનરલ એએકે નિયાઝીએ આ સંદેશો અપાવ્યો હતો. એ સંદેશો મળ્યો એટલે સામે જનરલ માણેકશાએ સ્પષ્ટ કર્યુ કે તમારા શબ્દોને વળગી રહેજો. ગરબડ કરી તો પછી સંહાર કોઈ રોકી નહીં શકે. તમારા જે સૈનિકો શરણે આવશે તેમને પુરતું સન્માન અપાશે, કોઈ ગેરવર્તન નહીં થાય.

જનરલ માણેકશાને કહેવામાં આવ્યું કે શરણાગતી સ્વિકારવા તમે જાઓ. ત્યારે તેમણ કહ્યું કે જેમણે પૂર્વ મોરચો સંભાળ્યો એ અધિકારી જ જશે. એટલે એ જવાબદારી ઈસ્ટર્ન કમાન્ડના સેનાપતિ લેફ્ટનન્ટ જનરલ જગજિત સિંહ અરોરાને સોંપાઈ. ઢાકાના રામના રેસકોર્સ મેદાનમાં 15મી ડિસેમ્બરે સાંજે 4.30 વાગ્યે લેફ્ટનન્ટ જનરલ અરોરા સમક્ષ લે.જન. નિયાઝીએ શરણાગતીના દસ્તાવેજ પર સહી કરી આપી. એ વખતે પોતાની પિસ્તોલ, લશ્કરી બિલ્લા વગેરે પણ જનરલ નિયાઝીએ સુપરત કર્યા. નિયાઝી સાથે 93 હજાર પાકિસ્તાની સૈનિકો ભારતીય સૈન્યના તાબામાં હતા. 5 વાગ્યે યુદ્ધ લગભગ રોકાઈ ગયું. છેવાડાના કેટલાક વિસ્તારોમાં જ્યાં સંદેશા પહોચ્યા ન હતા ત્યાં જંગ ચાલુ હતો.

14 દિવસમા યુદ્ધ જીતાઈ ગયું એ ઈતિહાસ જાણીતો છે. પરંતુ યુદ્ધ જીતવા માટે રણેદાન પહેલા ઘણા મોરચે જંગ ખેલવો પડ્યો હતો અને રણ મોચરે પણ બેશક જંગ ખેલવા પડ્યા હતા.

Related posts

મંદીના એંઘાણ/ વિશ્વના સૌથી મોટા અર્થતંત્રમાં મંદી ટાળવા માટેના પ્રયાસો અપુરતા, IMFએ USનો વૃદ્ધિ દર ઘટાડ્યો

Hardik Hingu

અહીં મંદિરના પ્રસાદમાં મળે છે સેન્ડવીચ અને બર્ગર, લાડુને બદલે મળે છે ચાઉમીન…

GSTV Web Desk

ફ્રાન્સમાં 25 ટકા લોકો બહેરાશનો શિકાર, હેડફોનનો ઉપયોગ કરો છો તો જરૂર વાંચો આ સ્ટડી

GSTV Web Desk
GSTV