GSTV
Home » News » પ્રણવ મુખર્જી બનશે આરએસએસના મહેમાન, સંઘ મુખ્યમથકમાં કરશે ભાષણ

પ્રણવ મુખર્જી બનશે આરએસએસના મહેમાન, સંઘ મુખ્યમથકમાં કરશે ભાષણ

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી આરએસએસ હેડક્વાર્ટર ખાતે તૃતિય વર્ષના સમાપન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થઈ રહ્યા છે. સાતમી જૂન-2018ના કાર્યક્રમમાં પ્રણવ દાના સંઘના મુખ્યમથકમાં જવા પાછળ જબરદસ્ત પોલિટિક્સ હોવાની સંભાવનાની પણ મોટી ચર્ચાઓ સાથે થિયરીઓ વહેતી થઈ છે. પ્રણવ મુખર્જીએ નાગપુર રેશીમબાગ ખાતે સંઘ શિક્ષા વર્ગમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થઈને સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે તેઓ રાજકારણમાં સક્રિય નથી. પરંતુ રાજનીતિમાંથી બહાર પણ નથી.

પ્રણવ દાના આરએસએસના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થવા બાબતે રાજકીય તોફાન મચેલું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી જે આરએસએસની વિચારધારાને દેશ માટે ખતરો ગણાવી રહ્યા છે. તે આરએસએસના કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ બનતા પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાં સામેલ રહેલા પ્રણવ મુખર્જી જઈ રહ્યા છે. જેને કારણે કોંગ્રેસના વિવિધ નેતાઓ ગુસ્સે પણ ભરાયેલા છે.

કોંગ્રેસના નેતાઓ દ્વારા પ્રણવ મુખર્જી સેક્યુલર વિચારધારાની સાથે દ્રઢતાપૂર્વક જોડાયેલા હોવાના દાવાઓ થઈ રહ્યા છે અને તેમને કાર્યક્રમમાં સામેલ નહીં થવાની સલાહ અપાઈ રહી છે. ચિદમ્બરમ જેવા કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ સલાહ પણ આપી છે કે તેઓ નાગપુર જઈને જણાવે કે સંઘના વિચારમાં ખોટું શું છે.

તો સંઘના આમંત્રણનો પ્રણવ મુખર્જી દ્વારા સ્વીકાર કરવાને કારણે આરએસએસ કરતા ભાજપના નેતાઓ વધુ ખુશ છે. આને કારણે હવે ભાજપના નેતાઓ દાવો કરી રહ્યા છે કે રાજકીય અસ્પૃશ્યતા હવે જૂની વાત થઈ ચુકી છે. સંઘ પ્રમુખ મોહન ભાગવતની નજીકના ગણાતા કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ આરએસએસ કોઈ આતંકવાદી સંગઠન નહીં હોવાનુ જણાવીને પ્રણવ દાના સંઘના કાર્યક્રમમાં સામેલ થવાનો વિરોધ કરનારા નેતાઓને જવાબ આપ્યો છે. તો ભાજપના ભૂતપૂર્વ નેતા અને હવે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પણ કહ્યુ છે કે ગાંધીજી પણ આરએસએસના સકારાત્મક મૂલ્યોને માનતા હતા.

આખા મામલામાં એક બંગાળી અખબારને આપેલી મુલાકાતમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ચુપકીદી તોડી હતી. પ્રણવ મુખર્જીએ કહ્યુ હતુ કે આના સંદર્ભે ઘણાં લોકોએ પૃચ્છા કરી છે. પરંતુ તેઓ જવાબ નાગપુરમાં આપશે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિએ કહ્યુ છે કે તેઓ સંઘના કાર્યક્રમમાં સામેલ થવા બાબતે હાલ કંઈપણ કહેવા ઈચ્છતા નથી. હવે નજર સાતમી જૂને આરએસએસના ભાવિ પ્રચારકોને થનારા પ્રણવ દાના સંબોધન પર મંડાયેલી છે.

Related posts

આયાતી ઉમેદવાર અલ્પેશ અને ધવલસિંહ પર કોંગ્રેસ ભારે પડી રહી છે

Mayur

ગ્રાહકોને લૂંટવાનો ગેસ એજન્સીઓ શોધ્યો નવો કિમિયો, આ રીતે રૂપિયા પડાવી લેશે અને તમને ખબર પણ નહી પડે

Bansari

હરિયાણામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જબરજસ્ત ટક્કર, ખટ્ટરને સરકાર બનાવવા ફાંફા પડશે

Karan
Do NOT follow this link or you will be banned from the site!