તાજેતર સીબીઆઈ પૂછપરછ અને તપાસ આગળ વધવાની સાથે એ વાત સામે આવી રહી છે કે પ્રદ્યુમન અને આરોપી વિદ્યાર્થી એકબીજાને સારી રીતે ઓળખતા હતા અને આરોપી વિદ્યાર્થી તેને ફોસલાવીને વોશરૂમ લઇ ગયો હતો, જ્યાં તેને મોતને ઘાટ ઉતારી દીધો.
પ્રદ્યુમન અને આરોપી વિદ્યાર્થી બંને પિયાનો ક્લાસ કરતાં હતા. પ્રદ્યુમનના પરિવારે પણ કહ્યું હતું કે બે વર્ષથી પિયાનો ક્લાસમાં જતો હતો.
આરોપી વિદ્યાર્થી પ્રદ્યુમનને ઓળખતો હતો આથી તે કોઇપણ રીતે મદદના બ્હાને સરળતાથી તેને વોશરૂમ લઇ ગયો અને તેનું ગળું કાપી નાંખ્યું. આરોપીએ કહ્યું કે પ્રદ્યુમનની પીઠ પર બેગ ટિંગાળેલી હતી, જેણે આરોપી માટે કવચનું કામ કર્યું અને તેના કપડાં પર કોઇ લોહીનું નિશાન કે છાંટા પડ્યા નહોતા.
ત્યારબાદ ચાકુને વોશરૂમમાં છોડીને તે બહાર નીકળી ગયો અને માળી અને શિક્ષકને માહિતી આપી. આ સિવાય જુવેનાઇલ જસ્ટિસ બોર્ડની સામે તેણે કથિત રીતે એ પણ કબૂલ કર્યું કે તેને પરીક્ષાનો ડર હતો અને તે કોઇપણ રીતે તેને ટાળવા માંગતો હતો.
ત્રણ દિવસના રિમાન્ડ પૂરા થયા બાદ શનિવારના રોજ સીબીઆઈએ આરોપી વિદ્યાર્થીને જુવેનાઇલ જસ્ટિસ મેજીસ્ટ્રેટ દેવેન્દ્ર સિંહની સામે હાજર કર્યો હતો. તપાસ એજન્સીએ રિમાન્ડ વધારવાની કોઇ માંગ કરી નહોતી, આથી કોર્ટે આરોપી વિદ્યાર્થીને 22 નવેમ્બર સુધી ફરીદાબાદના સુધાર ગૃહમાં મોકલી દીધો.
શનિવારના રોજ કાઉન્સલિંગ દરમ્યાન આરોપી વિદ્યાર્થીએ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડને કહ્યું કે 8 સપ્ટેમ્બરના રોજ સવારે સ્કૂલ પહોંચ્યા બાદ તેણે પોતાની બેગ ક્લાસમાં મૂકી અને સોહના માર્કેટમાંથી ખરીદેલ ચાકુ લઇને ગ્રાઉન્ડ ફ્લોર પર આવી ગયો. ગળું કાપ્યા બાદ પ્રદ્યુમનને લોહીની ઉલટી થઇ અને ચાકુ તેના પર પડ્યું, તેના લીધે બીજો ઘા થયો, જે ખૂબ જ ઉંડો હતો.