GSTV
Gujarat Government Advertisement

પોસ્ટઓફિસમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીની છે સ્કીમ, કોઈ પણ ટેંશન વગર મળશે ગેરંટેડ રિટર્ન

Last Updated on September 12, 2020 by Mansi Patel

કોરોના વાયરસ મહામારીએ આપણને એ સમજાવી દીધુ છેકે, દરેક નાની બચત અને સેફ ડિપોઝિટનું કેટલું મહત્વ છે. ઘણીવાર આપણે એક એવા સમયની રાહ જોતા હોઈએ છીએકે, જેવી કોઈ સારી રકમ હાથમાં આવશે તો અમે રોકાણ કરીશું, સામાન્ય રીતે એવો સમય આવતો જ નથી. અને આપણે બચત અને રોકાણની યોજનાઓને ટાળતા રહીએ છીએ. જો આપણે કોઈ સમયની રાહ જોયા વગર શરૂઆતથી જ નાની રકમનું રોકાણ કરવાનું શરૂ કરીએ તો ભવિષ્યમાં આપણે મોટું ફંડ મળી જશે. જ્યારે પણ નાની બચતની વાત કરીએ તો રોકાણનું સુરક્ષિત રહેવું જરૂરી છે. એવામાં પોસ્ટ ઓફિસની કેટલીક યોજનાઓ છે, જેમાં બાળકોથી લઈને વૃદ્ધો માટે રોકાણ કરી શકીએ છીએ. આ યોજનાઓમાં ખાસ વાત એ છેકે, તેમાં ગેરંટેડ રિટર્ન મળે છે. જેને કારણે તમારા પૈસા ડૂબવાનું ટેન્શન રહેતું નથી. જેમાં હવે તમે ઓનલાઈન ડિપોઝિટની પણ સુવિધા ઈન્ડિયા પેમેન્ટ પોસ્ટ બેંક (IPPB) દ્વારા લઈ શકો છો. આ નિશ્ચિંત રોકાણ કરી તમે ભવિષ્યમાં લાખોનું ફંડ બનાવી શકો છો. તો ચાલો જાણીએ પોસ્ટ ઓફિસની આ 3 મુખ્ય યોજનાઓ વિશે.

PPF

પોસ્ટ ઓફિસ PPF એકાઉન્ટ બાળકથી લઈને પુખ્ત સુધી ખોલી શકાય છે. આ ભંડોળ બાળકના ઉચ્ચ શિક્ષણ સમયે ઉપયોગી થશે. PPF એકાઉન્ટ મિનિમમ 500 રૂપિયાથી શરૂ કરી શકાય છે. ખાતા પરનું વાર્ષિક વ્યાજ દર હાલમાં 7.1 ટકા છે. નાણાકીય વર્ષમાં ખાતામાં ઓછામાં ઓછા 500 રૂપિયા અને મહત્તમ 1.5 લાખ રૂપિયા જમા કરાવવા જરૂરી છે. જો તમે મહિનાના સંપૂર્ણ વ્યાજનો લાભ લેવા માંગતા હો, તો દર મહિને 5 મી તારીખ સુધીમાં તેને PPFમાં જમા કરો. પોસ્ટ ઓફિસ PPFપર નામાંકન સુવિધા, સગીરના નામે બીજું PPF ખાતું ખોલવાની સુવિધા આપે છે. પોસ્ટ ઓફિસ PPFનો મેચ્યોરિટી સમય 15 વર્ષ છે અને તે પહેલાં બંધ કરી શકાતી નથી. જોકે, જીવનસાથી અથવા આશ્રિત બાળકોની જીવલેણ બીમારી, બાળકોનું ઉચ્ચ શિક્ષણ અથવા વિદેશમાં સ્થાયી થવા જેવા પસંદગીના કેસોમાં, 5 વર્ષ પૂરા થયા પછી જરૂર પડે તો તેને બંધ કરી શકાય છે.

પોસ્ટ ઓફિસ PPFમાં રોકાણ, તેના પરનું વ્યાજ અને પરિપક્વતા પર પ્રાપ્ત રકમ, ત્રણેયને ઇન્કમ ટેક્સ એક્ટ હેઠળ કરમાંથી મુક્તિ આપવામાં આવે છે. મેચ્યોરિટી અવધિ પૂર્ણ થયા પછી, પોસ્ટ ઓફિસ PPF ખાતાને 5 વર્ષના બ્લોકમાં લંબાવી શકાય છે. પોસ્ટ ઓફિસ PPF ખાતાના એક વર્ષ પુરુ થયા પછી અને 5 વર્ષ પૂરા થાય તે પહેલાં, તેની ઉપર લોન લઈ શકાય છે. આ સિવાય ખાતાના 5 વર્ષ પૂરા થયા પછી પણ તે પાછી ખેંચી શકાય છે. પોસ્ટ ઓફિસ પી.પી.એફ. પર ઇન્ટ્રા ઓપરેબલ નેટબેંકિંગ/મોબાઇલ બેંકિંગ દ્વારા ઓનલાઇન થાપણ સુવિધા, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક સેવિંગ્સ એકાઉન્ટમાંથી ઓનલાઇન ડિપોઝિટ સુવિધા ઉપલબ્ધ છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY)

પુત્રીઓ માટે ખાસ રૂપથી ડિઝાઈન કરવામાં આવેલી આ પોસ્ટ ઓફિસ યોજના ખૂબ જ લોકપ્રિય છે. આ યોજના હેઠળ, આ એકાઉન્ટ તમારા બાળકના જન્મ પછી ખોલી શકાય છે. SSYમાં, માતા-પિતા 10 વર્ષ સુધીની છોકરીના નામે ખાતું ખોલી શકે છે. એક બાળકીના નામે માત્ર એક ખાતું ખોલવામાં આવશે. SSY વાળા ખાતાની કિંમત ન્યૂનતમ 250 રૂપિયાથી શરૂ થઈ શકે છે. જેમાં એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછી 250 રૂપિયા અને મહત્તમ 1.5 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. વ્યાજના દરની વાત કરીએ તો, આ સમયે સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતાને પોસ્ટ ઓફિસમાં વાર્ષિક 7.6 ટકા જેટલું વ્યાજ મળી રહ્યું છે. કોઈપણ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વધુમાં વધુ 15 વર્ષ માટે રોકાણ કરી શકે છે.

સુકન્યા સમૃદ્ધિ ખાતું ફક્ત 21 વર્ષની થઈ જાય પછી જ બંધ થઈ શકે છે. જો કે, જ્યારે બાળકની ઉંમર 18 વર્ષની હોય ત્યારે નોર્મલ પ્રીમેચ્યોર ક્લોઝરની મંજૂરી છે. 18 વર્ષની ઉંમર પછી, બાળક SSY એકાઉન્ટમાંથી આંશિક રોકડ ઉપાડ કરી શકે છે. પાછલા નાણાકીય વર્ષના અંતમાં ખાતામાં બાકી રકમના 5૦% જેટલી ઉપાડની મર્યાદા છે, એસએસવાયમાં જમા કરાયેલ રકમ પર કલમ ​​80C હેઠળ રૂ. 1.5 લાખ સુધીની ટેક્સ કપાતનો દાવો કરી શકાય છે. આ ઉપરાંત જમા પરનું વ્યાજ અને પાકતી મુદત પૂર્ણ થવા પર મળેલ નાણાં પણ કરમુક્ત છે. આ રીતે SSYએ ‘EEE’ કેટેગરીની કર બચત યોજના છે.

સીનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS)

પોસ્ટ ઓફિસમાં વૃદ્ધ માતા-પિતા માટે બચત પર નિશ્ચિંત આવકનો એક શ્રેષ્ઠ વિકલ્પ છે. આ યોજનાનો પાકતી મુદત 5 વર્ષ છે. એસસીએસએસ પર વર્તમાન વ્યાજ દર વાર્ષિક 7.4 ટકા છે. આ ખાતામાં ફક્ત એક જ વાર રોકાણ કરી શકાય છે, જે ન્યૂનતમ 1000 રૂપિયાથી લઈને મહત્તમ 15 લાખ રૂપિયા સુધીની છે. એસસીએસએસ હેઠળ, 60 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિ ખાતું ખોલી શકે છે. જો કોઈ 55 વર્ષ કે તેથી વધુ પરંતુ 60 વર્ષથી ઓછી વયની છે અને તેણે VRS લીધું છે, તો તે SCSSમાં પણ એકાઉન્ટ ખોલી શકે છે. પરંતુ શરત એ છે કે તેણે નિવૃત્તિ લાભ મેળવ્યાના એક મહિનાની અંદર આ ખાતું ખોલવું પડશે અને તેમાં ડિપોઝિટ કરાતી એમાઉન્ટ રિટાયરમેન્ટ બેનિફિટ્સનું એમાઉન્ટ કરતાં વધારે ન હોવું જોઈએ. SCSS હેઠળ, ડિપોઝિટર વ્યક્તિગત અથવા તેની પત્ની/પતિ સાથે જોઈન્ટમાં એક કરતા વધારે ખાતા પણ રાખી શકે છે. પરંતુ બધા સાથે મળીને રોકાણની મહત્તમ મર્યાદા 15 લાખથી વધી શકે નહીં.

સિનિયર સિટીઝન સેવિંગ્સ એકાઉન્ટ પર પ્રિમેચ્યોર ક્લોઝરની મંજૂરી છે, પરંતુ પોસ્ટ ઓફિસ ખાતાને એક વર્ષ પૂરા થતાં પહેલાં એકાઉન્ટ બંધ કરવા પર કોઈ રસ ચૂકવશે નહીં. જ્યારે, ખાતું ખોલ્યાના 1 વર્ષ પછી ખાતું બંધ કર્યા પછી, ડિપોઝિટની 1.5% કપાત કરવામાં આવશે, 2 વર્ષ પછી, થાપણમાંથી 1% કપાત કરવામાં આવશે. મેચ્યોરિટી અવધિ પૂર્ણ થયા પછી, ખાતાને વધુ ત્રણ વર્ષ માટે લંબાવી શકાય છે. ટેક્સની વાત કરીએ તો, જો SCSS હેઠળ જો તમારી વ્યાજની રકમ વાર્ષિક રૂ.50,000થી વધારે થઈ જાય છે તો TDS કપાવા લાગે છે. જો કે, આ યોજનામાં રોકાણને આવકવેરા કાયદાની કલમ 80 સી હેઠળ મુક્તિ આપવામાં આવી છે. SCSS પર નોમિનેશન સુવિધા, એક પોસ્ટ ઓફિસથી બીજા એકાઉન્ટમાં ખાતા સ્થાનાંતરિત કરવાની સુવિધા, એક જ ઓફિસમાં બહુવિધ SCSS ખાતા ખોલવાની સુવિધા છે.

પોસ્ટ ઓફિસમાં નાણાં 100% સલામત

નાના બચત રોકાણકારો માટે પોસ્ટ ઓફિસ બચત યોજનાઓ વધુ સલામત છે. આ કારણ છે કે જો પોસ્ટલ વિભાગ રકમ પરત કરવામાં નિષ્ફળ જાય, તો પોસ્ટ ઓફિસના જમા કરાયેલા પૈસા પર સોવરેન ગેરંટી છે. એટલે કે, જો ટપાલ વિભાગ રોકાણકારોના નાણાં પાછા આપવામાં નિષ્ફળ જાય, તો સરકાર આગળ વધીને રોકાણકારોના નાણાંની બાંયધરી આપે છે. કેટલીક પરિસ્થિતિમાં તમારા પૈસા ફસાશે નહી. પોસ્ટ ઓફિસ યોજનામાં નાણાંનો ઉપયોગ સરકાર તેના કામો માટે કરે છે. આ કારણોસર, સરકાર આ નાણાંની બાંયધરી પણ આપે છે.

બીજી તરફ, બેંકમાં તમારી જમા કરાયેલી મૂડી 100 ટકા સલામત નથી. જો કોઈ બેંક ડિફોલ્ટ થાય છે, તો તે સ્થિતિમાં DICGC એટલે કે ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરેંટી કોર્પોરેશન બેંકમાં ગ્રાહકોને માત્ર 5 લાખ રૂપિયાની સલામતીની બાંયધરી આપે છે. આ નિયમ બેંકની તમામ શાખાઓને લાગુ પડે છે. આમાં મુળ અને વ્યાજ બંને શામેલ છે. એટલે કે, જો બંનેને ઉમેરીને 5 લાખથી વધુ છે, તો ફક્ત 5 લાખ જ સલામત માનવામાં આવે છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અનોખી ખેતી / કચ્છના નાના ગામમાં 15 ફૂટ સુધી ઊંચા થતા મોટા ઘાસનું વાવેતર, દુષ્કાળ જેવી સ્થિતિમાં પશુધન માટે અત્યંત ઉપયોગી

Damini Patel

ચોમાસામાં સાવધાની / મેલેરિયાનો ઉપદ્રવ ન વધે એટલા માટે પાલન કરો આ ગાઈડલાઈનનું, પાંચ મહિના ખુબ અગત્યના

Bansari

RBIએ આ ત્રણ સહકારી બેંકોને ફટકાર્યો મોટો દંડ, જાણી લેવો શું તમારું તો ખાતું નથી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!