GSTV
Home » News » સામાન્ય વરસાદે ખોલી તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ, અડધો ડઝનથી વધુ માર્ગો પર ગોઠણસમા પાણી

સામાન્ય વરસાદે ખોલી તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ, અડધો ડઝનથી વધુ માર્ગો પર ગોઠણસમા પાણી

સમગ્ર આણંદ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી બાફ અને ઉકળાટભર્યું વાતાવરણ જોવા મળ્યા બાદ મંગળવારના રોજ વહેલી સવારના સુમારે મેઘરાજાએ જિલ્લામાં પધરામણી કરી હતી. વાદળોની ગર્જના સાથે સમગ્ર જિલ્લામાં ઠેર-ઠેર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. આણંદ તાલુકામાં દોઢથી બે કલાકના સમયગાળા દરમ્યાન ૧ ઈંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા.

આણંદ શહેરની કેટલીક સોસાયટીઓના માર્ગો પર પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. બીજી તરફ વહેલી સવારે ખાબકેલ વરસાદના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓને પણ તકલીફનો સામનો કરવો પડયો હતો અને સવારની શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી પાંખી જોવા મળી હતી. જૂન માસના ચોથા સપ્તાહ સુધી વાદળોની આવન-જાવન વચ્ચે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેતા બાફ અને ઉકળાટભર્યો માહોલ જોવા મળ્યો હતો. વાદળોની આવન-જાવન વચ્ચે વરસાદે હાથતાળી આપતા જગતનો તાત ચિંતિત બન્યો હતો.

જો કે મોડે-મોડે પણ મંગળવારે વહેલી સવારના સુમારે મેઘરાજાએ સમગ્ર આણંદ જિલ્લામાં પધરામણી કરી છે. વહેલી સવારથી આણંદ શહેર સહિત જિલ્લાભરમાં મેઘ મહેર થતાં જિલ્લાવાસીઓએ કાળઝાળ ગરમીથી છુટકારો મેળવ્યો છે. અગાઉ જૂન માસના બીજા સપ્તાહમાં વાયુ વાવાઝોડાની અસરને લઈને સમગ્ર આણંદ જિલ્લામાં છુટોછવાયો વરસાદ વરસ્યો હતો. પરંતુ ત્યારબાદ જિલ્લાવાસીઓએ બાફ અને ઉકળાટભર્યા વાતાવરણનો સામનો કર્યો હતો. દરમ્યાન મંગળવાર વહેલી સવારના સુમારે વાદળોની ગર્જના સાથે મેઘરાજાની સવારી આણંદ જિલ્લામાં આવી પહોંચી હતી. વહેલી સવારના સુમારે સમગ્ર આણંદ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસ્યા હોવાના અહેવાલ સાંપડયા છે.

તો આણંદ તાલુકામાં સવારના દોઢથી બે કલાકના સમયગાળા દરમ્યાન એક ઈંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા. શહેરના આણંદ-વિદ્યાનગર રોડ, ઈસ્માઈલનગર વિસ્તાર, બોરસદ ચોકડી વિસ્તાર, ઈન્દિરાગાંધી સ્ટેચ્યુ, ૮૦ ફૂટ રોડ, એચ.એમ.પટેલ સ્ટેચ્યુ નજીક રહેણાંક વિસ્તાર સહિતના વિદ્યાનગરના મોટાબજાર, નાના બજાર વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.

તો બીજી તરફ કેટલીક રહેણાંક સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને અનેક તકલીફોનો સામનો કરવો પડયો હતો. જિલ્લામાં મેઘરાજાની પધરામણી થતા છેલ્લા ઘણાં સમયથી ચાતક નજરે વરસાદની રાહ જોઈને બેઠેલ ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. વરસાદના આગમન સાથે જ ખેડૂતો ખેતીકામમાં જોતરાયા છે. સવારના સુમારે ખાબકેલ વરસાદના કારણે નોકરી-ધંધા અર્થે જતા લોકો તેમજ શાળાએ જતા બાળકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. તો વહેલી સવારથી શરૂ થયેલ વરસાદને પગલે કેટલાક વાલીઓએ પોતાના પાલ્યને શાળાએ મોકલવાનું ટાળ્યું હતું.

સાથે સાથે વહેલી સવારથી શરૂ થયેલ વરસાદને પગલે કેટલાક ટુવ્હીલરચાલકોને પોતાનું વ્હીકલ ચાલુ કરવામાં તકલીફ પડતા ગેરેજવાળાને ત્યાં તડાકો જોવા મળ્યો હતો. આણંદ જિલ્લા પુર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ મંગળવારે સવારે 6:૦૦ થી ૮:૦૦ કલાક દરમ્યાન જિલ્લામાં કુલ ૫૮ મી.મી. વરસાદ ખાબક્યો છે. જેમાં આણંદ તાલુકામાં ૨૫ મી.મી., બોરસદ તાલુકામાં ૧૨ મી.મી., આંકલાવ તાલુકામાં ૧૪ મી.મી. અને પેટલાદ તાલુકામાં ૭ મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે જિલ્લાના ઉમરેઠ, સોજિત્રા, ખંભાત અને તારાપુર તાલુકામાં હળવા વરસાદી ઝાપટા વરસ્યા હોવાના અહેવાલ સાંપડયા છે. આ સાથે મોસમના કુલ વરસાદનો આંક ૧૯૭ મી.મી. પર પહોંચ્યો છે.

આગામી દિવસોમાં ધીમે-ધીમે વરસાદનું જોર વધશે અને મેઘરાજા મન મુકીને વરસશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. ખેડા જિલ્લામાં મોસમનો કુલ વરસાદ ૩૬૯ મીમી: ગયા વર્ષ કરતાં વધારે
મંગળવારે કેટલાક તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો: ધરતીપુત્રો માટે ચિંતાનો વિષય
ખેડા જિલ્લામાં ગત્ વર્ષની સરખામણીમાં આજ દિવસ સુધીનો ૩૬૯ મીમી વધારે વરસાદ નોંધાયો છે. આજ દિવસ સુધી જિલ્લામાં કુલ ૫૬૮ મીમી વરસાદ ખાબક્યો છે. જ્યારે ગત્ ૨૪મી જૂન ૨૦૧૮ સુધીનો કુલ વરસાદ ૧૯૯ મીમી નોંધાયો હતો. આમ, ગત્ વર્ષની સાપેક્ષે વરસાદનું પ્રમાણ વધ્યું છે. આ વર્ષે અત્યાર સુધીનો સૌથી વધુ કઠલાલ તાલુકામાં ૧૩૦ મીમી જ્યારે સૌથી ઓછો ૧૧ મીમી ખેડામાં નોંધાયો છે. મંગળવારે પડેલા વરસાદમાં માતર તાલુકામાં ૧૦મીમી, કપડવંજ તાલુકામાં ૮મીમી, મહુધા તાલુકામાં ૯મીમી, ગળતેશ્વર તાલુકામાં ૧૬મીમી વરસાદ નોંધાયો છે.

વરસાદનું પ્રમાણ નાગરિકો માટે રાહતનો શ્વાસ સાબિત થઈ રહ્યું છે. પરંતુ ધરતીપુત્રો માટે હાલ પણ તે ચિંતાનો વિષય છે. ડાંગરનાં પાક માટે જરૂરી વરસાદ ન પડયો હોવાથી ખેડૂતો સામે મૂંઝવણો ઉભી થઈ રહી છે.હાલ પણ કેટલાક જિલ્લામાં ડાંગરની વાવણી ચાલી રહી છે. જ્યાં વરસાદની આશ રાખી ખેડૂતો રોપણીમાં કાપ મુકી રહ્યાં છે. એક સમયે જ્યાં મોટા પ્રમાણમાં ડાંગરની વાવણી થતી હતી તે ખેડા જિલ્લામાં આ વર્ષે ડાંગરની વાવણી ઘટી છે. પરંતુ આગામી દિવસોમાં વધારે વરસાદ પડે તેવી આશા ખેડૂતો સેવી રહ્યાં છે.

આ તરફ આ વર્ષે પડેલો વરસાદ ગત્ વર્ષે પડેલા વરસાદના પ્રમાણમાં વધુ નોંધાયો છે. આ વર્ષે ૨૫ જૂન સુધી ખેડા જિલ્લામાં કુલ ૫૬૮ મીમી વરસાદ પડયો છે. જે વર્ષ ૨૦૧૮ની ૨૪ જુન સુધીમાં ફક્ત ૧૯૯ મીમી હતો.આમ, આ વર્ષે ૩૬૯ મીમી વરસાદ વધુ પડયો હોવાની માહિતી મળે છે. જેમાં જિલ્લામાં આજ તારીખ સુધીના કુલ વરસાદમાં નડિયાદમાં ૫૯મીમી વરસાદ ખાબક્યો છે, જે ગત્ વર્ષે ૧૬ મીમી જ નોંધાયો હતો, માતરમાં આ વર્ષે ૨૬મીમી વરસાદ પડયો છે, જે ગત્ વર્ષે ૩૨ મીમી પડયો હતો, ખેડા તાલુકામાં આ વર્ષે ૧૧ મીમી વરસાદ પડયો છે, જ્યારે ગત્ વર્ષે ૩૧મીમી પડયો હતો. મહેમદાવાદમાં ગત્ વર્ષે આજ તારીખ સુધી ૨૯મીમી વરસાદ ખાબક્યો હતો, જે આ વર્ષે ૮૨મીમી જેટલો વધુ પડયો છે, મહુધા તાલુકામાં ગત્ વર્ષે રર મીમી પડયો હતો, જ્યારે આ વર્ષે ૩૭મીમી ખાબક્યો છે. કઠલાલમાં ગત્ વર્ષે ૧૪મીમી જ પડયો હતો.

જ્યારે આ વર્ષે સૌથી વધુ ૧૩૦ મીમી પડયો છે. કપડવંજ તાલુકામાં ગત્ ૨૫મી જૂન ૨૦૧૮ સુધી ૧૮ મીમી જ વરસાદ પડેલો, જે આ વર્ષે ૧૨૬ મીમી નોંધાયો છે. જ્યારે વસો તાલુકામાં આ વર્ષે ૨૯મીમી ખાબકેલો વરસાદ ગત્ વર્ષે ફક્ત પ મીમી જ હતો. ગળતેશ્વર તાલુકામાં ગત્ વર્ષે રપમી જૂન સુધી ૨૦મીમી વરસાદ ખાબક્યો હતો, જ્યારે આ વર્ષે ૫૦મીમી ખાબકી ગયો છે. જ્યારે ઠાસરા તાલુકામાં ગત્ વર્ષે ૧૨ મીમી નોંધાયેલો વરસાદ આ વર્ષે ૧૮મીમી નોંધાયો છે. આમ, જિલ્લામાં ગત્ ૨૫મી જૂન ૨૦૧૮ સુધી ખાબકેલા વરસાદની સરખામણીમાં માતર તાલુકા અને ખેડા તાલુકામાં જ ઓછો વરસાદ પડયો છે, જ્યારે અન્ય તાલુકા મથકોમાં ગત્ વર્ષની સરખામણીએ વધુ વરસાદ નોંધાયો છે.

Read Also

Related posts

ભણતરનાં ભારથી પરેશાન આ નાનકડી બાળકીએ કહ્યુ, “PM મોદીને એક વાર તો હરાવવા જ પડશે” જુઓ VIDEO

Kaushik Bavishi

વાંદરાના હાથમાં લાગ્યો માલિકનો ફોન તો ધડાધડ કરી નાખી ઓનલાઈન શોપિંગ, પછી થયુ એવુ કે…

Kaushik Bavishi

ઈઝરાઈલમાં પેલેસ્ટાઈન આતંકીઓએ તાકી મિસાઈલો, વીડિયો આવ્યો સામે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!