બિહારમાં ચમકી તાવના કારણે થઈ રહેલ મૃત્યુમાં હવે જ્યારે થોડો ઘટાડો થઈ રહ્યો છે ત્યાં રાજકારણ ગરમાયું છે. વિપક્ષ સરકાર પર સતત પ્રહારો કરી રહ્યું છે ત્યાં સરકારમાં પણ અંદરોઅંદર ખેંચતાણ વધી રહી છે તેવા સમાચાર આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બિહારના સીએમ નીતીશ કુમાર સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડેનું રાજીનામું માંગી રહ્યા છે. જોકે, બીજેપીએ સ્પષ્ટ કરી દીધું છે કે, મંગલ પાંડે રાજીનામું નહીં આપે. આ જોતાં બીજેપી-જેડીયૂ વચ્ચે રાજકારણ ખેંચતાણ થવાની શક્યતા છે.

રાજીનામાની માંગ પર અડગ જેડીયૂ
જાણકારી અનુસાર નીતીશ કુમાર નૈતિકતાના આધારે મંગલ પાંડે પર રાજીનામાનું દબાણ વધારી રહી છે. મુખ્યમંત્રીનું માનવું છે કે, ચમકી તાવના કારણે બાળકોના મૃત્યુ પર સરકાર પર જે રીતે માછલાં ધોવાઇ રહ્યાં છે, તેના આધારે આ રાજીનામાથી સરકારને થોડી રાહત મળી શકે છે. સીએમનું માનવું છે કે, તાવની બાબત સીએમ કરતાં વધારે સ્વાસ્થ્ય વિભાગની જવાબદારી હતી અને એટલે તે મંગલ પાંડેની જવાબદારી છે.

મંગલ પાંડે સાથે બીજેપી
બીજેપીના નેતાઓનું માનવું છે કે, આવું દર વર્ષે થાય છે, માટે તેના માટે દીર્ધકાલીન નીતિ બનાવવાની રહેશે, જે બિહાર સરકારે બનાવવાની રહેશે. આરોપ-પ્રત્યારોપના રાજકારણ વચ્ચે બંને પાર્ટીઓ વચ્ચે ખેંચતાણ વધી છે.

બિહાર બીજેપીનો મોટો ચહેરો મંગલ પાંડે
મંગલ પાંડે બિહાર બીજેપીના કદાવર નેતા ગણાય છે. ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીના નજીકના નેતા હોવાની સાથે રાષ્ટ્રીય સ્તર પર પણ તેમની ઓળખ એક સશક્ત સંગઠનકર્તાની પણ છે. બિહારમાં બીજેપીના અધ્યક્ષ તરીકે તેમણે પાર્ટીનું વિસ્તરણ કર્યું હતું અને ઝારખંડ અને હિમાચલ પ્રદેશના ચૂંટણી પ્રભાવી રહ્યા ત્યારે બંને રાજ્યોમાં પાર્ટીને જીત અપાવી હતી.

તો શું જબરજસ્તી રાજીનામું લેશે સીએમ નીતીશ?
સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર મુખ્યમંત્રી નીતીશ કુમારે તો એમ પણા કહ્યું છે કે, અત્યારે રાજીનામુ આપી દો, પછી એડજસ્ટ કરી લેશું. જોકે બીજેપી તેમના આ કદાવર નેતા પર આંચ આવવા દેવા નથી માંગતી. એટલે હવે સવાલ એ છે કે, શું હવે નીતીશ કુમાર જબરજસ્તી આ મંત્રીનું રાજીનામું લેશે?