પીએનબી કૌભાંડ મામલે અલ્હાબાદ બેન્કના પૂર્વ ડિરેક્ટર દિનેશ દુબેએ દાવો કર્યો છે કે પીએનબીના કૌભાંડ માટે તત્કાલિન યુપીએ સરકાર જવાબદાર છે. દિનેશ દૂબેનું કહેવું છે કે, નીરવ મોદીના મામા મેહુલ ચોકસીને લોન આપવાનો તેમણે વિરોધ કર્યો હતો. છતાં અલ્હાબાદ બેન્કે મેહૂલ ચોકસીને 50 કરોડની લોન આપી હતી.
ગીતાંજલી જેમ્સની તે વખતે 1500 કરોડની લોન બાકી હતી. 1500 કરોડની લોન બાકી હોવાથી દુબેએ 50 કરોડની વધુ લોન આપવાનો વિરોધ કર્યો હતો. આ ઉપરાંત દૂબેએ આ મામલે આરબીઆઈને પણ પત્ર લખ્યો હતો. છતાં આરબીઆઈએ દુબેના પત્ર પર કોઈ ધ્યાન આપ્યું ન હતું. દુબેએ કહ્યું કે, જો મને સાંભળ્યો હોત તો પીએનબીનું 11300 કરોડનું કૌભાંડ ન થાત. દૂબેના આ વિરોધ બાદ તેમના પર નાણા મંત્રાલયના અધિકારી અને અલ્હાબાદ બેન્કના અધિકારીઓએ રાજીનામું આપવા માટે દબાણ કર્યુ હતું. અને આ દબાણને લઈને ફેબ્રુઆરી 2014માં દિનેશ દૂબેએ ડિરેક્ટર પદેથી રાજીનામું આપ્યું હતું. સાથે જ દૂબેએ એવો પણ આક્ષેપ લગાવ્યો છે કે લોન આપવામાં બોર્ડનો દુરુઉપયોગ થાય છે.