ભારત ચીનની લદ્દાખ સરહદે હાલ ભરેલા અગ્નિ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે ગઈકાલે બંને સેનાઓ વચ્ચે અથડામણબાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક્શનમાં આવ્યા છે. ભારત-ચીન સરહદ વિવાદને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે કંઈક નવું કરવાની નીતિ અપનાવી હોય તેવું લાગી રહ્યું છે.

ભારત ચીન સરહદ વિવાદને લઈને વડાપ્રધાન મોદીએ એક સર્વપક્ષીય બેઠક બોલાવી છે જેમાં તમામ કેન્દ્રીય પક્ષોના અધ્યક્ષ સામેલ થશે. 19 જુનની સાંજે 5 વાગે બેઠક બોલાવવામાં આવી છે. જેમાં ભારત ચીન સરહદ વિવાદ પર ચર્ચા કરવામાં આવશે.
19 જૂને મળશે વર્ચ્યુઅલ બેઠક
માહિતીની જાણકારી આપતા પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી બુધવારે એક ટ્વીટ કરવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું છે કે, “ભારત ચીન સીમા ક્ષેત્રોની સ્થિતિને લઈને ચર્ચા કરવા માટે પ્રધાનમ્ણરી નરેન્દ્ર મોદીએ 19 જૂનની સાંજે 5 વાગે એક સરપક્ષીય બેઠક બોલાવી છે. જુદા જુદા રાજકીય પક્ષોના અધ્યક્ષ આ વર્ચ્યુઅલ બેઠકમાં હાજરી આપશે.
પ્રધાનમંત્રી નિવાસે મળી સીસીએસની મહત્વની બેઠક
તો આ પહેલા, ગલવાન ઘાટીમાં ચીન સાથેના તણાવ બાદ મોડી રાત્રે વડાપ્રધાન મોદીના નિવાસસ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી એટલે કે સીસીએસની મહત્વપૂર્ણ બેઠક મળી. આ બેઠકમાં ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ તેમજ વિદેશપ્રધાન એસ. જયશંકર ઉપસ્થિત રહ્યા. જે બાદ વડાપ્રધાન મોદી અને અમિત શાહ વચ્ચે મોડી રાત્રિ સુધી આગામી રણનીતિ મુદ્દે મંથન ચાલ્યું.
રાજનાથ સિંઘે વ્યક્ત કર્યું દુઃખ
ઉલ્લેખનીય છે કે ગાઇકાલે થયેલ અથડામણમાં શહીદ થયેલ જવાનોને લઈને રક્ષા પ્રધાન રાજનાથ સિંહે દુઃખ વ્યક્ત કર્યું હતું. રાજનાથ સિંહે જણાવ્યું હતું કે દેશ જવાનોની બહાદુરી અને કુરબાનીને ક્યારેય નહિ ભૂલે. શહીદ જવાનોના પરિવારો પ્રત્યે મને સહાનુભૂતિ છે અને દેશ આ કપરા સમયમાં તેમના ખભા થી ખભો મિલાવીને ઉભો છે. દેશના આ જાંબાઝ જવાનોની બહાદુરી અને ખુમારી માટે દેશને ગર્વ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગલવાન વેલીમાં દેશના જવાનો શહીદ થયા તે અત્યંત વ્યથિત કરી દેનાર અને દુઃખદાયી છે. આપણા જવાનોએ અમારા સૈનિકોએ પોતાની ફરજ નિભાવતા અનુકરણીય હિંમત અને બહાદુરી દર્શાવી અને ભારતીય સેનાની પરંપરા મુજબ દેશદાઝ માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી.
પીએમ મોદીના મૌનને રાહુલ ગાંધીએ કર્યા હતા સવાલ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વિટ કરી મોદી સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું છે કે પીએમ મોદી ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે શું છુપાવી રહ્યા છે અને તેઓ મૌન કેમ છે. વધુમાં રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે ચીનની હિમ્મત કેવી રીતે થઇ કે તે ભારતીય જવાનોને મારી શકે. ભારતીય જમીન પચાવી પાડવાની ચીનની હિમ્મત કેવી રીતે ચાલી.