GSTV

લોકાર્પણ/ પીએમ મોદીએ ગુજરાતીઓને આપી આ ત્રણ મોટી ભેટ : ખેડૂતો અને સામાન્ય જનતાને થશે આ ફાયદો

મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવરાત્રિ ઉત્સવની અષ્ટમીએ ગુજરાતને આરોગ્ય રક્ષા, પ્રવાસન વિકાસ અને કૃષિ કલ્યાણના ત્રિવિધ વિકાસ પ્રકલ્પોની ડિઝીટલ માધ્યમથી ભેટ અર્પણ કરી છે. નવી દિલ્હીથી વિડીયો લીંક દ્વારા પીએમ મોદીએ ગુજરાતના આ ત્રણ પ્રકલ્પોને પ્રજાર્પણ કર્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સૌરાષ્ટ્રના જુનાગઢથી તેમજ નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ અમદાવાદથી આ ઇ-લોકાર્પણમાં સહભાગી થયા.જૂનાગઢમાં ગિરનાર રોપ વે લોકાર્પણના કાર્યક્રમમાં હાજરી આપતા સીએમ રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા. તેમણે જણાવ્યુ હતુ કે, ગુજરાતના વિરોધી લોકોએ અનેક યોજનાને ખોરંભે પાડવા પ્રયાસ કર્યા જેમા એક ગિરનાર રોપ-વે અને સરદાર સરોવર ડેમ યોજનાનો પણ સમાવેશ થાય છે. પરંતુ આજે કેન્દ્રમાં ભાજપની સરકાર આવતા આપણને રોપ વેની ભેટ મળી છે.

યુ.એન.મહેતા હાર્ટ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટને રૂા. ૪૭૦ કરોડના ખર્ચે વધુ સુસજ્જ બનાવી

વડાપ્રધાન પી.એમ.મોદીના હસ્તે યુ.એન મહેતા હોસ્પિટલનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. યુ.એન.મહેતા હોસ્પિટલ ભારતની સૌથી મોટી હૃદય રોગ હોસ્પિટલ બની છે. યુ.એન.મહેતા હોસ્પિટલ 470 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે.ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલ યુએન મહેતા હોસ્પિટલમાં હાજરી આપી હતી. તેઓએ કહ્યુ હતુ કે આ હોસ્પિટલમાં નવજાતથી લઇ વૃદ્ધાવસ્થા સુધીના દર્દીઓને સંપૂર્ણ સારવાર થશે.

નીતિને પટેલે કહ્યું હતુ કે કોરોના કાળમાં સૌથી પહેલી આ હોસ્પિટલની પ્રાથમિકતા કોરોના સારવારના દર્દીઓની રહેશે. નીતિન પટેલે કહ્યું હતુ કે આ નવી યુએન મહેતા હોસ્પિટલમાં ત્રણ હજાર દર્દીઓની સારવાર કરવામાં આવી છે. એશિયાની સૌથી મોટી સિવીલ હોસ્પિટલ અમદાવાદ કેમ્પસમાં કાર્યરત યુ.એન.મહેતા હાર્ટ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટને રૂા. ૪૭૦ કરોડના ખર્ચે વધુ સુસજ્જ બનાવીને અત્યાધુનિક સાધન-સારવારથી સજ્જ કરાઇ છે. હૃદયરોગની શ્રેષ્ઠ સારવાર આપતી આ હોસ્પિટલમાં ૮૫૦ પથારીની સુવિધા ઉપલબ્ધ બની છે.

ઉપરાંત નાના બાળકો કે જન્મતાની સાથે કે જન્મ્યા બાદ હૃદયની બિમારી ધરાવતા હોય તેમને હૃદયરોગની સઘન સારવાર આપવા માટે અલાયદી વ્યવસ્થા આ હોસ્પિટલમાં ઉભી કરાઇ છે તેનું ઇ-લોકાર્પણ વડાપ્રધાને કર્યુ. આ ઉપરાંત, ઐતિહાસિક તીર્થ નગરી જુનાગઢના ગિરનાર પર્વતની ટોચે ભગવાન દત્તાત્રેયની ટૂક-અંબાજીધામ જવા-આવવા માટેના રોપ-વેનું પણ લોકાર્પણ કર્યુ છે.

એશિયાના સૌથી લાંબા રોપ-વેનું લોકાર્પણ

રોપ

એશિયાના સૌથી લાંબા ૨.૩ કિ.મી. લંબાઇ ધરાવતાં તેમજ દેશના અદ્યતન ટેકનોલોજીયુકત આ રોપ-વે દ્વારા રોજના હજારો યાત્રિકો હવે સરળતાએ અને પગથિયા ચડયા વિના ગિરનારની ટોચે પહોચી શકશે. પ્રત્યેક ટ્રોલી કેબિનમાં ૮ વ્યકિતની ક્ષમતા ધરાવતી કુલ રપ ટ્રોલી કેબિન આ રોપ-વે માં કાર્યરત રહેશે અને દર કલાકે બેય તરફ ૮૦૦ જેટલા યાત્રિકો અવર-જવર કરી શકશે. ગુજરાતની વિશ્વખ્યાતિ સમા એશિયાટીક લાયન જોવા માટે આવતા લાખ્ખો પર્યટકો માટે પણ આ રોપ-વે એક નવું પ્રવાસન નજરાણું બનશે. રોપ-વે દ્વારા ગીરનારના જંગલને ઊંચાઇએથી જોવાનો અનેરો લ્હાવો પર્યાવરણ પ્રેમીઓને મળશે જેના પરિણામે રાજ્યના પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. તથા સ્થાનિક કક્ષાએ વધુ રોજગારીનું પણ સર્જન થશે.

ખેડૂતો માટે આ યોજનાનો પ્રારંભ

ખેડૂતો

વડાપ્રધાને આ બે વિકાસ પ્રકલ્પો સાથે રાજ્યના ધરતીપુત્રોને સિંચાઇ-ખેતી માટે દિવસે વીજળી આપતી કિસાન સૂર્યોદય યોજનાના પ્રથમ ચરણનો પણ શનિવારે વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો. રાજ્યના દાહોદ, જુનાગઢ અને ગિર-સોમનાથના ૧પ૭૦ ગામોના ધરતીપુત્રોને પ્રથમ તબક્કે આ કિસાન સૂર્યોદય યોજના તળે આવરી લેવાશે. કિસાન સૂર્યોદય યોજના હેઠળ ખેડૂતને ખેતીવાડીના વપરાશ માટે દિવસ દરમ્યાન વીજ પુરવઠા માટે ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨ અંતિત ૧૭૫ ગીગાવોટ બિનપરંપરાગત ઊર્જા ઉત્પાદન ક્ષમતા પ્રસ્થાપિત કરવાનો લક્ષ્યાંક નિશ્ચિત કરવામાં આવ્યો છે. જેમાં ૧૦૦ ગીગાવોટ (૧ લાખ મેગાવોટ) સૌર ઊર્જાનો તથા ૭૫ ગીગાવોટ (૭૫૦૦૦ મેગાવોટ) પવન ઊર્જાનો સમાવેશ છે.

મહેસૂલ મંત્રી કૌશિક પટેલ સહભાગી થયા

રાજય સરકાર દ્વારા બિન-પરંપરાગત ઊર્જા ઉત્પાદનને (પવન અને સૌર ઊર્જા) પ્રોત્સાહન આપવા માટે નીતિઓ પણ જાહેર કરવામાં આવી છે. ગુજરાત ભારતના પશ્ચિમ છેડે હોવાથી ભૌગોલીક દ્રષ્ટિએ બિનપરંપરાગત ઊર્જાનો સ્ત્રોતો ખાસ કરીને પવન અને સૌર ઊર્જાના ઉત્પાદન માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ છે. રાજ્યની હાલની સૌર ઊર્જા ઉત્પાદન ક્ષમતા ૩૧૨૮ મેગાવોટ છે જે આગામી વર્ષોમાં ૧૦૭૫૦ મેગાવોટ કરવાનું આયોજન છે. ગુજરાતના ખેડૂતોને દિવસે વીજળી આપવાની કિસાન સૂર્યોદય યોજનામાં આ સૌરઊર્જા ઉત્પાદન મહત્વનું સિમાચિન્હ બનશે. વડાપ્રધાન દ્વારા ગુજરાતના આ ત્રણેય વિકાસ પ્રકલ્પના લોકાર્પણ અવસરે મહેસૂલ મંત્રી કૌશિકપટેલ અમદાવાદથી સહભાગી થયા હતાં.

Read Also

Related posts

ગણદેવી : બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત થતા ડોક્ટરનું ઘટના સ્થળે જ મોત

Nilesh Jethva

કાલુપુર રેલવે સ્ટેશન બની શકે છે કોરોનાનું સુપર સ્પ્રેડર સ્ટેશન, નથી થતા મુસાફરોના ફરજીયાત ટેસ્ટ

pratik shah

કોરોનામાં તંત્રએ ફાટકારેલા દંડ સામે વેપારીઓમાં ભારે રોષ, પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી બજારો બંધ રાખવાનો નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!