GSTV
Uncategorized

ચેતવણી/ તમારું વર્તન બદલો નહીં તો તમને જ બદલી નાંખીશું, ભાજપ સાંસદોથી મોદી નાખુશ

સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવામાં ગૃહમાં વારંવાર ગેરહાજર રહેતા ભાજપ સાંસદોથી નાખુશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે તેમની ઝાટકણી કાઢી હતી. ભાજપ સાંસદોની ટીકા કરતાં વડાપ્રધાને ચેતવણી આપતા કહ્યું કે કોઈપણ સાંસદ ગૃહમાં ગેરહાજર ના રહે. તમે તમારું વર્તન બદલો નહીં તો તમે બદલાઈ જશો. તેમણે સાંસદોને બાળકો જેવું વર્તન નહીં કરવા પણ ચેતવણી આપી હતી. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે બાળકોને પણ વારંવાર ટોકવામાં આવે તો તેમને ગમતું નથી.

ભાજપ સાંસદોથી મોદી નાખુશ

સંસદના બંને ગૃહની કાર્યવાહી શરૂ થતા પહેલા ભાજપના સંસદીય પક્ષની બેઠકને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ સંસદીય કાર્ય મંત્રીને ગૃહમાં ગેરહાજર રહેનારા સાંસદોની યાદી બનાવવા કહ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે, સંસદમાં ભાજપ સાંસદોની ગેરહાજરી પર નારાજગી વ્યક્ત કરતા વડાપ્રધાને કહ્યું કે, બાળકોને વારંવાર ટોકવામાં આવે તો તેમને પણ સારું નથી લાગતું. તમને વારંવાર સમજાવવા એ મારા માટે પણ સારું ન ગણાય. તમારામાં પરિવર્તન લાવો નહીં તો પરિવર્તન આમ પણ થતા જ હોય છે.

વડાપ્રધાને કહ્યું કે, સંસદની કાર્યવાહી અને બેઠકોમાં નિયમિત હાજરી આપો અને લોકોના હિતોના કામ કરો. ગૃહમાં સમયસર આવો, તમારો વારો હોય ત્યારે જ બોલો. ગૃહમાં હાજરીની સ્પર્ધામાં ભાગ લો. તમારી ગેરશિસ્ત અંગે હું હેરાન થતો રહું અને બાળકોની જેમ તમને સમજાવતો રહું તે યોગ્ય નથી. તમારા મતવિસ્તારમાં લોકોને સરકારના કામોથી માહિતગાર કરો.વડાપ્રધાને સાંસદોને સૂર્યનમસ્કાર કરવાની સલાહ આપતા કહ્યું, તેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

ગેરહાજર રહેનારા સાંસદો પાસેથી જવાબ માગવામાં આવ્યો

સાંસદોની ગેરહાજરીના કારણે ભાજપ અનેક વખત મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. ખાસ કરીને રાજ્યસભામાં સાંસદોની ગેરહાજરી ભાજપ માટે મુશ્કેલીરૂપ બને છે. ગૃહમાંથી ગેરહાજર રહેનારા સાંસદો પાસેથી જવાબ પણ માગવામાં આવ્યો છે. સંસદના શીયાળુ સત્રમાં ભાજપ સંસદીય પક્ષની આ પહેલી બેઠક હતી. સામાન્ય રીતે ભાજપ સંસદીય પક્ષની બેઠક સંસદ પરિસરની લાઈબ્રેરી બિલ્ડિંગમાં થાય છે, પરંતુ ત્યાં સમારકામ ચાલી રહ્યું હોવાથી પહેલા સપ્તાહમાં સંસદીય પક્ષની બેઠક થઈ શકી નહોતી. આ બેઠક મંગળવારે આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્રમાં થઈ હતી, જેમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા.

વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભાજપ સંસદીય પક્ષે ઓલિમ્પિક પદક વિજેતાઓને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. વડાપ્રધાને પક્ષના સાંસદોને સૂચન કર્યું કે તેઓ પોતાના મતવિસ્તાર ક્ષેત્રોમાં વધુમાં વધુ લોકોને રમતોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે અને પોષણ અભિયાન અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને પણ પ્રોત્સાહન આપે. આ બેઠકમાં ભગવાન બિરસા મુંડાની જયંતીને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઊજવવાની જાહેરાત કરવા માટે કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા સહિત અન્ય આદિવાસી સાંસદોએ વડાપ્રધાન મોદીનું સન્માન કર્યું હતું.

Read Also

Related posts

Budget 2023 / દુનિયાભરમાં અલગ- અલગ દેશોમાં આવકવેરાના દર, જાણો ભારત ક્યા નંબર પર?

Hardik Hingu

Defence Budget : જાણો છેલ્લા 3 વર્ષમાં સંરક્ષણ ક્ષેત્રનું બજેટ કેવું રહ્યું

Nakulsinh Gohil

Business Budget 2023 / ઈલેક્ટ્રોનિક – જ્વેલરી થઈ શકે છે મોંઘી, બજેટમાં આયાત પર કસ્ટમ ડ્યુટી વધવાના એંધાણ

Hardik Hingu
GSTV