આતંકવાદ સામેની લડાઈમાં હંમેશા ભારતની સાથે હોવાની ફ્રાન્સની ખાતરી : ફ્રાન્સમાં મસૂદની સંપત્તિ જપ્ત

સંયુક્ત રાષ્ટ્રસંઘમાં મસૂદ ઉપર પ્રતિબંધ મૂકવામાં ચીને અવરોધ ખડો કર્યો તે પછી ફ્રાન્સે આતંકવાદી મસૂદ અઝહર વિરૃદ્ધ ખૂબ મહત્વનું પગલું ભર્યું હતું. ફ્રાન્સના ગૃહ અને વિદેશ મંત્રાલયે સંયુક્ત રીતે મસૂદની સંપત્તિ જપ્ત કરવાની જાહેરાત કરી હતી.

ફ્રાન્સના ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલયના એક સંયુક્ત નિવેદનમાં કહેવાયું હતું કે આતંકવાદી મસૂદ અઝહરની સંપત્તિ જપ્ત કરવાનો નિર્ણય લેવાયો છે. ફ્રાન્સ હંમેશા આતંકવાદ વિરૃદ્ધની લડાઈમાં ભારતની તરફેણમાં છે એવું કહીને ફ્રાન્સે યુરોપિયન સંઘમાં પણ મસૂદ ઉપર પ્રતિબંધ મૂકવાની પ્રક્રિયા હાથ ધરાશે એમ કહ્યું હતું.

આતંકવાદી મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવે તે માટેની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, પરંતુ ચીને વિટો વાપરીને તેમાં અવરોધ ખડો કર્યો હતો. તે પછી હવે ફ્રાન્સે આક્રમક પગલું ભરીને મસૂદની સંપત્તિ જપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. ફ્રાન્સે કહ્યું હતું કે પુલવામા હુમલામાં જૈશ-એ-મોહમ્મદનો હાથ હતો એટલે તેના આતંકી વડા મસૂદની વિરૃદ્ધ થઈ રહેલી કાર્યવાહીમાં ફ્રાન્સ ભારતની સાથે છે.

ફ્રાન્સે કહ્યું હતું કે યુરોપિયન દેશો સાથે વાર્તાલાપ કરીને મસૂદ ઉપર યુરોપિયન સંઘ પ્રતિબંધ મૂકે તે માટેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. મસૂદ અને તેના આતંકવાદી સંગઠનો ઉપર યુરોપિયન સંઘમાં પ્રતિબંધ મૂકાય તો મસૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાનું દબાણ વધે તે આશયથી ફ્રાન્સે આ કવાયત આદરી છે.

ફ્રાન્સના આ મહત્વના નિર્ણયને ભારતે આવકાર્યો હતો. ભારતના વિદેશ મંત્રાલયના એક નિવેદનમાં કહેવાયું હતું કે ફ્રાન્સના નિર્ણયથી મસૂદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં સરળતા રહેશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter