તમિલનાડુના કોયમ્બતૂર જિલ્લામાં શહીદ ભગતસિંહની જયંતી મનાવવાને કારણે એક સરકારી કોલેજે એક વિદ્યાર્થિનીને સસ્પેન્ડ કરવામાં આવી છે. વિદ્યાર્થિનીએ પોતાને સસ્પેન્ડ કરવાની કાર્યવાહીને અભિવ્યક્તિની સ્વતંત્રતાના દમનરૂપ ગણાવી છે. અધિકારીઓએ ક્હ્યુ છે કે પ્રિન્સિપાલની મંજૂરી વગર સરકારી કલા અને વિજ્ઞાન મહાવિદ્યાલયના પરિસરમાં 28 સપ્ટેમ્બરે ભગતસિંહની જયંતીની ઉજવણીને કારણે એમ. એ. પ્રથમ વર્ષની વિદ્યાર્થિની એસ. મલાતીને પહેલી ઓક્ટોબરે સસ્પેન્ડ કરવામાં આવી હતી.
આના સંદર્ભે કોલેજના પ્રિન્સિપાલ ચિત્રાએ ક્હ્યું છે કે મલાતીએ મંજૂરી વગર સભા કરી અને તેનાથી કોલેજ પરિસરની શાંતિ પર અસર પડી હતી. જેને કારણે તેને સસ્પેન્ડ કરવામાં આવી છે. મલાતીએ કહ્યું છે કે તેને પોતાના સસ્પેન્શનની એક પ્રોફેસર દ્વારા જાણકારી મળી હતી. તેણે કહ્યું છે કે કોલેજના પદાધિકારીઓએ તેને કહ્યુ હતુ કે આના સંદર્ભે તેના નિવાસસ્થાને પત્ર મોકલવામાં આવ્યો હતો. પરંતુ આ પત્ર હજી સુધી તેના ઘરે પહોંચ્યો નથી.
પ્રિન્સિપાલે કહ્યું હતું કે મલાતીને કહેવામાં આવ્યું હતું કે તે બેઠક માટે સંબંધિત વિભાગની મંજૂરી લે, પરંતુ તેણે આમ કર્યું નહીં. મલાતીને પત્ર મોકલીને સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યું છે. 22 ઓક્ટોબરે આની તપાસ કરવામાં આવશે. તેના આધારે ભવિષ્યની કાર્યવાહી મામલે નિર્ણય કરવામાં આવશે.