પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો, ઓલ-ટાઈમ હાઈ પહોંચ્યો, જાણો લોકોની પ્રતિક્રિયા

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો યથાવત છે. રૂપિયામાં નરમાઈ અને ક્રૂડ ઑઈલની કિંમત વધવાથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ભડકો થયો છે. દિલ્હીમાં સોમવારે પેટ્રોલના ભાવ 31 પૈસા વધી 79.15ના હાઈસ્તરે પહોંચી ગઈ છે. તો મુંબઈમાં પેટ્રોલના ભાવ 86.56 રૂપિયા થઈ ગયા છે. સોમવારે ડીઝલના ભાવમાં પણ મોટો વધારો નોંધાયો છે. ડીઝલની કિંમત 44 પૈસા વધી મુંબઈમાં લીટર દીઠ 75.54 રૂપિયા થઈ છે. તો દિલ્હીમાં ડીઝલની કિંમત લીટર દીઠ 71.15 થઈ છે.

ગુજરાતના મુખ્ય ચાર શહેરોના પેટ્રોલ ડિઝલના ભાવ

ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના મુખ્ય ચાર શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ નીચે પ્રમાણે છે. અમદાવાદમાં પેટ્રોલ-ડીઝલમાં આજનો ભાવ અનુકમે 78.37, 76.40 રૂપિયા છે, ગઈ કાલે 78.06, 75.98 રૂપિયા હતો. વડોદરામાં પેટ્રોલ-ડીઝલમાં આજનો ભાવ અનુકમે 78.09, 76.13 રૂપિયા છે. સુરતમાં પેટ્રોલ-ડીઝલમાં આજનો ભાવ અનુકમે 78.29, 76.35 રૂપિયા છે. તો રાજકોટમાં પેટ્રોલ-ડીઝલમાં આજનો ભાવ અનુકમે 78.12, 76.17 રૂપિયા છે, જે ગઈકાલે 77.81, 75.75 રૂપિયા હતો.

સરકારી ઑઈલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ચાલી રહેલા ભાવ ગ્રાહકો પાસેથી વસૂલે છે. આ સિવાય આ કંપનીઓ રૂપિયાના દર અને ટેક્સને જોડે છે. ડૉલરના મુકાબલે રૂપિયો 71ની સપાટી પાર કરી ચૂક્યો છે. એક મહિનામાં ડૉલરના મુકાબલે 2.5 રૂપિયાની નરમાઈ આવી છે. છેલ્લા 15 દિવસમાં ક્રુડના ભાવમાં 7 ડૉલર પ્રતિ બેરલનો વધારો થયો છે. ક્રુડ ઑઈલની ચાલુ વર્ષે વધુ માંગ રહેવાથી પેટ્રોલ-ડીઝલની કિંમત વધવાની સંભાવના છે.

ડૉલરના મુકાબલે રૂપિયાની નરમાશને કારણે CNG અને PNGની પણ કિંમત વધી છે. ઈન્દ્રપસ્થ ગેસે CNGના ભાવ 63 પૈસા વધાર્યા છે. કુદરતી ગેસની કિંમતમાં પણ ચાલુ મહિને સમીક્ષા થવાની છે. તેના ભાવ 14 ટકા વધવાની સંભાવના છે.

પેટ્રોલ-ડીઝલનો ભાવ વધવાથી તેની સીધી અસર મોંઘવારી અને ઈકોનૉમી પર પડે છે. જો મોંઘવારી વધે છે તો રીઝર્વ બેંક વ્યાજદરમાં વધારો કરી તેને અંકુશમાં લાવી શકે છે. જેના કારણે તમારી લોન પણ મોંઘી થઈ શકે છે. કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ વસૂલે છે. આ ટેક્સમાં ઘણી વખત કપાતની માંગ ઉઠી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter