પેટ્રોલ અને ડીઝલની સાથે મંગળવારે રાંધણ ગેસમાં પણ પ્રતિ સિલિન્ડર રૂ. ૫૦નો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના કારણે લગભગ સાડા ચાર મહિનાથી પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવમાં વધારો થયો નહોતો. જોકે, હવે સરકારી ઓઈલ કંપનીઓએ ભાવવધારો શરૂ કર્યો છે. પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લીટર ૮૦ પેસાનો ભાવ વધારો કરાયો છે, જેને પગલે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૫.૯૧ અને ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૮૯.૯૧ થયો છે. એજ રીતે ૧૪.૨ કિલોના એલપીજી સિલિન્ડરનો ભાવ રૂ. ૫૦ વધીને રૂ. ૯૫૬ થયો છે. આ સાથે સબસિડીવાળા એલપીજી સિલિન્ડરનો ભાવ પહેલી વખત વિક્રમી સ્તરે પહોંચ્યો છે.

સરકારી ઓઈલ કંપનીઓએ સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલમાં ૮૦ પૈસાનો વધારો કર્યો
રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વિક્રમી ઊછાળાને કારણે પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવમાં વિક્રમી ઊછાળો આવ્યો છે. સરકારી ઓઈલ કંપનીઓએ સતત બીજા દિવસે પેટ્રોલ અને ડીઝલમાં ૮૦ પૈસાનો વધારો કર્યો છે. આ સાથે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૯૫.૮૭થી વધીને રૂ. ૯૬.૬૭ થયો છે જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. ૮૯.૯૧થી વધીને રૂ. ૯૦.૭૩ થયો છે. આ ભાવ બુધવારે વહેલી સવારથી અમલમાં આવશે. સરકારી ઓઈલ કંપનીઓએ સોમવારે પણ એક સાથે ૮૦ પૈસાનો તોતિંગ વધારો કર્યો હતો. વેટ સહિતના સ્થાનિક કરને કારણે રાજ્યોમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના ભાવમાં આંશિક ફેરફાર રહે છે. માર્ચ મહિનામાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસ ઉપરાંત દૂધ, સીએનજી, ચા, કોફી સહિતની અનેક વસ્તુઓના ભાવમાં પણ વધારો થતાં મોંઘવારીએ માઝા મુકી છે.

દિલ્હી અને મુંબઈમાં સબસિડીવગરના ૧૪.૨ કિલોના એલપીજી સિલિન્ડરનો ભાવ રૂ. ૯૪૯.૫૦
દિલ્હી અને મુંબઈમાં સબસિડીવગરના ૧૪.૨ કિલોના એલપીજી સિલિન્ડરનો ભાવ રૂ. ૯૪૯.૫૦ જ્યારે કોલકાતામાં રૂ. ૯૭૬ થયો છે. દેશમાં છેલ્લે ૬ઠ્ઠી ઑક્ટોબર, ૨૦૨૧ના રોજ એલપીજીના ભાવમાં ફેરફાર થયો હતો. જુલાઈ અને ઑક્ટોબર ૨૦૨૧ વચ્ચે એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ. ૧૦૦નો વધારો થયો હતો. ગ્રાહક એલપીજીમાં વાર્ષિક ૧૨ સિલિન્ડરનો ક્વોટા પૂરો થયા પછી રાંધણ ગેસનો જે સિલિન્ડર ખરીદે તેને સબસિડીવગરનો સિલિન્ડર કહેવાય છે. જોકે, સરકારે મોટાભાગના શહેરોમાં એલપીજી પર સબસિડી ચૂકવવાનું બંધ કરી દીધું છે. સબસિડીવાળા એલપીજી સિલિન્ડરનો અત્યાર સુધીનો આ વિક્રમી ભાવ છે.

સબસિડી વગરના એલપીજી સિલિન્ડરનો ભાવ જાન્યુઆરી ૨૦૧૪માં રૂ. ૧,૨૪૧ની ટોચે પહોંચી ગયો હતો, પરંતુ તે સમયે કેન્દ્ર સરકાર પ્રતિ સિલિન્ડર રૂ. ૬૦૦ની સબસિડી આપતી હતી. મે ૨૦૨૦થી કેન્દ્ર સરકાર દ્વારા એલપીજી પર પ્રત્યક્ષ સબસિડી અપાઈ નથી. પાંચ કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત રૂ. ૩૪૦ જ્યારે ૧૦ કિલોના કોમ્પોસાઈટ બોટલનો ભાવ રૂ. ૬૬૯ થયો હતો. ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત રૂ. ૨,૦૦૩.૫૦ થઈ છે.

સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા જૂન ૨૦૧૭થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દૈનિક ફેરફાર કરવામાં આવે છે. પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારા છતાં ઉત્તર પ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના કારણે સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલમાં અંદાજે સાડા ચાર મહિના અને રાંધણ ગેસમાં લગભગ છ મહિનાથી ભાવ વધારો કર્યો નહોતો.
જોકે, મંગળવારે થયેલા ભાવવધારા સાથે હવે કેટલાક દિવસો સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દૈનિક વધારાની સંભાવના છે. પેટ્રોલ અને ડીઝલમાં દૈનિક ધોરણે ભાવમાં ફેરફાર પછી સરકારી ઓઈલ કંપનીઓએ પહેલી વખત ૧૩૮ દિવસ સુધી ઈંધણની કિંમતોમાં કોઈ ફેરફાર કર્યા નહોતા. જોકે, ઓઈલકંપનીઓ હવે આ સમયમાં તેમને થયેલું નુકસાન સરભર કરે તેવી શક્યતા છે.
દેશમાં મંગળવારે પેટ્રોલ, ડીઝલ અને એલપીજીમાં ભાવવધારાની જાહેરાત થતાં વિપક્ષે સંસદના બંને ગૃહોમાં ભારે હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસ, તૃણમૂલ, આપ અને ડાબેરી પક્ષોના હોબાળાના પગલે બંને ગૃહો મૂલતવી રાખવાની ફરજ પડી હતી.
READ ALSO
- સેન્ટ્રલ બેંકોએ ઓક્ટોબરમાં 41 ટકા ઓછું સોનું ખરીદ્યું, જાણો RBIએ કેટલા ટન ખરીદ્યું ગોલ્ડ
- લગ્ન મુહૂર્ત 2024: જાણો 2024માં લગ્ન માટે ક્યારે છે શુભ મુહૂર્ત, તારીખ અને સમય સાથેનું કેલેન્ડર
- વર્ષ 2024માં ક્યારે-ક્યારે લાગશે ગ્રહણ?, જાણો ભારતમાં દેખાશે કે નહીં
- ‘એનિમલ’ની સિક્વલ ‘એનિમલ પાર્ક’ પણ હશે વધુ હિંસક અને ખતરનાક, જાણો ફિલ્મના મેકર્સએ શું કહ્યું
- જાણો આ વર્ષે વિકિપીડિયામાં સૌથી વધુ શું સર્ચ કરવામાં આવ્યું, ટોપ સર્ચમાં સામેલ આ મોટી માહિતીઓ