જીએસટીના અધિકારીઓએ શોધી નવ બોગસ કંપનીઓ, જાણો કેટલાનું કૌભાંડ

મૂળ ભાવનગરના ભેજાબાજ શખ્સ તોફીક શેખે ખરેખર માલની કોઈ હેરફેર કર્યા વિના રૃા.૧૦૭ કરોડના બોગસ બિલો બનાવી ખોટી રીતે રૃા.૨૫.૫ કરોડની ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી હોવાનું સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓએ શોધી કાઢી તેની ધરપકડ કરાઈ છે.

ભાવનગરના ભેજાબાજે ૯ બોગસ કંપની બનાવી : ત્રણ શોધી કાઢી : ૧૯ કરોડની ટેકસ ક્રેડિટ પાસ ઓન કરી

આ ભેજાબાજ તોફીક શેખે વડોદરામાં કુલ નવ કંપનીએ કાગળ પર બનાવી હતી અને તેમાંથી ત્રણ કંપની સેન્ટ્રલ જીએસટી વડોદરા-૧ના ઓફિસરોએ આંકડાકીય વિગતો એકત્રિત કરીને ઝીણવટી ભરી તપાસના અંતે શોધી કાઢી હતી. જેમાં મેસર્સ કેપિટલ ઈમ્પેકસ, મેસર્સ ક્રિષ્ના સ્ટીલ અને મેસર્સ મિલેનિયમ સ્ટીલ સામે કેસ દાખલ કર્યો છે. 

આ કંપનીઓએ માલની ખરેખર કોઈ હેરફેર કર્યા વિના રૃા.૨૫.૫ કરોડની ઈનપુટ ટેકસ ક્રેડિટ મેળવી હતી અને તેમાંથી ૧૯ કરોડની ટેકસ ક્રેડિટ પાસ ઓન કરી દીધી હતી. આ કંપનીઓ માત્ર કાગળ પર બની હતી અને હકીકતમાં કોઈ કામગીરી કરતી ન હતી. માત્ર એક વ્યક્તિએ આ કંપનીઓ ઉભી કરી હતી.

જીએસટીના અધિકારીઓને તપાસમાં એ જણાઈ આવ્યું હતું કે આ વ્યક્તિએ જીએસટી રજિસ્ટ્રેશન મેળવી લીધુ હતુ. તેમજ આવી કેટલીક કંપનીઓ પાસેથી સંબંધિત દસ્તાવેજો અને ઓળખ પણ જુદા જુદા લોકોને પૈસા આપીને મેળવી લીધા હતા. જેના આધારે આ ભેજાબાજ વ્યક્તિ બોગસ બિલો આપીને ઈનપુટ ટેકસ ક્રેડિટ મેળવીને જુદી જુદી પેઢીઓને પાસ ઓન કરતો હતો.

આ ભેજાબાજ વેચાણના બોગસ બિલો આ ત્રણ કંપનીઓ ઉપરાંત રાજકોટ, ભાવનગર, જામનગર અને મુંબઈની કંપનીઓ પણ ઈસ્યૂ કરીને માલની કોઈ હેરફેર કર્યા વિના ઈનપુટ ટેકસ ક્રેડિટ પાસ ઓન કરતો હતો. આ કંપનીઓના ડમી માલિકો જો કે આ શખ્સ જ છે. જેણે તેના નિવેદનમાં કબૂલાત કરી છે. આજે તેની ધરપકડ કરીને વડોદરાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરાયો હતો. હાલ અધિકારીઓ માત્ર કાગળ પર બનેલી બીજી બોગસ કંપનીઓ દ્વારા અપાયેલા બોગસ બિલો અંગે તપાસ કરી રહ્યાં છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter